જામનગર મહાપાલિકાના ૨૦૨૬-૨૭ના બજેટમાં ૧૮૫૪.૧૦ કરોડનો ખર્ચો બતાવ્યો છે અને ગઇકાલે સ્ટે. કમીટીના ચેરમેન નિલેશ કગથરાએ જનરલ બોર્ડમાં બજેટ રજુ કર્યો ત્યારે સભ્યોએ વિવિધ પ્રકારનાં સુચનો કર્યા હતા. તેમાં ખાસ કરીને કોર્પોરેશન દ્વારા સમર્પણ હોસ્પિટલ પાસે ક્રિકેટ મેદાન બનાવવાનું નકકી કરાયુ છે ત્યારે વધતી જતી વસ્તીને ઘ્યાનમાં લઇને જામનગરમાં હજુ બે ક્રિકેટ મેદાન બનાવવા જોઇએ તેવી રજુઆત કોર્પોરેટર જયરાજસિંહ જાડેજાએ કરી હતી. જયારે કેટલાક સભ્યોએ નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ વેસ્ટ ટુ એનર્જી કંપનીમાંથી ખુબ જ દુર્ગંધ આવતી હોય, તાત્કાલિક આ દુર્ગંધ બંધ કરાવવા અન્યથા કંપનીને ત્યાંથી જાકારો આપવા ઉગ્ર રજુઆત કરવામાં આવી છે. જયારે વિપક્ષ નેતા ધવલ નંદાએ કહ્યું હતું કે બજેટના આંકડા પ્રમાણે જોઇએ તો છેલ્લા પાંચ વર્ષમાં જે દેવુ રૂ.૯૦૦૦ હતુ તે રૂ. ૧૬૦૦૦ એ પહોંચી ગયુ છે. જયારે માણેકબાઇ સુખધામ સ્મશાનમાં અંતિમવિધિનો ચાર્જ ફ્રી કરવા અંગે સંસ્થાના હોદેદાર સાથે એમ.યો કર્યા બાદ આ ચાર્જ ફ્રી કરી દેવામાં આવશે.
ગઇકાલે બજેટ અંગેની ચર્ચામાં વોર્ડ નં. ર ના નગરસેવક જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જામનગરમાં રમતવીરો માટે ખાસ કોઇ મેદાન નથી અને હવે કોર્પોરેશન દ્વારા સમર્પણ હોસ્પિટલ પાસે એક મેદાન ડેવલોપ કરવામાં આવશે પરંતુ જામનગરની વસ્તીને ઘ્યાનમાં લઇને ર થી ૩ મેદાનો બનાવવાની જરૂર છે. ઉપરાંત તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ફરીથી વેસ્ટ ટુ એનર્જી કંપનીમાંથી ખુબ જ દુર્ગંધ આવે છે. લોકો ત્યાં રહી શકતા નથી. છેક રામેશ્ર્વરનગર સુધી આ દુર્ગંધ આવતી હોય, લોકો ખુબ જ પરેશાન થઇ ગયા હોય માટે આ કંપની સામે તાત્કાલિક પગલા લઇને દુર્ગંધ બંધ કરાવો અન્યથા આ વિસ્તારમાંથી કંપનીને જાકારો આપવા માંગણી કરી છે.
ચેરમેન નિલેશ કગથરાએ કહ્યું હતું કે રણમલ તળાવમાં ફુડ કોટ એરીયામાં ફાઇવ ડી અને સેવન ડી થિયેટર મિરર ઇમેજ સેન્ટર બનશે, વિજયનગર ફાટકમાં ઓવરબ્રીજ બનશે. કોર્પોરેશનનાં તમામ ઓવરબ્રીજની નીચે દબાણ ન થાય તે માટે ગેમઝોન અને ફુડઝોન બનશે, રીઝર્વ પ્લોટોમાં ફેરીયાઓને જગ્યા ફાળવાશે. બેડી રોડ, નીલકંઠનગર, ઘાંચીવાડ, અને ગુલાબનગર પાસે આરોગ્ય કેન્દ્ર બનશે. આમ ૪ ગૌરવપથ સહિતનાં અનેક વિકાસ કાર્યોનું આયોજન કરાયુ છે. કેટલાક નગરસેવકોએ જામનગરનાં નવા બજેટમાં કોઇપણ પ્રકારનાં કરવેરા ન નાખવા બદલ ચેરમેનને અભિનંદન આપીને બજેટને ફુલગુલાબી ગણાવ્યું હતું. ત્યારે અન્ય કોર્પોરેટરોએ કહ્યું હતું કે જામનગરમાં ઢોર પકડની ઝુંબેશ વધુ વેગવાન બનાવવી જોઇએ. કેટલાક વિકાસ કામો થયા નથી તે અંગે રચના નંદાણીયાએ ઉગ્ર દલીલો કરી હતી. અને જે કામ થયા છે તે અંગે સાથી નગરસેવકોનો પણ આભાર માન્યો હતો.
જામનગરમાં કેટલાક આવાસોમાં મકાનો ભાડે આપી દેવામાં આવે છે. આવા મકાનો આ માલિકો સામે કડક પગલા લેવા અને સર્વે કરવા પણ માંગણી કરવામાં આવી છે. જયારે તળાવનાં પાછલા ભાગમાં સાયકલીંગ ટ્રેકની જોગવાઇ કરવામાં આવી છે તે બદલ આનંદ રાઠોડે અને રાહુલ બોરીચાએ આભાર માની કહ્યું હતું કે સ્મશાનને રૂ. ૧૦૦૦ ફાળવવાથી લોકોને રાહત થઇ છે પરંતુ બસનો ચાર્જ રૂ. ૫૦૦ છે તેનો સમાવેશ આમાં થયો છે કે કેમ? તેના જવાબમાં ચેરમેને કહ્યું હતું કે એક વર્ષનો કોન્ટ્રાકટ છે ધીમે ધીમે આ અંગે પણ વિચારણા કરવામાં આવશે.
પાઇપ ગટરની સમસ્યા અંગે મનીષ કટારીયાએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં લોકો નળ ખુલ્લા રાખી દે છે ત્યારે ગટર ઉભરાય જાય છે. આ પાઇપ ગટરની સમસ્યા ઉકેલવાની જરૂર છે. આ બજેટ બેઠકમાં કુસુમબેન પંડયા, ગોપાલભાઇ સોરઠીયા, કેશુભાઇ માડમ, કિશનભાઇ માડમ, રાહુલ ગોરીચા, ઝેનબ ખફી, મનીષ કટારીયા, સરોજબેન વિરાણી, ડિમ્પલ રાવલ, જશુબા, અલ્કાબા, તૃપ્તીબેન ખેતીયા, ધીરેન મોનાણી સહિતનાં સભ્યોએ બજેટ બેઠકની ચર્ચામાં ભાગ લીધો હતો.
મેયર થોડીવારમાં જ બજેટ બેઠકમાં ચાલ્યા જતા ડે.મેયરે ચાર્જ સંભાળ્યો
જામનગર મહાપાલિકાનું ૨૦૨૬-૨૭નું બજેટ ગઇકાલે સામાન્ય સભામાં રજુ થયુ ત્યારે ચેરમેનની સ્પીચમાં મેયર વિનોદ ખીમસુર્યા બજેટ બેઠક છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારબાદ ડે.મેયર ક્રિષ્નાબેન સોઢાએ મેયરપદનો ચાર્જ સંભાળીને ગૃહનું સંચાલન કર્યું હતું પરંતુ એક વાત નજરે આવી હતી કે આ બજેટ બેઠકમાં શહેરનું મુખ્ય બજેટ જાહેર થયુ છતાં પણ કોઇને એવો ખાસ રસ દેખાયો ન હતો. વિપક્ષી સભ્યોમાંથી પ્રથમ તબકકામાં નવ સભ્યો હાજર હતાં ત્યારબાદ ત્રણેક સભ્યો હાજર દેખાયા હતા.
જયારે શાસકપક્ષમાંથી પણ બજેટની મહત્વની બેઠક એકબાજુ મુકીને ચાલતી પકડી હતી. જયારે કેટલાક લોકો બેઠકમાંથી સતત આવન-જાવન કરતા હતા. જે રીતે સભ્યોએ ચર્ચામાં રસ લઇને શહેરનાં વિકાસ અંગે સુચનો આપવા જોઇએ તેના બદલે સભ્યોની નિરસતા જોવા મળી હતી. ભાજપનાં સભ્યોએ બજેટને આવકાર આપ્યો હતો. અને કેટલાકે સુચનો પણ કર્યા હતા. જયારે વિપક્ષી સભ્યોએ ખાસ કોઇ જોરદાર દલીલો કરી ન હતી. આમ નગરસેવકો ચુંટાઇ ગયા પછી આ મહત્વની બેઠકમાં કેવો ભાગ લ્યે છે તે નજરે જોવા મળ્યું હતું.
બજેટમાં ખાસ કંઇ કરદર ન હોવાથી વિપક્ષી સભ્યો મુંઝવણમાં
જામનગર મહાપાલિકાનું રૂ.૧૮૫૪.૧૦ કરોડનું બજેટ ગઇકાલે સામાન્ય સભામાં રજુ કર્યા બાદ ખાસ કરીને આ બજેટમાં કોઇ નવા કરદર ન હોવાથી બજેટમાં શું બોલવું ? તે અંગે પણ મુંઝવણમાં મુકાઇ ગયા હતા. શાસકપક્ષના સભ્યોને તો તૈયાર કરેલી વખાણ કરવાની સ્પીચ આપી દેવામાં આવી હતી. એટલે તેઓ તેમના ભાષણમાં સતત વખાણ કરતા રહ્યા. ખાસ કરીને સભ્યોને આ વર્ષની ગ્રાન્ટ મળી નથી તે અંગે પણ સભ્યોએ ચર્ચા વિચારણા કરી હતી. આખરે આ બજેટ ફીકક્ુ ગણાયુ હતું. જે પ્રમાણે અભ્યાસ કરવો જોઇએ તે પ્રમાણે અભ્યાસ કર્યો ન હતો. એવુ જોવા મળ્યું હતું.
સ્મશાન અંગેનો ચાર્જ આવતા અઠવાડિયામાં ફ્રી થઇ જશે
જામનગરમાં સ્ટે.કમીટીએ બેઠકમાં માણેકબાઇ સુખધામ ખાતે અંતિમવિધિ માટેનો ચાર્જ લેવાય છે તેમાં સહાય કરવા જાહેરાત કરી છે ત્યારે ચેરમેન નિલેશ કગથરાએ કહ્યું હતું કે સંસ્થાઓ ટ્રસ્ટી સાથે વાતચીત કરી એમઓયુ કરીને આવતા અઠવાડિયામાં જ સ્મશાનમાં ચાર્જ લેવાય છે તેમાં એક ડેડબોડી દીઠ રૂ.૧૦૦૦ મહાપાલિકા ચુકવશે તેના જવાબમાં સભ્યોએ કહ્યું હતું કે બસ ચાર્જ લેવાય તેનો આમાં સમાવેશ થાય છે કે કેમ ત્યારે ચેરમેને કહ્યું હતું કે ધીરે ધીરે આ પ્રકારની વાતચીત કરવામાં આવશે.