BREAKING NEWS

જામનગરના સરકારી કામ મળ્યાના બોગસ દસ્તાવેજોના આધારે ૨.૪૩ કરોડની છેતરપીંડી

  • November 28, 2025 06:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના કોન્ટ્રાકટર તથા વેપારીઓ સહિતના રોકાણકારોને સરકારી કામ મળ્યાના બોગસ દસ્તાવેજોના આધારે કુલ ૨.૪૩ કરોડની છેતરપીંડી આચર્યાની હવાઇચોક નજીક નાગર ચકલામાં રહેતા મનશીલ એન્ટરપ્રાઇઝના સંચાલક સામે વિધિવત પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર વ્યાપી છે. સરકારી કામ મળ્યા છે એવા બોગસ કાગળો બતાવી તેમાં રોકાણ કરનારને ટકાવારીનો નફો મળશે તેમ કહી આશરે એક ડઝન જેટલા લોકો પાસેથી નાણા લઇને રોકડ તથા બેન્ક ખાતામાંથી રકમ ઉપાડી લઇ વિશ્ર્વાસઘાત કરવામાં આવતા આખરે મામલો પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યો છે અને ફરીયાદના આધારે પોલીસ દ્વારા પુરતા પુરાવા એકત્ર કરવા સહિતની તપાસનો ધમધમાટ આદર્યો છે. 


જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા આદિત્ય પાર્ક ખાતે રહેતા અશ્ર્વીન વશરામભાઇ વારાએ ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં જામનગરના હવાઇ ચોક સરાકુવાની સામે નાગરચકલો ખાતે રહેતા મનસીલ હર્ષદ કોયા નામના શખ્સ વિરુઘ્ધ તથા તપાસમાં જે ખુલે તેની સામે છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે. 


આરોપી મનશીલ કોયાએ ફરીયાદી તથા સાહેદોને પોતાને વિવિધ સરકારી કામ મળેલ છે તે રીતના ખોટા દસ્તાવેજ બનાવી આ કાગળો ખોટા છે તેમ જાણવા છતા ખરા તરીકે તમામને બતાવી વિશ્ર્વાસમાં લઇ ફરીયાદી તથા સાહેદો સાથે કુલ રૂ. ૨.૪૩.૫૦.૦૦૦ રોકડ તથા તેના મનશીલ એન્ટરપ્રાઇઝના નામે વિવિધ બેન્કના ખાતામાં લઇ આ રૂપીયા પરત નહીં આપી વિશ્ર્વાસઘાત છતા છેતરપીંડી આચરી હતી, આશરે એકાદ વર્ષ પહેલાના સમયગાળા દરમ્યાન આ બનાવ બન્યાનું ફરીયાદમાં જણાવાયું છે જેના આધારે આ અંગેની તપાસ સીટી-એ પીઆઇ એન.એ. ચાવડા ચલાવી રહયા છે.


આ અંગેની વધુમાં મળેલી વિગતો મુજબ ફરીયાદી કોન્ટ્રાકટર અશ્ર્વીનભાઇને તેના મિત્ર દેવશીભાઇએ વાત કરી હતી કે તેના મિત્ર મનશીલ કોયા હવાઇચોકમાં મનશીલ એન્ટરપ્રાઇઝ નામે ઓફીસ ચલાવે છે અને સરકારી કોન્ટ્રાકનું કામ કરે છે હાલમાં તેના કામ જામનગર, મોરબી તથા બીજા જીલ્લામાં ચાલુ છે, તેમજ વિવિધ ગ્રામ પંચાયતના જીઇએમ પોર્ટલ પર ટેન્ડર ભરે છે તેની પાસે કોન્ટ્રાકટના ઘણા કામ ચાલુ છે પરંતુ તેમને રૂપીયાની અછત હોય જેથી બીજા પાસેથી લઇને રોકાણ કરી આશરે ૩૦ ટકા જેટલો નફો થાય છે જેમાથી ૧૪ ટકા પોતે ટેન્ડર ભરનારના રાખે છે અને ૧૪ ટકા રોકાણ કરનારને આપે છે.


તમારે આ કામમાં રૂપીયા રોકવા છે જો રોકવા હોય તો મળીએ, એ પછી ફરીયાદી ગત તા. ૧-૮-૨૫ના આરોપીની ઓફીસે ગયા હતા, વાતચીત કરી હતી, જયાં વિવિધ કાગળો, બીલ, ટેન્ડરના કાગળો બતાવીને વિશ્ર્વાસમાં લીધા હતા, તેમજ ડસ્ટબીન સપ્લાયનું કામ મળી ગયું છે અને આશરે ૨૧ લાખની રકમ રોકાણ કરેલ એ પછી અઠવાડીયા બાદ ફરીયાદીના મામાના દિકરા રક્ષીતના નામના ૯ લાખ તેમજ અન્ય ૮ લાખ, ૪ લાખના ચેક આપ્યા હતા. આરોપીએ ખાતામાંથી ઉપાડી લીધા હતા. ત્યારબાદ મુંબઇ ખાતે ડસ્ટબીન સપ્લાયનું કામ મળેલ છે અને તેમા કટકે કટકે રકમ રોકી હતી આમ કુલ ૪૮.૫૦ લાખ આરોપીને આપ્યા હતા. 


ત્યારબાદ ફોન તેનો બંધ આવતો હોય, સંપર્ક થયો ન હતો અને છેતરપીંડી થયાનું ઘ્યાનમાં આવ્યુ હતું. એ પછી આ બાબતે ફરીયાદીને વધુમાં જાણવા મળેલ કે પાર્ક કોલોનીના મિલનભાઇ કનખરાની પાસેથી સરકારી કામના બાબતે વિશ્ર્વાસમાં લઇને ૩૬ લાખ, વિકટોરીયા પુલ પાસે રહેતા વેપારી ભવ્ય મજીઠીયાના ૧૪ લાખ, ન્યુ આરામ કોલોનીમાં રહેતા આસીતસિંહ તથા તેના ભાઇન ૩૭ લાખની રકમ, પારસ સોસાયટીના નિરવ પોપટના ૧૦ લાખ, જનતા સોસાયટીના કલ્પેશભાઇ જાની પાસેથી ૯ લાખ, દિ.પ્લોટના વસંતલાલ નંદાને પણ વિશ્ર્વાસમાં લઇને ૧૫ લાખ, પટેલ કોલોનીના નિર્મળસિંહ જાડેજાના ૧૫ લાખ, ઇન્દીરા કોલોનીના દેવશીભાઇ ગોહિલના ૫ લાખ, હવાઇચોકના કરણભાઇ કનખરાના ૫ લાખ, રવિભાઇ કનખરાના ૪ લાખ, માધવબાગના અમરભાઇ કનખરાના ૧૦ લાખ, યાદવનગરના ધર્મેશસિંહ સિસોદીયાના ૧૫ લાખ, જીતેન્દ્રભાઇ શાહના ૨૦ લાખ લઇને પરત નહી આપી છેતરપીંડી આચરી હતી.


આમ મનશીલ હર્ષદ કોયાએ ફરીયાદી તથા ઉપરોકત તમામ સાહેદને પોતાને વિવિધ સરકારી કામ મળેલ છે એ રીતના ખોટા દસ્તાવેજ બનાવી ખરા તરીકે બતાવી વિશ્ર્વાસમાં લઇ કુલ ૨.૪૩.૫૦.૦૦૦ની રોકડ અને બેન્ક ખાતામાંથી રૂપીયા લઇ ખોટી રસીદો આપી વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application