આજે પવિત્ર અષાઢી બીજના પાવન પર્વે રંગીલા રાજકોટ શહેરમાં શ્રદ્ધા, ભક્તિ અને ઉમંગના માહોલમાં જુદી-જુદી રથયાત્રાઓ યોજાઈ રહી છે. જેમાં ખાસ કરીને નાનામૌવા સ્થિત કૈલાશધામ આશ્રમ જગન્નાથ મંદિરથી નીકળેલી ભવ્ય રથયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે. સમગ્ર વાતાવરણ 'જય રણછોડ માખણચોર' અને 'જય જગન્નાથ'ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ ઐતિહાસિક રથયાત્રાનું પ્રસ્થાન સવારે ૮:૩૦ વાગ્યે રાજવી માંધાતાસિંહના હસ્તે પરંપરાગત પહિંદવિધિ કરીને કરાવવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલા, મેયર ડો. નેહલ શુક્લ, ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતના અનેક રાજકીય, સામાજિક અને વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ તેમજ સાધુ-સંતોએ ખાસ હાજરી આપી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા.
છેલ્લા ૧૯ વર્ષથી સતત યોજાતી આ રથયાત્રાની ધાર્મિક વિશેષતા અંગે માહિતી આપતા કૈલાશધામ આશ્રમના મહંત ત્યાગી મનમોહનદાસે જણાવ્યું હતું કે, આ યાત્રામાં ત્રણ અલગ-અલગ રથ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં પ્રથમ રથમાં ભાઈ બલભદ્ર, બીજા રથમાં બહેન સુભદ્રાજી અને ત્રીજા રથમાં સ્વયં ભગવાન જગન્નાથ બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા છે. જે ભક્તો કોઈ કારણસર મંદિર સુધી આવી શકતા નથી, તેમને દર્શન આપવા માટે ભગવાન પોતે સામે ચાલીને રાજમાર્ગો પર પધાર્યા છે. એવી લોકવાયકા અને ધાર્મિક માન્યતા છે કે નગરચર્યા દરમિયાન ભગવાનના દિવ્ય રૂપના માત્ર દર્શન કરવાથી પણ લોકોનું જીવન મંગલમય અને સુખમય બની જાય છે. એટલું જ નહીં, રથને સ્પર્શ કરનાર ભક્તોનું કલ્યાણ થાય છે અને જે ભાગ્યશાળી ભાવિકો રથના દોરડા ખેંચે છે, તેમના હાથની અશુભ રેખાઓ પણ શુભ રેખાઓમાં પરિવર્તિત થઈ જાય છે. રથ પર લહેરાતી પંચરંગી ધ્વજા નગરમાં સુખ-સમૃદ્ધિનો સંદેશ આપે છે. મહંતે ઉમેર્યું કે ભગવાનની અસીમ કૃપાથી અત્યાર સુધી આ યાત્રામાં ક્યારેય કોઈ વિઘ્ન આવ્યું નથી અને રાજકોટની રથયાત્રાની અનોખી વિશેષતા એ છે કે તેમાં સાધુ-સંતો અને સ્થાનિક લોકો અવનવા કરતબો અને લાઠીદાવના પ્રદર્શનો પણ કરે છે.

ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા દિવસભર શહેરના અંદાજે ૨૨ કિલોમીટર લાંબા નિર્ધારિત રૂટ પર ફરી રહી છે. નાનામૌવા મોકાજી સર્કલથી શરૂ થયેલી આ યાત્રા વૃંદાવન સોસાયટી, પુષ્કરધામ, આલાપ એવન્યુ, શક્તિનગર, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ અને રૈયા રોડ જેવા પશ્ચિમના વિસ્તારોમાં ફરી હતી. ત્યાંથી આગળ વધીને કિસાનપરા ચોક, સદરબજાર, હરિહર ચોક, પંચનાથ મહાદેવ, લીમડા ચોક, ત્રિકોણ બાગ, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, સ્વામિનારાયણ મંદિર અને આશાપુરા મંદિર જેવા મધ્ય શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. ત્યારબાદ કેનાલ રોડ, સોરઠીયાવાડી સર્કલ, કોઠારીયા રોડ, યાદવનગર, પીડીએમ કોલેજ, સ્વામીનારાયણ ચોક, આનંદ બંગલા ચોક, ચંદ્રેશનગર અને શાસ્ત્રીનગર થઈને મોડી સાંજે આ રથયાત્રા પુનઃ કૈલાશધામ આશ્રમ એટલે કે નિજ મંદિરે સંપન્ન થશે, જ્યાં ભગવાનની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવશે. રથયાત્રાના સમગ્ર રૂટ પર ઠેર-ઠેર ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રસાદનું વિતરણ કરાયું હતું.
આટલી વિશાળ અને લાંબી રથયાત્રાને પગલે શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા સુરક્ષાની અભેદ અને લોખંડી વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રાના રૂટની દરેક નાની-મોટી હિલચાલ અને સંવેદનશીલ પોઇન્ટ્સ પર તીક્ષ્ણ નજર રાખવા માટે ઉચ્ચ અધિકારીઓ મેદાનમાં ઉતર્યા છે. આ ચુસ્ત બંદોબસ્તમાં ચાર ડીસીપી, છ એસીપી, ૨૩ પીઆઈ અને ૯૧ પીએસઆઈ સહિત કુલ ૯૦૦ પોલીસ કર્મચારીઓ તહેનાત કરાયા છે. આ ઉપરાંત હોમગાર્ડ, એસઆરપી અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને મળીને કુલ ૧૮૦૦થી વધુ સુરક્ષાકર્મીઓનો કાફલો માર્ગો પર ખડેપગે રાખવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ સદ્દભાવના જાળવવાના પ્રયાસો કરી રહી છે, જ્યારે તેમની મદદમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સાયબર ક્રાઇમની ટેકનિકલ ટીમો પણ ગુપ્ત રીતે સતત મોનિટરિંગ કરી રહી છે, જેથી કરીને રથયાત્રા કોઈ પણ અનિચ્છનીય ઘટના વિના શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ શકે.