આ વખતે શુભ મુર્હુતોમાં જામનગર સહિત સમગ્ર હાલારમાં ભારે લગ્નોત્સવ યોજાયો હતો અનેક શુભ પ્રસંગો પણ થયા હતાં, આજથી ધનારક કમુર્હુતાનો પ્રારંભ થઇ ગયો હોય લગભગ એક મહીના સુધી લગ્નોત્સવ સહિતના કોઇપણ જાતના શુભ પ્રસંગો ઉપર બ્રેક લાગી ગઇ છે, આ દિવસો દરમ્યાન શાકંભરી નવરાત્રી, પુત્રદા એકાદશી, માઁ અંબાજી પ્રાગટયોત્સવ, અંગારકી ચોથ અને મક્રરસંક્રાંતિ જેવા પર્વ આવશે, આ એક મહીના દરમ્યાન વાડી, પાર્ટી પ્લોટ, સાંસ્કૃતિક હોલ ખાલીખમ્મ રહેશે, કોઇ શુભ પ્રસંગો યોજાશે નહીં તેમ જાણવા મળે છે. ફેબ્રુઆરીની ૫ તારીખ સુધી કોઇપણ પ્રકારના શુભ પ્રસંગો થઇ શકશે નહીં. જો કે કેટલાક લોકો વિધી કરાવીને તા.૨ ફેબ્રુઆરીથી લગ્નોત્સવ કરવાના મુડમાં છે.
ડીસેમ્બરમાં લગ્નના મુર્હુત હતાં પરંતુ હવે જાન્યુઆરીની તા.૧૪ સુધી કમુર્હુતા હોય કોઇપણ પ્રકારના સારા કામો થઇ શકશે નહીં, આમ તો માગસર વદ-૧૨ને તા.૧૬ ડીસેમ્બરના રોજ આજથી વ્હેલી સવારના ૪:૨૦થી સુર્ય ધન રાશીમાં પ્રવેશ કરશે અને હવે ધનારક કમુર્હુતાનો પ્રારંભ થયો છે, જે તા.૧૪ના રોજ બપોરે ૩:૦૮ મીનીટે કમુર્હુતા પૂર્ણ થશે. આમ જોઇએ તો વર્ષમાં બે મહીના કમુર્હુતા આવે છે જયારે શુક્ર ગુરૂ ગ્રહની રાશીમાં હોય ધનારક કમુર્હુતા અને બીજા મીનારક કમુર્હુતા જયોતિશાસ્ત્ર પ્રમાણે આવે છે જયારે સુર્ય ગુરૂની રાશીમાં આવે ત્યારે ગુરૂ તેનું બળ ગુમાવે છે આથી કમુર્હુતા દરમ્યાન લગ્ન તથા વાસ્તુના કાર્ય થતાં નથી, જો કે ધાર્મિક પુજા-પાઠ કરવા માટે ધન રાશીનો સુર્ય શુભ માનવામાં આવે છે.
ફેબ્રુઆરી મહીનામાં તા.૫ થી ૧૦, ૧૨, ૧૩, ૨૦ થી ૨૨, માર્ચ મહીનામાં તા.૫ થી ૧૨, ૧૪, એપ્રિલ મહીનામાં તા.૨૧, ૨૭ થી ૩૦, મે મહીનામાં તા.૧, ૩, ૬ થી ૧૦ તેમજ ૧૪, જુન મહીનામાં તા.૨૨, ૨૪ અને ૨૬ થી ૨૯ તેમજ જુલાઇ મહીનામાં તા.૧, ૩, ૪, ૭ થી ૯ લગ્ન માટેના શુભ મુર્હુત ગણી શકાય.
જામનગર અને સમગ્ર હાલારમાં હવે કમુર્હુતા આવી ગયા હોય ઢોલીઓને પણ આરામ રહેશે, પાર્ટી પ્લોટ, વાડી તેમજ સાંસ્કૃતિક હોલ હવે ખાલીખમ્મ રહેશે, માત્ર સામાન્ય પ્રસંગો જ થશે, જામનગરમાં કમુર્હુતા ન હતાં ત્યારે લગ્નની સિઝન પુરજોશમાં હતી એટલું જ નહીં વાડીઓ અને પાર્ટી પ્લોટો મળતા ન હતાં તેમજ લગ્ન કરાવનાર બ્રાહ્મણની પણ ભારે અછત જોવા મળી હતી, આમ હવે જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ધનારક કમુર્હુતા શરૂ થઇ ગયા હોય લગ્ન પ્રસંગ, વાસ્તુ, દુકાનના ઉદઘાટન સહિતના શુભ કાર્યો ઉપર એક મહીના સુધી બ્રેક લાગી ગઇ છે.