દેશની આઇઆઇટીમાં પ્રવેશ માટેની 'જેઈઈ એડવાન્સ' પરીક્ષાના પરિણામ બાદ જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી દ્વારા કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. પાંચથી છ ઓનલાઈન રાઉન્ડ બાદ જોઈન્ટ ઇમ્પ્લિમેન્ટેશન કમિટી દર વર્ષે ફાઈનલ રિપોર્ટ જાહેર કરે છે. વર્ષ ૨૦૨૬ના રિપોર્ટ મુજબ, આ વર્ષે પણ દેશના ટોપ એક હજાર વિદ્યાર્થીઓમાંથી એક પણ વિદ્યાર્થીએ આઈઆઈટી ગાંધીનગરમાં પ્રવેશ મેળવ્યો નથી, જે સંસ્થાની પસંદગી અંગે ગંભીર સવાલો ઊભા કરે છે.
છેલ્લા પાંચ વર્ષના રેકોર્ડ પર નજર નાખીએ તો આઇઆઇટી ગાંધીનગરમાં એડવાન્સના ટોપ 1000 રેન્કર્સ આવતા જ નથી. એટલું જ નહીં, ગુજરાતના પોતાના ટોપર્સની પણ આ પહેલી પસંદ રહેતી નથી. વર્ષ ૨૦૨૫માં ટોપ ૧૦૦૦માંથી માત્ર એક, ટોપ ૨૦૦૦માંથી 17 અને ટોપ ૫૦૦૦માંથી ૮૭ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. જ્યારે વર્ષ ૨૦૨૪માં માત્ર એક જ વિદ્યાર્થી આવ્યો હતો અને ૨૦૨૨ તેમજ ૨૦૨૩માં પણ ટોપ 1000માંથી કોઈ પ્રવેશ નોંધાયો નહોતો.
દેશભરમાં કુલ ૨૩ આઇઆઇટી આવેલી છે, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 'આઇઆઇટી બોમ્બે' વિદ્યાર્થીઓની સર્વોચ્ચ પસંદ રહી છે. દેશના ટોપ પાંચ હજાર વિદ્યાર્થીઓમાંથી સૌથી મોટો પ્રવાહ મુંબઈ તરફ રહ્યો છે. આ વર્ષે આઇઆઇટી બોમ્બેમાં ટોપ 100માંથી 68, ટોપ 200માંથી 99, ટોપ 500માંથી 183, ટોપ 1000માંથી 406 અને ટોપ 5000 રેન્કમાંથી 764 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે.
ચાલુ વર્ષે આઇઆઇટી ગાંધીનગરમાં કુલ ૩૬૧ પ્રવેશ થયા છે, જેમાં ૨૦ ટકા યુવતીઓનો સમાવેશ થાય છે. જોકે, ટોપ એક હજારમાંથી શૂન્ય પ્રવેશ છતાં, ટોપ ૨૦૦૦માંથી ૭ અને ટોપ ૫૦૦૦માંથી ૮૧ વિદ્યાર્થીઓએ અહીં પ્રવેશ મેળવ્યો છે. સંસ્થામાં કુલ સંખ્યા ભલે ભરાતી હોય, પરંતુ મેરિટના ઊંચા ક્રમાંક ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓને આકર્ષવામાં તે પાછળ રહી રહી છે.
સામાન્ય રીતે દેશના ટોપ 100 વિદ્યાર્થીઓમાં ગુજરાતમાંથી સરેરાશ ચારથી પાંચ અને ટોપ 1000માં 40 થી 50 વિદ્યાર્થીઓ સ્થાન મેળવતા હોય છે. પરંતુ આ આશ્ચર્યજનક બાબત છે કે ગુજરાતના પોતાના ટોપર્સ પણ આઇઆઇટી ગાંધીનગરને બદલે બહારની આઇઆઇટી પસંદ કરે છે. દેશભરના ટોપર્સની પહેલી પસંદ હંમેશાં આઈઆઈટી મુંબઈ અને ત્યાંની કોમ્પ્યુટર સાયન્સ શાખા જ રહેતી હોય છે.