BREAKING NEWS

જામનગરમાં તા. ૨૩ થી ૨૫ દરમ્યાન વધુ ઠંડી પડશે તેવી આગાહી

  • January 19, 2026 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વેર્સ્ટન ડીસ્ટબન્સને કારણે તા.૨૩ થી ૨૫ દરમ્યાન હજુ વધુ ઠંડી પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે, જામનગરના તાપમાનમાં થોડો વધારો થયો છે અને લઘુતમ તાપમાન ૧૩ ડીગ્રીએ પહોંચ્યું છે, આજે સવારે ૫ વાગ્યાથી હાઇવે ઉપર ગાઢ ધુમ્મસ જોવા મળી હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો, હજુ એકાદ વખત માવઠુ થવાની પણ શકયતા છે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે અને ફેબ્રુઆરીમાં પણ ઠંડી રહેશે તેવું જણાવ્યું છે. 


જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૪ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૨૦ થી ૨૫ કિ.મીની ઝડપ રહી હતી, સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું. ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ ગઇ હતી, વાહન વ્યવહારને પણ ભારે અસર પડી છે, જનજીવન જાણે કે ઠપ્પ થઇ ગયું હોય તેવું વાતાવરણ જોવા મળ્યું છે, કાતીલ ઠંડીને કારણે જામનગર સહિત ગામડાઓમાં પણ ઠેર-ઠેર તાપણા શરૂ થયા છે. 


રોગચાળો પણ ધીરે-ધીરે વધતો જાય છે, આગામી દિવસોમાં પણ ઠંડી હાલારમાં અડીંગો જમાવશે. જામનગર સહિત સમગ્ર હાલારમાં છેલ્લા અઠવાડીયાથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે, ચારેકોર ટાઢ હી ટાઢ જોવા મળે છે, બપોરના ભાગમાં પણ ઠંડી જોવા મળે છે ત્યારે જનજીવન પર ભારે અસર થઇ છે, બહારગામથી જામનગર હટાણુ કરવા આવતા લોકોની સંખ્યા પણ ઘટી ગઇ છે, વ્હેલી સવારના એસ.ટી. અને ખાનગી વાહનોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટી છે. 


છેલ્લા અઠવાડીયાથી ખાનગી અને સરકારી હોસ્પિટલની ઓપીડીમાં તાવ, શરદી, ઉધરસના કેસો વધુ આવ્યા છે, ખાસ કરીને શરદીના કેસોનું પ્રમાણ ગામડાના પીએચસી કેન્દ્રોમાં પણ જોવા મળ્યું છે. આવનારા દિવસોમાં પણ ઠંડી વધશે એટલે રોગચાળો વધશે તેમ દેખાય છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application