દ્વારકા જગતમંદિરના પીઠાધિશ્ર્વર જગદગુરૂ શંકરાચાર્યજી પૂ. સદાનંદ સરસ્વતીજી આજે સવારે જામનગરમાં દરેડના તક્ષશીલા સંકુલ ખાતે પધારતા ભકતોએ તેનું ભાવભીનુ સ્વાગત કર્યુ હતું, તેઓ જામનગરમાં એક દિવસ રોકાણ કરશે, ત્યાર બાદ આવતીકાલે મોરબીના હાઇવે પર રતનપર નજીક શંકરાચાર્યજી મઠ ચંદ્રમૌલેશ્ર્વર મહાદેવના મંદિરે બિરાજમાન થશે.
પોરબંદર ખાતે ગઇકાલે અમરજયોતી આશ્રમ એરપોર્ટ રોડ ખાતે ભકતોને આશીર્વાદ આપ્યા બાદ તેમની સાથે જ્ઞાનગોષ્ઠી કરી હતી અને ધર્મની વાતો કરતા ભકતો ભાવવિભોર બની ગયા હતા, ત્યાર બાદ આજે સવારે મજબુત સુરક્ષા સાથે દરેડ ખાતેના તક્ષશીલા ખાતે આવી પહોચતા તેમનું અદકેરૂ સ્વાગત કરવામાં આવ્યુ હતું, ટ્રસ્ટી ગુણવંતભાઇ ભટ્ટ, પુંજાણીભાઇ સહિતના અજ્ઞણીઓએ શંકરાચાર્યજીને નમન કરીને આશીર્વાદ લીધા હતા.
થોડા દિવસ પહેલા જયારે દરેડ ખાતેે ભગવાન પરશુરામનું મંદિર બનવાના ખાત મુહુર્તના કાર્યક્રમમાં તેઓ હાજર રહયા હતા અને ત્યારબાદ તેઓ દ્વારકા જવા રવાના થયા હતા, ગયા અઠવાડીયે તેઓએ શારદાપીઠ દ્વારકા ખાતે પણ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપીને ભકતોને આશીર્વાદ પાઠવ્યા હતા.
હિન્દુ ધર્મના વડા અને દ્વારકા શારદાપીઠાધિશ્ર્વર જગદગુરૂ શંકરાચાર્યજી આજે જામનગરમાં આવતા ભકતોમાં પણ આનંદની લાગણી જન્મી છે, દુર દુરથી આશીર્વાદ માટે આવતા ભકતો દરેડ ખાતેના સંકુલમાં પધાર્યા હતા, હવે તેઓ આવતીકાલના કાર્યક્રમ માટે મોરબીના રતનપર ખાતે જવા રવાના થશે. આજે સવારે તેઓએ તક્ષશીલા સંકુલમાં પુજન અર્ચન કર્યા બાદ ભકતોને આશીર્વાદ આપ્યા હતા.