જામનગર કોર્પોરેશનના ૨૦૨૬-૨૭નાં ડ્રાફટ બજેટમાં રૂ.૨૦૦ કરોડનાં ખર્ચે અલગ અલગ પાંચ જગ્યાએ નાના મોટા બ્રીજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં લાલપુર બાયપાસ ચોકડી પાસે જે બ્રીજ બની રહ્યો છે તેનું કામ ૭૦ ટકા થઇ ગયું છે. થોડા દિવસોમાં ઠેબા બાયપાસ ચોકડી પાસે પણ ઓવરબ્રીજ શરૂ થશે આગામી દિવસોમાં પાંચ નવા નાના મોટા ઓવરબ્રીજ અને એક અંડરબ્રીજ બનવા માટે તૈયારી કરવામાં આવી છે. કોર ઇન્સ્ફાસ્ટ્રકચર અંતર્ગત વિવિધ જગ્યાએ બ્રીજ બનાવવાની સાથે શહેરનાં કુલ પાંચ મુખ્ય રસ્તાને પણ ડામર કારપેટ કરવામાં આવશે. તેવુ બજેટમાં જણાવાયું છે.
જામનગર શહેરમાં ૨૨૬ કરોડનાં ખર્ચે સૌરાષ્ટ્રનો લાંબામાં લાંબો ફલાય ઓવરબ્રીજ બની ગયા બાદ હવે થોડા દિવસોમાં ખંભાળીયા બાયપાસ જંકશન (નાઘેડી બાયપાસ) પાસે રૂ.૧૩૫.૭૦ કરોડનાં ખર્ચે ફોરલેન ફલાય ઓવરબ્રીજ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. સમર્પણ ચોકડી પાસે અવાર નવાર ટ્રાફીક સમસ્યા રહે છે, ખાનગી વાહનોની સંખ્યા વધી ગઇ હોવાથી અવાર નવાર ટ્રાફીક જામ થઇ જાય છે જેને કારણે વાહનનો થપ્પો લાગી જાય છે આ સમસ્યા દુર કરવા માટે કોર્પોરેશનનાં અધિકારીઓને પણ અવારનવાર રજુઆત કરવામાં આવી હતી. આખરે આ ડ્રાફટ અંદાજપત્રમાં આ બ્રીજનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત વિજયનગર નાઘેડી બાયપાસ ઉપર એલસી નં.૨૦૨ તેમજ ફોરલેન રેલ્વે અંડરબ્રીજ રૂ.૧૯.૬૦કરોડનાં ખર્ચે બનાવવાનું આયોજન કરાયુ છે જેને માટે ડીપીપી તૈયારી શરૂ કરી દેવાઇ છે. આ ઉપરાંત અન્નપુર્ણા જંકશન પાસે નાગમતી નદીના હયાત કોઝવેની જગ્યાએ નવો ફોરલેન બનાવવાની કામગીરી કરવામાં આવશે.
શહેરમાં કલ્યાણચોકથી મોરકંડા રોડ પર નાગમતી નદીનાં હયાત કોઝવે ઉપર પણ રૂ.૧૦ કરોડનાં ખર્ચે ફોરલેન બનાવવામાં આવશે જયારે રંગમતી નાગમતી નદી ઉપર અલગ અલગ જગ્યાએ માઇનોર બ્રીજ રૂ.૧૫ કરોડનાં ખર્ચે બનાવવા આયોજન કરવામાં આવેલ છે. એક તરફ રસ્તાઓ બની રહેશે ત્યારે શહેરનાં પાંચ મુખ્ય રસ્તાઓ રૂ. ૫૦ કરોડનાં ખર્ચે ડામર કારપેટથી મઢવામાં આવશે. અને લોકભાગીદારીથી સીસી રોડ અને પેવર બ્લોક માટે રૂ.૫૦ કરોડ જયારે આંતરમાળખાકીય સુવિધા અંતર્ગત રૂ.૩૫ કરોડનાં ખર્ચે શહેરી સડક યોજના અંતર્ગત સી.સી. રોડ અને પેવર બ્લોક બનાવવામાં આવશે.
જામનગર શહેરમાં આગામી દિવસોમાં બ્રીજની કામગીરી શરૂ થઇ જશે અને ટુંક સમયમાં ઠેબા ચોકડી અને સમર્પણ પાસેનો બ્રીજ બનાવવાની કામગીરી શરૂ થવાની શકયતા છે. ઘણીવાર એવું બને છે કે બજેટમાં ફાળવેલ પ્રોજેકટ બીજુ બજેટ આવે ત્યાં સુધી શરૂ થતું નથી અને અનેક પ્રોજેકટો મોડા થાય છે તે પણ હકીકત છે. જો કે મ્યુ.કમિશનર ડી.એન. મોદીનાં જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં સમર્પણ પાસેનો બ્રીજ ઝડપથી શરૂ થશે અને એ માટે સીટી ઇજનેર ભાવેશ જાની પ્રોજેકટ પ્લાનીંગ રાજીવ જાનીને પણ આ માટેની તમામ તૈયારી શરૂ કરી દેવા જણાવાયુ છે. જો કે આ બ્રીજ બનશે ત્યારે લગભગ એકથી દોઢ વર્ષ સુધી ટ્રાફીકની સમસ્યા ખુબ જ રહેશે.