BREAKING NEWS

અંબાજીથી ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરતા વિશ્વકર્મા;૧૫ ઓક્ટોબરે રાજકોટ પહોંચશે

  • October 10, 2025 09:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા આજે તા.૧૦ થી તા.૧૭ ઓક્ટોબર સુધી ગુજરાત પ્રવાસ કરશે તેમજ છ જેટલા મહાસંમેલનોમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે. યાત્રા દરમ્યાન આવતા અનેક ધાર્મિક સ્થળોએ દર્શન પણ કરશે. વિશેષમાં અભિવાદન માટે શુભેચ્છકો ફૂલહાર, ફૂલબુકે અથવા તો મોમેન્ટો ભેટ સ્વરૂપે આપે છે પરંતુ એક નવી પહેલ થકી પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા મહાસંમેલન તેમજ અભિવાદનમાં વિધ્યાભ્યાસના ચોપડા તેમજ પુસ્તકો સ્વીકારશે તેમજ આ તમામ ચોપડા જરૂરિયાતમંદ બાળકો-વિધ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે.

આજે તા.૧૦ ઓક્ટોબરના રોજ સવારે અંબાજી માતાજીનાં મંદિરે દર્શન કરી તેમણે ત્યારબાદ પાલનપુર ખાતે કાર્યકર્તા મહાસંમેલનને સંબોધન કર્યું હતું. ત્યારબાદ પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા આગેવાનો સાથે ભોજન લઈ સિદ્ધપુર જવા રવાના થયા હતા. સિદ્ધપુર, મહેસાણાથી કલોલ સુધી યાત્રા દરમ્યાન આવતા અનેક ગામોમાં કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું. મહેસાણા જીલ્લાના ઊંઝા ખાતે ઉમિયા માતાજીના મંદિરે દર્શન કર્યા હતા. ત્યારબાદ ગાંધીનગર જીલ્લાના કલોલ ખાતે બજારની દુકાનોમાં જીએસટીમાં રાહતને અનુલક્ષીને સ્ટિકર ચોંટાડવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે આવતીકાલે તા.૧૧ ઓકટોબરે સુરતના તાપીમાં કાર્યકર્તા મહાસંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય જળશક્તિ મંત્રી તેમજ પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે.

તા.૧૪ ઓકટોબરે વડોદરા શહેરમાં રેલી સ્વરૂપે કાર્યકર્તાઓનું અભિવાદન જીલશે. ત્યારબાદ કાર્યકર્તા મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે.

તા.૧૫ ઓકટોબરે રાજકોટ શહેર- જીલ્લો તેમજ મોરબી જીલ્લાના સંયુક્ત કાર્યકર્તા મહાસંમેલન કાર્યક્રમમાં રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે. બાવળા, બગોદરા, લીમડી, સાયલા, ચોટીલા, કૂવાડવા યાત્રામાં આવતા અનેક ગામોમાં કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલશે.

તા.૧૭ ઓકટોબરે અમદાવાદ ખાતે લેઉવા પટેલ સમાજ સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કાર્યકર્તા મહાસંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

પ્રવાસ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે ધવલભાઈ દવે (જીલ્લા પ્રભારી રાજકોટ) અને ડૉ.ઋત્વિજ પટેલ (પ્રદેશ સહ-પ્રવકતા) તેમજ સંદીપભાઈ દેસાઇ (ધારાસભ્ય-ચોર્યાસી વિધાનસભા) સતત સાથે રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application