રાજકોટ એરપોર્ટના મુસાફરોની સમસ્યાનો અંત થવા જઈ રહ્યો છે. કારણ કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સૂચના પ્રમાણે રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા રાજકોટના મુસાફરોને વિવિધ પ્રશ્નોમાં થઈ રહેલી સમસ્યાઓને ધ્યાનમાં લઈને દૈનિક 30 મુસાફરો પાસેથી પ્રતિસાદ એકત્ર કરીને રિપોર્ટ તૈયાર કરી અને મોકલી આપવામાં આવે છે. જેના આધારે રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે ચાર મહત્વપૂર્ણ પગલા ભરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વાઇફાઇ અને મોબાઈલ કનેક્ટિવિટી વધારવા માટે ખાણી-પીણીના વિકલ્પો વધારવા માટે તેમજ રાજકોટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની ઉડાન માટેના સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું એરપોર્ટ ડિરેક્ટર દિગંત ઓઝા દ્વારા જણાવવામાં આવ્યું છે.
રાજકોટ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કામગીરી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના માટે રાજકોટ એરપોર્ટ ઓથોરિટી સક્રિયપણે આગળ વધી રહી છે. જેના ભાગરૂપે આવતીકાલે તારીખ 27 નવેમ્બરના રોજ જામનગર કસ્ટમની એક ટીમ આવતીકાલે રાજકોટ એરપોર્ટની મુલાકાત લેશે અને તેમની ઓપરેશનલ જરૂરિયાતોની સમીક્ષા કરશે. આ સિવાયઅન્ય પગલાઓ માટે પણ રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
વાઇફાઇ એસેસનો સમય 45 મિનિટથી વધારીને 4 : 00 કલાક કરાયો
રાજકોટ એરપોર્ટ પર વાઇફાઇની કનેક્ટિવિટી માટે લોગીન સમસ્યા નિવારવા માટે બીએસએનએલની ટીમ દ્વારા પ્રયત્ન ચાલી રહ્યો છે. જેનો આવતીકાલ સુધીમાં ઉકેલ આવવાની અપેક્ષા છે. આ ઉપરાંત એરપોર્ટ પર વાઇફાઇ એસેસનો સમય 45 મિનિટથી વધારીને 4 કલાક કરવામાં આવ્યો છે.
મોબાઈલ કનેક્ટિવિટી વધારવા માટે ફરીથી ટેન્ડરિંગ પ્રક્રિયા કરાશે
મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટીની સમસ્યાને નિવારવા માટે ઇન બિલ્ડીંગ સોલ્યુશનમાં કોઈની ભાગીદારી મેળવવામાં એરપોર્ટ ઓથોરિટીને સફળતા નહીં મળતા વહેલી તકે સમસ્યાના ઉકેલ માટે ફરીથી ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
અઠવાડિયામાં નવું 'નેસકાફે' અને 'સ્ટાર બક્સ' આઉટલેટ શરૂ કરાશે
રાજકોટની સ્વાદપ્રિય જનતાને પાણીપુરીનો વિકલ્પ પુરો પાડવા માટે રાજકોટ એરપોર્ટ ટર્મિનલમાં વધુ ખાદ્ય આઉટલેટ માટે અરજીઓ પ્રાપ્ત થઈ છે. જેના આધારે
એક અઠવાડિયામાં એક નવું 'નેસકાફે' આઉટલેટ અને
10 ડિસેમ્બર સુધીમાં 'સ્ટારબક્સ' આઉટલેટ શરૂ કરવાની યોજના છે.