BREAKING NEWS

રાજકોટમાં ખાણીપીણીના ધંધાર્થીઓ ભેળસેળ કરી તો ખેર નહીં, એક વર્ષ ચાલશે ડ્રાઇવઃ મેયરનો એક્શન પ્લાન

  • June 15, 2026 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને ભેળસેળવાળા ખોરાકમાંથી મુક્તિ અપાવવા, ભેળસેળ વિરુધ્ધ આજથી આગામી એક વર્ષ સુધી સતત સઘન ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, તેમ મેયર ડૉ. નેહલ શુક્લ અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આજે યોજવામાં આવેલી પ્રેસમીટમાં જાહેર કરવામાં આવ્યું હતું. તેઓએ શહેરના વેપારીઓને ભેળસેળથી દૂર રહેવા ચેતવણી આપતા એમ કહ્યું હતું કે, ભેળસેળ કરતાં પકડાશે તે ધંધાર્થી સામે સ્થળ પર જ દંડની વસૂલાત, વ્યવસાયિક એકમ સીલિંગ સહિતના આકરા કાયદાકીય પગલાં લેવાશે.


વિશેષમાં મેયરે જણાવ્યું હતું કે, ખોરાકનો મુદ્દો સૌને સ્પર્શે છે, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પણ સમગ્ર રાજ્યમાં લોકોને ભેળસેળ વગરના ખાદ્યપદાર્થો મળી રહે તેનો આગ્રહ રાખે છે. રાજકોટ મહાનગરપાલિકા પણ આ મુદ્દો ગંભીરતાથી લઈ રહી છે. રાજકોટમાં લોકોને ભેળસેળવાળા ખોરાકમાંથી મુક્તિ અપાવવાના સંકલ્પ સાથે આ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાદ્યપદાર્થોના વ્યાપાર સાથે સંકળાયેલા તમામ વેપારીઓ પોતાના નાનકડા નફા માટે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવાથી અને ભેળસેળ કરવાથી દૂર રહે તે માટે ચેતવણી સાથે વિનંતી કરીએ છીએ.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા ત્રણ કેટેગરીમાં એટલે કે, (૧) નાનામાં નાના ધંધાર્થીઓ (હોકર્સ ઝોન, રેંકડી ધારકો અને હરતા ફરતા ધંધાર્થીઓ), (૨) લોકલ રેસ્ટોરન્ટ અને (૩) નામાંકિત મોટી હોટલો તથા રેસ્ટોરન્ટ, એમ તમામ ધંધાર્થીઓને આ ચેકિંગ ઝુંબેશમાં આવરી લેવામાં આવશે.


મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ કહ્યું હતું કે, તમામ ખાદ્યપદાર્થના ધંધાર્થીને ભેળસેળથી દૂર રહેવા રાજકોટ મહાનગરપાલિકા અપીલ કરે છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રાજકોટ શહેરના તમામ ઝોનમાં સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, મહાનગરપાલિકા પોતાની ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ કરવા માટે પ્રયાસ કરી રહી છે.


આ ઝુંબેશમાં પાંચ ટીમ દ્વારા તમામ પ્રકારના ફૂડ બિઝનેસ ઓપરેટરો જેવા કે હોટલ, રેસ્ટોરન્ટ, ડેરી એકમો, સુપર માર્કેટ, ઉત્પાદન કરતાં એકમો, સ્ટોરેજ-કોલ્ડ સ્ટોરેજ, ફરસાણ, બેકરી પ્રોડક્ટસ, હોકર્સ વગેરે એકમોની તપાસ હાથ ધરવામાં આવશે. જેમાં પેઢીની હાઈજેનિક કન્ડિશન, ઉપયોગમાં લેવાતી કે સ્થળ પર ઉત્પાદન કરાતી ખાદ્યચીજોનું સ્ટોરેજ, ફૂડ લાઇસન્સ તપાસવામાં આવશે તેમજ જરૂર પડયેથી ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા સ્થળ પર જ ખાદ્યચીજોની પ્રાથમિક ચકાસણી કરવામાં આવશે.


ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ અન્વયે ફૂડ બિઝનેસ ઓપરેટરો પાસેથી ચેકિંગ દરમિયાન સ્થળ પર શંકાસ્પદ ખાદ્યચીજોના નમૂના લેવામાં આવશે તેમજ અખાદ્ય કે વાસી ખોરાકનો જથ્થો નાશ કરવાની કામગીરી કરવામાં આવશે તેમજ પેઢીને નોટિસ આપી ફૂડ બિઝનેસ ઓપરેટર પાસેથી સ્થળ ઉપર જ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે તેમજ જનઆરોગ્યને હાનિકારક તથા અનહાઈજેનિક કન્ડિશન ધરાવતા એકમોને સીલ કરવા સુધીની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ફૂડ વિભાગ દ્વારા આ કામગીરી ઝુંબેશ સ્વરૂપે સતત ચાલુ રહેશે.


ઉપરોક્ત પ્રેસ કોન્ફરન્સમાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા તેમજ આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વકાણી, ફૂડ વિભાગના અધિકારી ડૉ. હાર્દિક મેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


ભેળસેળ ડ્રાઇવ સામે ઉઠતા સવાલ

૧. રાજકોટમાં કોઈ નાગરિકને ભેળસેળ જણાય તેવા ખાદ્યપદાર્થનું ચેકીંગ કરાવવું હોય તેની કોઈ વ્યવસ્થા છે ખરા ?

૨. દંડ ભરપાઈ કરીને પછી ફરી ભેળસેળ ચાલુ રહે છે તેનું શું ?

૩. એક વખત ભેળસેળમાં પકડાયા બાદ એકમ સીલ કરાય તો નિયમ મુજબ સપ્તાહના અંતે સીલ ખુલી જાય છે અને ભેળસેળ ચાલુ રહે છે તેનું શું ?

૪. ભેળસેળ બદલ ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કે કેન્સલ કરાય તો ફરી એ જ સ્થળે નવા નામે અને નવા લાયસન્સ સાથે પેઢી શરૂ થાય છે અને ફરી ભેળસેળ કરે છે તેનું શું ?

૫. ફૂડ સેમ્પલ લીધા પછી મહિનાઓ સુધી તેના રિપોર્ટ આવતા નથી તેનું શું ?

૬. દંડની મામૂલી રકમ ભરપાઈ કરતા રહીને ધંધાર્થીઓ ભેળસેળ ચાલુ રાખે છે તે રોકવાનું આયોજન શું ?

૭. ફૂડ ચેકીંગ, સેમ્પલિંગ, દરોડાની વિડિઓ રિલ્સ બનાવી ધંધાર્થીઓને શા માટે ખુલ્લા પાડવામાં આવતા નથી ?

૮. મોટાભાગના ધંધાર્થીઓ નકલી ભેળસેળયુક્ત પનીર, ભેળસેળ યુક્ત ઘી વેંચે છે તે સૌ જાણે છે છતાં એકને ગોળ અને એકને ખોળ જેવી પોલિસીથી ચેકીંગ શા માટે ?

૯. ભેળસેળ પકડવા રાજકોટમાં ટેસ્ટિંગ થઈ શકે તેવી ફૂડ લેબોરેટરી ક્યારથી શરૂ થશે ?

૧૦. ભેળસેળનું ચેકીંગ અને સેમ્પલિંગ ફ્ક્ત નાના ધંધાર્થીઓને ત્યાં જ થાય છે સુપ્રસિદ્ધ હોટલ રેસ્ટોરન્ટ્સમાં કેમ નહીં!?


ભેળસેળ એ આતંકવાદી કાવતરા જેવું કૃત્ય, સૌની તંદુરસ્તીને તબાહ કરે: ડો.નેહલ શુક્લ

મેયર ડો.નેહલ શુક્લએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભેળસેળ એ આવતંકવાદી કાવતરા જેવું જ કૃત્ય છે જે આબાલ વૃધ્ધ સૌ કોઇની તંદુરસ્તીને તબાહ કરી નાખે છે. જાહેર સ્વાસ્થ્યનો વિચાર કરીને ટોપ પ્રયોરીટીમાં ભેળસેળ પકડવા આજથી જ ઝુંબેશ શરૂ કરાઇ છે. નાગરિકોને બાતમી આપવા અપીલ છે. રેંકડીથી લઇને હોટેલ્સ, મોટેલ્સ, રિસોર્ટ્સ સહિત દરેક સ્થળે ચેકીંગ થશે. એટલું જ નહીં ગ્રોસરી સ્ટોર્સથી લઈને કોલ્ડ સ્ટોરેજમાં, સિનેમા હોલના કેન્ટિનથી લઈને ખાનગી હોસ્પિટલના કેન્ટિનમાં પણ ચેકીંગ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application