જામનગર સહિતના વિસ્તારમાં બેવડી સિઝનના કારણે રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની બેકાબુ ભીડ જોવા મળી રહી છે. શિયાળાની સિઝનનો ધીમા પગલે પ્રારંભ થઈ રહ્યો છે. મોડી રાત્રે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ અનુભવાઈ રહ્યો છે, જ્યારે બપોરે હજુ ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે, તો સાથોસાથ હજુ વાતાવરણમાં માવઠાની અસર પણ જોવા મળે છે. આમ મિશ્ર ઋતુના કારણે બીમારીનું પ્રમાણ વધવા પામ્યું છે. ઘરે-ઘરે શરદી-ઉધરસ, તાવ, પેટની બીમારી વિગેરે રોગના દર્દીઓ જોવા મળી રહ્યા છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભારે ગીર્દી જોવા મળી રહી છે. કેસ મેળવવા, ડોક્ટરને બતાવવા અને દવા બારીમાંથી દવા લેવા માટે દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. કેસ બારીમાં લાઈનો જોવા મળે નહીં તે માટે આભા કાર્ડ, નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ લોકો ઓછા પ્રમાણમાં તેનો લાભ લઈ રહ્યા છે જે માટે જાગૃતિ લાવવાની જરૂર છે.

છેલ્લા અઠવાડીયાથી જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં તાવ, શરદી અને ઉધરસના કેસો વધતાં જાય છે, હોસ્પિટલમાં તો ગામડામાંથી પણ દર્દીઓ મોટા પ્રમાણમાં આવતાં હોય છે, સીએચસી અને પીએચસી કેન્દ્રમાં પણ રોગચાળો વધતો જાય છે તે ચિંતાજનક છે, માવઠાને કારણે સવાર-સાંજ ઠંડી અને બપોરે ૩૩ થી ૩૪ ડીગ્રી ગરમીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે આજ સવારથી જી.જી.હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી છે.
જામનગરની ખાનગી હોસ્પિટલો સમર્પણ, ઓશવાળ, ઇન્દુમધુ, રંગુનવાલા ટ્રસ્ટ હોસ્પિટલ તેમજ વાલ્કેશ્ર્વરી અને એસ.ટી.રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલોમાં ઓપીડીમાં ૩૦ થી ૩૫ ટકા દર્દીઓનો વધારો થયો છે, ડોકટરોના જણાવ્યા મુજબ સામાન્ય તાવ આવે તો પણ ૪ થી ૫ દિવસ દર્દીને પથારીમાં રહેવું પડે છે, ત્યારબાદ ત્રણ-ચાર દિવસ નબળાઇ જોવા મળે છે. આમ જામનગર શહેરમાં જી.જી.હોસ્પિટલમાં ૧૦૦થી વધુ અને ખાનગી હોસ્પિટલમાં ૧૫૦થી વધુ દર્દીઓ જોવા મળ્યા.