જામનગર સહિત સમગ્ર હાલારમાં બર્ફીલા પવન સાથેે ઠારનો કહેર જોવા મળ્યો છે, ઉત્તર-પૂર્વના તમામ રાજયોમાં ગાઢ ધુમ્મસ સાથે શીત લહર થઇ છે ત્યારે અત્યાર સુધીનું સૌથી નીચુ તાપમાન જામનગરમાં આજે ૧૦ ડીગ્રી નોંધાયું છે જયારે નલીયા, ગીરનાર અને અમરેલીમાં પણ તાપમાન ૧૦ ડીગ્રીથી નીચે ચાલી ગયું છે, રવિવાર સુધી ઠંડીનો માહોલ રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે, ત્યારે જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લો બર્ફીલા પવનનો સામનો કરી રહ્યો છે, લાંબા સમય બાદ સતત ત્રણ દિવસથી ટાઢોડુ જોવા મળ્યું છે.
જેને કારણે જનજીવન પર ભારે અસર પડી છે, ઠેર-ઠેર તાપણા શરૂ થયા છે, હવે ખરેખર આ શિયાળાની શરૂઆત થઇ છે તેમ લોકો કહી રહ્યા છે. મહાપાલીકા દ્વારા ગઇકાલે પણ ભીડભંજન, બાલાહનુમાન, ડીકેવી કોલેજ સહિતના અન્ય સ્થળોએ સુચેતા ભીક્ષુકોને સમજાવીને હાપાના સેલ્ટર હોમમાં લઇ જવાયા હતાં.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૨૩.૫ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૨૦ થી ૨૫ કિ.મીની ઝડપે રહી હતી, સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું. ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ ગઇ હતી, વાહન વ્યવહારને પણ ભારે અસર પડી છે, જનજીવન જાણે કે ઠપ્પ થઇ ગયું હોય તેવું વાતાવરણ જોવા મળ્યું છે, કાતીલ ઠંડીને કારણે જામનગર સહિત ગામડાઓમાં પણ ઠેર-ઠેર તાપણા શરૂ થયા છે.
આજે સવારે ૨૫ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો, જેને કારણે જનજીવન પર ભારે અસર થઇ હતી, બસ અને ખાનગી વાહનોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટી હતી, ગામડામાં ટાઢોડાને કારણે જનજીવન પર ભારે અસર થઇ છે, રોગચાળો પણ ધીરે-ધીરે વધતો જાય છે, આગામી દિવસોમાં પણ ઠંડી હાલારમાં અડીંગો જમાવશે.
જામનગર સહિત સમગ્ર હાલારમાં છ દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે, ચારેકોર ટાઢ હી ટાઢ જોવા મળે છે, બપોરના ભાગમાં પણ ઠંડી જોવા મળે છે ત્યારે જનજીવન પર ભારે અસર થઇ છે, બહારગામથી જામનગર હટાણુ કરવા આવતા લોકોની સંખ્યા પણ ઘટી ગઇ છે, વ્હેલી સવારના એસ.ટી. અને ખાનગી વાહનોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટી છે. રાજસ્થાન તેમજ જમ્મુ-કાશ્મીર, હીમાચલ પ્રદેશમાં બરફની વર્ષા થઇ રહી છે તેની અસર ગુજરાત ઉપર જોવા મળી છે, ગામડાઓમાં છેલ્લા છ દિવસથી ઠંડીની ભારે અસર પડી છે અને લોકો ગરમ કપડામાં જોવા મળ્યા હતાં ત્યારે આવનારા દિવસોમાં વધુ ઠંડી પડવાને કારણે શિયાળુ પાકમાં પણ સારી એવી અસર થશે તેવું લાગી રહ્યું છે. ખરેખર તો આ વખતે ખાસ કોઇ ઠંડી પડી નથી, સામાન્ય રીતે ૧૪ જાન્યુઆરી બાદ ઠંડી ઘટતી જાય છે પણ હવામાન ખાતુ કહે છે કે, તા.૨૪ સુધી ઠંડી રહેશે અને વચ્ચે એકાદ-બે દિવસ તાપમાનમાં એક-બે ડીગ્રીનો વધારો થશે.
શહેરમાં મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે, ઋતુ બદલાતા તાવ, શરદી, ઉધરસના કેસો પણ વઘ્યા છે, જામનગર શહેર અને ગામડામાં કમળાના દર્દીઓનું પ્રમાણ વઘ્યું છે, આ વખતે શિયાળામાં ખાસ કોઇ ઠંડી પડી નથી. ધીમે-ધીમે ઠંડી વધતી જાય છે ત્યારે જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસના કેસો વધી રહ્યા છે.