BREAKING NEWS

જામનગર : દિવાળીમાં ફરવા માટે જામનગરવાસીઓની ગોવા, કાશ્મીર પહેલી પસંદ

  • October 21, 2025 12:32 PM 


દિવાળીમાં ફરવા જવા માટે જામનગરવાસીઓની ગોવા અને કાશ્મીર પહેલી પસંદ હોવાનું ટુર ઓપરેટરોએ જણાવ્યું છે. દુબઇ, રાજસ્થાન, હીમાચલ પ્રદેશ જવાનો ક્રેઝ પણ શહેરીજનોમાં છે. દિપાવલી વેકેશનમાં ફરવાની મોજ માણવા રૂ.૩૫૦૦૦ થી ૧૫૦૦૦૦ નો શહેરીજનો ખર્ચ કરી રહ્યા છે. મંદી અને મોંઘવારી ભૂલી પ્રકાશના પર્વ દિપોત્સવીની પ્રવાસન સ્થળોએ ઉજવણી કરી યાદગાર સંભારણા બનાવવાનું દર વર્ષે પ્રમાણ વધી રહ્યું છે. 


દિપાવલી એટલે પ્રકાશ અને આનંદનું પર્વ. આ તહેવારની જામનગરવાસીઓ ધામધૂમથી ઉજવણી કરે છે. દિવાળીની રજા અને વેકેશનની મોજ માણવા ફરવાના સ્થળો પર જવાનું પ્રમાણ દર વર્ષે વધી રહ્યું છે. જો કે, દર વર્ષે જુદા-જુદા સ્થળો પર ફરવા જવાનો ક્રેઝ જોવા મળે છે. ચાલુ વર્ષે જામનગરવાસીઓમાં દિપાવલીની રજામાં ગોવા,મહાબળેશ્વર અને લોનાવાલા તથા કાશ્મીર જવાનો સૌથી વધુ ટ્રેન્ડ છે. તદઉપરાંત હીમાચલ પ્રદેશ, રાજસ્થાન અને દુબઇની ટુર પણ શહેરીજનોમાં ફેવરીટ છે.


દિવાળી અટેલે આતશબાજી, મીઠાઇની લીજજતની સાથે હરવા-ફરવાની મોજ માણવાનો તહેવાર. આથી દીવાળીના તહેવારોની પ્રવાસન સ્થળોએ ઉજવણી કરવાનો ટ્ર્રેન્ડ દર વર્ષે વધી રહ્યો છે. જામનગરના જાણીતા ટુર ઓપરેટર હરીશભાઇએ જણાવ્યું હતું કે, આ વર્ષે દિવાળીની રજા અને વેકેશનમાં ફરવા જવાની મોજ માણવા માટે કાશ્મીર અને ગોવા શહેરીજનોની પહેલી પસંદ છે. તદઉપરાંત મહાબળેશ્વર, લોનાવાલા, દુબઇ, હીમાચલ પ્રદેશ અને રાજસ્થાન જવાનો પણ જબરો ક્રેઝ છે. 


દિવાળીમાં વીદેશના બદલે ડોમેસ્ટીક ટુરનો વધુ ટ્રેન્ડ હોવાનું તેમણે ઉમેર્યું હતું. દિપાવલીના તહેવારો દેશ તેમજ વીદેશના ખ્યાતનામ પ્રવાસન સ્થળોએ ઉજવી યાદગાર સંભારણા બનાવવાનું પ્રમાણ દર વર્ષે વધી રહ્યું છે. દર વર્ષે દિવાળીના ફટાકડા તેમજ અન્ય ચીજવસ્તુઓમાં ભાવ વધારો જોવા મળે છે. પરંતુ આ વર્ષે જીએસટીમાં ઘટાડાના કારણે ઇલેકટ્રીક ઉપકરણો સહીત અન્ય ચીજવસ્તુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.


ત્યારે મંદી અને મોંઘવારી ભૂલીને દેશ તેમજ વીદેશના ફરવાના સ્થળો પર પ્રકાશના પર્વની ઉજવણી કરવા માટે ઘણા શહેરીજનો ગયા છે. આ માટે શહેરીજનો રૂ.૩૫૦૦૦ થી ૧૫૦૦૦૦ સુધીનો ખર્ચ પણ કરી રહ્યા છે. ડોમેસ્ટીક એટલ કે દેશના પ્રવાસન સ્થળો પર બે વ્યકિત જયારે વીદેશ ટુરમાં વ્યકિત દીઠ ખર્ચનો ટુર પેકેજમાં સમાવેશ થાય છે. દેશ તેમજ વીદેશમાં ટુર માટે આવાગમનના માઘ્યમોનું પ્રમાણ વધતા દિવાળીના તહેવારોમાં શહેરીજનોમાં ફરવા જવા માટેનું પ્રમાણ વઘ્યું છે. આમ સમૂહમાં દિવાળીની ઉજવણીની પરંપરા ધીમે ધીમે બદલાઇ રહી છે.


હાલારના ઐતીહાસીક સ્થળો, ફાર્મ હાઉસમાં ઉજવણીનો ક્રેઝ

દિવાળીના તહેવારોમાં હાલારના ઘુમલી, દ્રારકા તેમજ અન્ય પ્રવાસન સ્થળો પર મોટી સંખ્યામાં લોકો ફરવા જઇ રહ્યા છે. તદઉપરાંત શહેર-જિલ્લામાં આવેલા ફાર્મ હાઉસમાં રોકાઇને પણ ફરવાની સાથે દિવાળીના તહેવારોની ઉજવણીનો ક્રેઝ વઘ્યો છે. ઘોંઘાટ અને ભાગદોડથી ભરેલા જીવનમાં શાંતિ મેળવવા દિવાળીના તહેવારોમાં ફરવા જવાનો ટ્રેન્ડ વઘ્યો છે. ​​​​​​​


શહેરીજનોમાં ફરવા જવાનું   પ્રમાણ ગત વર્ષ કરતાં વઘ્યું...
જામનગરવાસીઓમાં દિવાળીની ઉજવણીને યાદગાર બનાવવા માટે બહાર ફરવા જવાનું પ્રમાણ દર વર્ષે વધી રહ્યું છે. ચાલુ વર્ષે દીવાળીના તહેવારમાં કાશ્મીર, હીમાચલ પ્રદેશ, ગોવા, મહાબળેશ્વર, રાજસ્થાન, દુબઇ સહીતના સ્થળો પર શહેરીજનો ગયા હોવાનુ અને આ પ્રમાણ ગત વર્ષ કરતા વધુ હોવાનું પણ ટુર ઓપરેટરોએ જણાવ્યું છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application