જામનગર આર્યસમાજ દ્વારા તાજેતરમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિદ્યાર્થીનીઓ માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રતનબાઇ ક્ધયા વિદ્યાલયમાં ધો.12માં અભ્યાસ કરતી અલવીરા આરીફભાઇ સમાએ પ્રથમ નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.
આર્યસમાજના 98માં વાર્ષિકોત્સવ તેમજ શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલયના 78માં વાર્ષિકોત્સવ પ્રસંગે આર્યસમાજ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિદ્યાર્થીઓ માટે વકત્તૃત્વ સ્પર્ધાનું આયોજન ગત તા.21/12ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેરની રતનબાઇ કન્યા વિદ્યાલયમાં ધો.12માં અભ્યાસ કરતી અલવીરા આરીફભાઇ સમાએ વેદપરિચય વિષય પર પ્રભાવશાળી રજૂઆત કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધામાં જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિવિધ શાળાઓની 20થી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.
અલવીરાએ વેદોના મહત્વ, તેમનો સાર અને માનવજીવનમાં તેમની ઉપયોગિતા વિષે આત્મવિશ્ર્વાસભેર પોતાના વિચારો રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વેદ વિષેની ઊંડાણસભર સમજ અને અસરકારક વાણી બદલ નિર્ણાયક મંડળે અલવીરાને સર્વસંમતિથી પ્રથમ સ્થાન આપ્યું હતું.
અલવીરાની આ સિદ્ધી માટે આર્યસમાજના પ્રમુખ દીપકભાઇ ઠક્કર, માનદમંત્રી ધવલભાઇ બરછા તેમજ રતનબાઇ ક્ધયા વિદ્યાલયના આચાર્ય, શિક્ષકગણ તથા સહપાઠીઓએ અલવીરાને અભિનંદન પાઠવ્યા હતા.
રતનબાઇ કન્યા વિદ્યાલયના આચાર્ય અસ્મિતાબેન વ્યાસે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ સફળતા નિયમિત અભ્યાસ, માર્ગદર્શન અને વિદ્યાર્થીનીની પ્રતિભાનું ઉત્તમ ઉદાહરણ છે. વિજેતા અલવીરાએ પોતાની સફળતા માટે માતા-પિતા શાળાના આચાર્ય અસ્મિતાબેન વ્યાસ શિક્ષિકાઓ શક્તિ મેમ, ભાવનાબેન, હિનાબેન સહિતનાઓનો આભાર વ્યકત્ત કર્યો હતો.