જામનગર શહેરમાં ટીપી સ્કીમ નં.૩૫, ૩૬ અને ૩૮નો ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ કલમ ૪૧ (૧) હેઠળ ઇરાદો જાહેર કરવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી, પરંતુ વિપક્ષે આખરી ટીકા કરતા જણાવ્યું હતું કે, આ ટીપી સ્કીમોમાં કોઇ એક ચોકકસ બિલ્ડરને લાભ ન મળે અને બધુ નિયમ મુજબ થાય તેવી અમારી માંગણી છે. અગાઉ કેટલીક સ્કીમો સરકારે પાછી મોકલી છે, ૧૦ નંબરની ટીપી સ્કીમના હજુ કોઇ ઠેકાણા નથી ત્યારે ઝડપથી આ સ્કીમ પણ લાગુ પડે તેવા પ્રયાસો કરવા જોઇએ. આગામી દિવાળી બાદ જામનગરને સૌરાષ્ટ્રના લાંબામાં લાંબા ફલાય ઓવરબ્રિજની ભેટ મળશે તેમ મેયરે કહ્યું હતું.
આજે જામનગર મહાપાલીકાની જનરલ બોર્ડની મીટીંગ મેયર વિનોદ ખીમસુરીયાના અઘ્યક્ષ સ્થાને મળી હતી જેમાં મોસદારૂપ નગર યોજના નં.૩૫, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ કલમ ૪૧ (૧) હેઠળ ઇરાદો જાહેર કરવા, કમિશ્નરની દરખાસ્ત નં.જેએમસી, ટીપીડીપી ૨૯/૪૭૯ ૨૦૨૫-૨૬, તા.૭-૧૦-૨૦૨૫ અન્વયે નિર્ણય થવાની દરખાસ્ત તેમજ ટીપી સ્કીમ નં.૩૬ જેએમસી/ટીપીડીપી ૨૦૨૫-૨૬ તા.૭-૧૦-૨૦૨૫ અને ટીપી સ્કીમ નગર રચના યોજના નં.૩૮ જેએમસી ટીપીડીપી ૨૯/૪૮૧ ૨૦૨૫ હેઠળ ઇરાદો જાહેર કરવા મ્યુ.કમિશ્નરની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.
વિપક્ષના નગરસેવીકા જૈનબ ખફીએ જણાવ્યું હતું કે, હજુ ટીપી સ્કીમ નં.૧૦ મંજુર થઇ નથી અને ટીપી સ્કીમમાં એક ચોકકસ બિલ્ડરને લાભ આપવામાં આવે છે તેવો પણ આક્ષેપ કર્યો, આ અંગે મ્યુ.કમિશ્નરે સ્થળ ઉપર જઇને તપાસ કરવાની જર છે, વિપક્ષી નેતા ધવલ નંદાએ કહ્યું હતું કે, શહેરના વિવિધ વિસ્તારમાં વિકાસ થાય, લોકોના વિકાસના કામ થાય, ગાંધારીની જેમ પાટા બાંધીને આ યોજના ૫ થી ૬ વર્ષ થયા હજુ સુધી અમલમાં આવી નથી, કોઇ બિલ્ડરને કમાવવાની આ યોજના છે ? ટીપી સ્કીમ નં.૩૬માં કોઇક બિલ્ડરને ફાયદો કરાવાની યોજના છે તેવો પણ આક્ષેપ કર્યો હતો, આ સ્કેન્ડર થાય છે, ખરી રીતે તો બધી પુર્તતા કરીને ૧૪ મહીનામાં ટીપી સ્કીમ પાસ થઇ જવી જોઇએ.
કોર્પોરેટર અલ્તાફ ખફીએ જણાવ્યું હતું કે, ટીપી સ્કીમ ૩૫, ૩૬, ૩૮ આપણે લાવ્યા છીએ, તે ડેવલોપ કરવાની જવાબદારી આપણી છે, ટીપી સ્કીમ ૧૦ સરકારમાંથી શા માટે મંજુર થઇ નથી ? ૫ ટીપી કેન્સલ થઇ છે અને એક ઝાંટકે ટીપી સ્કીમ મંજુર થાય તેવું કાંઇક કરો, તેના જવાબમાં સીટી ઇજનેર ભાવેશ જાનીએ જણાવ્યું હતું કે, ટીપી સ્કીમ નં.૫ કેન્સલ થઇ નથી, ઉપરાંત ટીપી સ્કીમ નં.૧૦ હવે થોડા સમયમાં જ કલીયર થઇ જશે જયારે ટીપી સ્કીમ નં.૭ અને ૯ કેન્સલ થઇ છે.
જામનગરમાં સૌથી લાંબા ફલાય ઓવરબ્રિજની શહેરીજનોને દિવાળીની ભેટ આપવા માંગો છો કે કેમ ? તે અંગેના અલ્તાફ ખફીના પ્રશ્ર્નના જવાબમાં મેયર વિનોદ ખીમસુરીયાએ કહ્યું હતું કે, થોડુ કામ બાકી હોય દિવાળી બાદ આ ફલાય ઓવરબ્રિજ લોકોને ભેટ મળશે. અસ્લમ ખીલજીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનમાં અધિકારીઓ ઉપર કામનું વધુ ભારણ છે, કેટલાક અધિકારીને ત્રણથી ચાર ચાર્જ સોંપવામાં આવ્યા છે, એક અધિકારીને એક જ ચાર્જ આપવામાં આવે તો કામગીરી સરળ બને. કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં જામનગર કોર્પોરેશનને ૫૦ ઇલેકટ્રીક બસ આપવામાં આવનાર છે, જેના માટે કમીટી બનાવી છે જેમાં એસપી અને આરટીઓનો સમાવેશ થાય છે ત્યારે શાસક પક્ષના નેતા આશીષ જોશીએ એવી માંગ કરી હતી કે, આ પ્રકારની કમીટીમાં હોદાની એ મેયર અને ચેરમેનની પણ નિમણુંક થવી જોઇએ.
આ જનરલ બોર્ડમાં અધિકારીઓ અને કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવાની દરખાસ્ત સર્વાનુમતે મંજુર થઇ હતી જયારે જામનગર મહાપાલીકા દ્વારા સેટઅપમાં સુધારા અંગે મ્યુ.કમિશ્નરની દરખાસ્ત પણ મંજુર કરવામાં આવી હતી તેમજ ફુડ શાખા દ્વારા વસ્તીને ઘ્યાનમાં લઇને સિનીયર ફુડ સેફટી ઓફીસર અને ડેઝીગ્નેટેડ ઓફીસરની પોસ્ટ ઉભી કરવાની દરખાસ્ત પણ મંજુર કરવામાં આવી હતી. સભાના પ્રારંભમાં વોર્ડ નં.૨ના પૂર્વ કોર્પોરેટર દિલીપસિંહ જાડેજાનું નિધન થતાં તેમના માનમાં બે મીનીટનું મૌન પાડવામાં આવ્યું હતું.