BREAKING NEWS

જામનગરના ખેડૂતોને બેવડો ફટકો, ટેકાની ખરીદી ખોરંભે, માવઠાનો માર

  • November 01, 2025 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના ખેડૂતોને બેવડો મરણતોલ ફટકો પડ્યો છે. કારણ કે, ટેકાના ભાવે મગફળીની ખરીદી ખોરંભે ચડતા અને માવઠાનો માર પડયો છે. લાભપાંચમ પછી પણ સરકાર દ્રારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં ન  આવતા અને કમોસમી વરસાદથી પાક પલળી જતા જામનગરના ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. પાકને નુકસાનથી આર્થિક પાયમાલી અને જમીનમાં ભેજથી રવિ પાકનું વાવેતર કેમ કરવું અને જે તૈયાર પાકને નુકસાન થયું છે તેનો સર્વે થયા બાદ સહાય કયારે મળશે તે સળગતો સવાલ ખેડૂતોમાં ઉઠ્યો છે.


જામનગર સહીત રાજયભરમાં મેઘરાજાએ મહેર કરતા મગફળીનું મબલખ વાવેતર થયું હતું. આથી પાકનું ચિત્ર ઉજળુું બન્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજય સરકાર દ્રારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી. આથી જામનગર જિલ્લામાં કુલ ૧૦૨૯૭૦ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેંચાણ માટે કતારોમાં કલાકો સુધી ઉભા રહી નિયમ મુજબ નોંધણી કરાવી હતી. મોટાભાગના ખેડૂતોનો મગફળીનો પાક તૈયાર થતા પાથરા ખેડૂતોમાં રાખ્યા હતાં. આટલું જ નહીં ટેકાના ભાવે મગફળીનું વેંચાણ થતા મગફળીના સારા ભાવ મળવાની આશા ખેડૂતોને હતી.પરંતુ મોન્થા વાવાઝોડું અને અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશનની અસરના પગલે જામનગર સહીત રાજભયરમાં વધુ એક વખત કમોસમી વરસાદ ખાબકતા ખેતરોમાં ઉભા રહેલા અને તૈયાર મગફળીના પાકને પારાવાર નુકસાન થયું છે.આથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઇ ગયાની સ્થિતિ સર્જાઇ છે. 


બીજી બાજુ લાભપાંચમ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત રાજય સરકાર દ્રારા કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી તેના કોઇ ઠેકાણા નથી. આથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ ન થતા જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં મગફળીનો પાક પલળી જતા ખેડૂતોને મરણતોલ બેવડો ફટકો પડતા રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. આટલું જ નહીં, સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદથી જમીન ન તપતા જમીનમાં ભેજનું પ્રમાણ વધતા અને ટેકાના ભાવે મગફળીની ખરીદી ન થતાં અને પાક નિષ્ફળ જતાં આર્થિક પાયમાલીથી રવિ પાકનું વાવેતર કેમ કરવું તે સવાલ ખેડૂતોને સતાવી રહ્યો છે.


આ કપરી સ્થિતિમાં મગફળી સહીત જે પાકને નુકસાન થયું છે તેનો સર્વે થયા બાદ સહાય કયારે મળશે તે સળગતો સવાલ ખેડૂતોમાં ઉઠ્યો છે. ખરીફ વાવેતર માટે ખેડૂતોએ મોંધાભાવના બિયારણ, ખેતમજૂરો સહીત વ્યાપક ખર્ચ કર્યો છે. જેની સામે સરકાર દ્રારા ચૂકવવામાં આવતી નજીવી રકમની પાક નુકસાનીની સહાય ખર્ચ સામે ખૂબજ ઓછી હોય ખેડૂતોને પડેલા આર્થિક ફટકાની કળ વળશે કે કેમ તે પણ એક સવાલ છે. આટલું જ નહીં, માવઠાના કારણે ઘણા ખેડૂતો કે જેઓએ ટેકાના ભાવે મગફળી ખરીદી માટે નોંધણી કરાવી છે તેનો પાક પલળી ગયો છે તો ગોડાઉનમાં સંગ્રહ કરીને રાખેલી મગફળીમાં ભેજની સમસ્યા ઉભી થઇ છે ત્યારે રાજય સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે કે પછી હાથ ઉંચા કરી દેશે તેની ચર્ચા ખેડૂતોમાં જોરશોરથી ચાલી રહી છે. 


ડીજીટલ સહીત બે પ્રકારે સર્વે શરૂ, ૭ દિવસમાં પૂર્ણના લક્ષ્યાંકથી કામગીરી સામે સવાલ

રાજયની સાથે જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ પાકને થયેલા નુકસાનનો સર્વે શરૂ કરાયો છે. બે પ્રકારે સર્વેની કામગીરી કરવામાં આવશે. જેમાં કૃષિ પ્રગતિ એપ દ્રારા ડીજીટલ સર્વે કરવામાં આવશે. આ કામગીરીમાં જિલ્લામાં ૩૧૨ સર્વેયરો ખેતરો પાસે જશે. ખેતરોની ૫૦ મીટર નજીક પહોંચશે ત્યાબાદ જ કૃષિ પ્રગતિ એપમાં સર્વેયરો લોગ ઇન કરી શકશે. લોગ ઇન થતા સર્વેયરો ખેતરોના ૩ ફોટા પાડી એપમાં જરૂરી વિગતો અપલોડ કરશે. બીજી બાજુ ગ્રામ સેવકોની ૪૭ ટીમ દ્રારા પણ પાક નુકસાનીનો સર્વે કરાશે. જેમાં ટીમ દરેક ગામમાં જઇ ખેડૂતોને નુકસાની અંગે પૂછી ખેતરો પર જઇને સ્થળ નીરીક્ષણ કરી જરૂરી વિગતો એકત્ર કરી અહેવાલ તૈયાર કરશે. જો કે, બંને પ્રકારના સર્વેની કામગીરી ૭ દિવસમાં પૂર્ણ કરવાના લક્ષ્યાંકથી કામગીરીની ચોકસાઇ અને સફળતા સામે સવાલ ઉભા થયા છે.  ​​​​​​​


૪૭૦૦૦ ખેડૂતોને અગાઉ પાકને થયેલા નુકસાનની સહાય ચૂકવાઇ, ૭૦૦૦ અરજીની કામગીરી પ્રગતિમાં

રાજય સહીત જામનગર જિલ્લામાં અગાઉ થયેલા માવઠાને પગલે થયેલા પાક નુકસાનીનો સર્વે  કરવામાં આવ્યો હતો. જેનું પેકેજ રાજય સરકાર દ્રારા ઓકટોબરમાં જાહેર કરાયું હતું. જે અનુસાર જામનગર જિલ્લામાં ૫૪૦૦૦ ખેડૂતોએ સહાયની અરજી કરી હતી.જેમાંથી ૫૧૦૦૦ અરજી મંજૂર કરાઇ હતી. જે પૈકી ૪૭૦૦૦ ખેડૂતોને રૂ.૮૦ કરોડની સહાય ચૂકવામાં આવી છે. જયારે બાકી રહેતી ૭૦૦૦ અરજી પૈકી ૩૦૦૦ અરજી પૂર્તતાના અભાવે પેન્ડીંગ છે તો ૪૦૦૦ અરજીની કાર્યવાહી પ્રગતિ હેઠળ હોવાનું ખેતીવાડી વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. ​​​​​​​


ટેકો ન મળતા નાણાંની ખેંચ, ઓછા ભાવે મગફળી વેંચવા ખેડૂતો મજબૂર

લાભપાંચમ પછી પણ સરકાર દ્રારા જામનગર સહીત રાજયમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી નથી. આટલું જ નહીં કમોસમી વરસાદથી મગફળીના પાકને ભારે નુકસાનથી ટેકાના ભાવે મગફળીની ખરીદી સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે. ત્યારે ખેડૂતોને મગફળીમાં સમયસર સરકારી ભાવનો ટેકો ન મળતા  અને પાક પલળી જતાં આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે. ત્યારે રવી પાકના વાવેતર તેમજ ગુજરાન ચલાવવા માટે નાણાંની જરૂરિયાત હોય ખેડૂતો ના છૂટકે યાર્ડમાં વેપારીઓને ઓછા ભાવે મગફળી વેંચી રહ્યા છે. જેનો લાભ તેલીયા રાજા ઉઠાવી રહ્યા છે. ​​​​​​​

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application