જામનગર જિલ્લામાં છેલ્લાં પાંચ વર્ષમાં વાવેતર વિસ્તારમાં સરેરાશ ૧૭૪૫ હેકટર ઘટાડો નોંધાયો છે. વરસાદની અનિયમિતતા અને રહેણાંક તથા વ્યવાયિક એકમોન વ્યાપ વધતા જમીન બીનખેતી કરાવવાનું વધેલું પ્રમાણ કારણભૂત હોવાનું તજજ્ઞોએ જણાવ્યું છે. જામનગર, જામજોધપુર અને કાલાવડ તાલુકામાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વિકાસની હરળફાળમાં ખેતીનું ઘટતું પ્રમાણ ચિંતાજનક હોવાનું કૃષિ તજજ્ઞોએ જણાવ્યું છે.
જામનગર જિલ્લાના વિકાસમાં ખેતીનો સિંહફાળો છે. દર વર્ષે જિલ્લામાં સામન્ય રીતે ૧૫ જૂનના ચોમાસાનું વિધવત આગમન થાય છે. પરંતુ સમયસર પૂરતો વરસાદ થવાને બદલે વહેલો કે પાછોતરો ઓછો અથવા ભારે વરસાદ થતાં વાવેતરમાં અવરોધથી ખેડૂતોને હાલાકી પડે છે. આ સ્થિતિમાં ઋતુચક્રમાં ફેરફાર થતાં કમોમસી વરસાદનું પ્રમાણ વઘ્યું છે. જેના કારણે ખેડૂતોનો તૈયાર પાક નિષ્ફળ જતાં ભારે આર્થિક ફટકાના કારણે રાતે પાણીએ રોવાનો વારો આવે છે.
બીજી બાજુ છેલ્લા થોડા વર્ષોથી જિલ્લામાં ઔધોગીક અને અન્ય વ્યવસાયીક એકમોનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે.આ કારણોસર ખેતીની જમીન બીનખેતી કરાવવાના પ્રમાણમાં પણ વધારો થયો છે. આથી જામનગર જિલ્લામાં છેલ્લાં ૫ વર્ષમાં વાવેતર વિસ્તારમાં સરેરાશ ૧૭૪૫ હેકટરનો ઘટાડો થયો છે. કારણ કે, વર્ષ ૨૦૨૧-૨૨માં જિલ્લામાં કુલ ૩૪૮૮૧૧ હેકટરમાં વાવેતર થયુું હતું. જયારે ૨૦૨૨-૨૩માં ૩૪૮૫૮૩ હેકટરમાં વાવેતર થતા ૨૨૮ હેકટરનો ઘટાડો થયો હતો. જયારે ૨૦૨૩-૨૪માં ૩૪૮૧૫૭ હેકટરમાં વાવેતર થતા ૪૨૬ હેકટરનો ઘટાડો નોંધાયો હતો. જેની સામે ૨૦૨૪-૨૫માં ૩૪૮૯૦૭ હેકટરમાં વાવેતર થતાં ૭૫૦ હેકટરનો વધારો થયો હતો. જયારે ૨૦૨૫-૨૬માં ૩૪૭૦૬૬ હેકટરમાં વાવેતર થતા અઅધધ ૧૮૪૧ હેકટરમાં વાવેતર ઘટ્યું હતું. આમ પાંચ વર્ષમાં સરેરાશ ૧૭૪૫ હેકટર વાવેતર વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે.
ખાસ કરીને જામનગર જિલ્લામાં પાંચ વર્ષમાં ધ્રોલ તાલુકામાં વાવેતર વિસ્તારમાં ઉતરોતર નજીવો ઘટાડો નોંધાયો છે.
જયારે લાલપુર તાલુકામાં છેલ્લાં ૩ વર્ષ વાવેતર વિસ્તાર વઘ્યો છે. જયારે જામજોધપુર, જામનગર અને કાલાવડ તાલુકામાં વાવેતર વિસ્તારમાં સરેરાશ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. શહેરીકરણની આંધળી દોટમાં અને લગ્ન સહીત અન્ય સામાજીક સમસ્યાના કારણે ગ્રામ્યમાંથી શહેરમાં સ્થળાતંર કરી અન્ય વ્યવસાય કરવાનું પ્રમાણ વધતા ખેતી તરફનો ઝૂકાવ ઘટી રહ્યો છે. ત્યારે આ તમામ પરિબળો વચ્ચે વાવેતર વિસ્તારમાં સરેરાશ ઘટાડો લાલબતી સમાન હોવાનું તજજ્ઞોએ જણાવ્યું છે.
કમોમસી વરસાદથી પાક નિષ્ફળ જતાં ખેડૂતોનો ખેતી તરફનો ઘટતો ઝૂકાવ
ઋતુચક્રમાં ફેરફારના કારણે કમોસમી વરસાદનું પ્રમાણ દર વર્ષે વધી રહ્યું છે. જેના કારણે પાકમાં રોગના કારણે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઇ જતા રાતે પાણીએ રોવાનો વારો આવે છે. આ કપરી સ્થિતિમાં સરકાર દ્રારા પાકના વાવેતર પાછળ કરવામાં આવેલા ખર્ચની સામે ખૂબજ નજીવી સહાય ખેડૂતોને મળે છે. આથી માવઠાના મારથી પાક નિષ્ફળ જતાં ખેડૂતોનો ખેતી તરફનો ઝૂકાવ ઘટી રહ્યો હોવાનું કૃષિ તજજ્ઞોએ જણાવ્યું છે.
ખેતીની જમીનમાં પવનચક્કી અને સોલાર સિસ્ટમના ઉંચા ભાડા પણ મહત્વનું પરિબળ
જામનગર સહીત રાજયભરમાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં ખેતીની જમીનમાં પવનચકકી ઉભી કરવાનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. આ માટે પવનચકકીની કંપનીઓ દ્રારા ખેડૂતોને નિયત ભાડું ચૂકવવામાં આવે છે. ત્યારે ખેતીની જમીનમાં પવનચકકી ઉભી કરવાથી નિયમિત ભાડાની આવક ખેડૂતોને મળે છે. બીજી બાજુ છેલ્લાં થોડા સમયથી ખેતરોમાં સોલાર સિસ્ટમ ઉભી કરવાથી નિયમિત ભાડું પણ ખેડૂતોને મળે છે. આથી પાક થાય કે નિષ્ફળ જાય ભાડાની આવક મળે તે માટે ખેતી જમીનમાં પવનચકકી અને સોલાર સિસ્ટમનું પ્રમાણ વધતા વાવેતર વિસ્તાર ઘટવા પાછળ આ પણ એક મહત્વનું પરિબળ હોવાનું તજજ્ઞોએ જણાવ્યું છે.