BREAKING NEWS

રાજયમાં હ્વદયની સમસ્યાવાળા દર્દીઓમાં જામનગર સાતમાં નંબરે..!

  • December 30, 2025 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજયમાં હ્વદયની સમસ્યાવાળા દર્દીઓમાં જામનગર સાતમા નંબરે હોવાનું નોંધાયું છે. ૧૦૮ ઇમરજન્સી સેવામાં નોંધાયેલા કેસના આધારે આ ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. જામનગરમાં વર્ષ-૨૦૨૪માં ૩૧૨૧ની સામે વર્ષ-૨૦૨૫માં હ્વદય સંબધિત સમસ્યાના ૩૩૦૨ કેસ નોંધાતા એક વર્ષમાં ૧૮૧ કેસનો વધારો થયો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, હ્વદયની સમસ્યાનું પ્રમાણ યુવાનોમાં વધુ જોવા મળ્યું છે. તબીબોના જણાવ્યાનુસાર માનસિક તણાવ, બેઠાડું જીવન, બીનઆરોગ્યપ્રદ આહાર અને અસ્થિતર સંબંધો મહત્વના કારણ છે.


ગુજરાતમાં હ્વદયની સમસ્યા ધરાવતા દર્દીઓમાં દિન-પ્રતિદીન ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. વર્ષ-૨૦૨૫માં ગુજરાતમાં ૧૦૮ ઇમરજન્સી સેવામાં હ્વદયની સમસ્યાના ઇમરજન્સીના કુલ ૯૬૭૯૯ કેસ નોંધાયા છે. જેમાં જામનગર ૩૩૦૨ કેસ સામે રાજયમાં સાતમા સ્થાને રહ્યું છે. ચોંકવાનારી બાબત તો એ છે કે, વર્ષ-૨૦૨૪માં જામનગરમાં હ્વદયની સમસ્યાના ૩૧૩૧ કેસ ૧૦૮ ઇમરજન્સી સેવામાં નોંધાયા હતાં. જેની સામે વર્ષ-૨૦૨૫માં આ કેસ વધીને ૩૩૦૨ નોંધાયા છે.


 એટલે એક જ વર્ષમાં જામનગરમાં હ્વદયની સમસ્યા ધરાવતા દર્દીઓના ૧૮૧ કેસ વઘ્યા છે. ખાસ કરીને યુવાનોમાં હ્વદયની સમસ્યાનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. તબીબોના જણાવ્યાનુસાર પ્રોફેશનલ સ્ટ્રેસ, ફરજનો લાંબો સમય અને અપર્યાપ્ત આરામથી હ્વદયની બિમારીની શકયતા વધી જાય છે. દરરોજ ૭ થી ૮ કલાકની ગાઢ ઉંધ હ્વદયના સ્વાસ્થ્યની જાળવણીમાં મદદરૂપ બનતા આહાર, કસરત અને દવા જેટલી જરૂરી છે. પરંતુ યુવાનોમાં હ્વદયની સમસ્યા વધવા પાછળ માનસીક તણાવ,અસ્થિર સંબંધો, બીન આરોગ્યપ્રદ આહાર અને બેઠાડું જીવન કારણભૂત હોવાનું તબીબોએ ઉમેર્યું છે.


ગુજરાતમાં હ્વદયને સંબધિત ઇમરજન્સીના વર્ષ-૨૦૨૦માં ૩૮૩૮૬, ૨૦૨૧માં ૪૨૫૫૫, ૨૦૨૨માં ૫૬૨૭૭, ૨૦૨૩માં ૭૧૯૬૧, ૨૦૨૪માં ૮૪૭૩૮, ૨૦૨૫માં ૨૫ ડીસેમ્બર સુધીમાં ૯૬૭૮૯ કેસ ૧૦૮ ઇમરજન્સી સેવામાં નોંધાયા છે. આમ છેલ્લાં પાંચ વર્ષમાં જામનગર સહીત રાજયભરમાં હ્વદયની સમસ્યા ધરાવતા દર્દીઓની ઉતરોતર ચિંતાજનક રીતે વધતી સંખ્યા સ્વસ્થ સમાજ માટે પડકારની સાથે લાલબતી સમાન બની છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application