જામનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામોમાં પણ કેવી લાલિયાવાડી ચલાવામાં આવે છે તેનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કારણ કે, શહેરમાં વિકસિત લાલવાડી વિસ્તારમાં અન્નપૂર્ણા ચોકડીથી માર્કેટ યાર્ડ સુધીના પોણો કીમીના અંતરના માર્ગમાં એક-બે નહીં અધધ ૮ ગેપ બનાવામાં આવ્યા છે. પરંતુ તેમાં સ્પીડબ્રેકરો અપૂરતા બનાવામાં આવ્યા છે. ત્યારે માર્ગમાં રસ્તામાં ગેપ મૂકવાના કોઇ માપદંડ છે કે કેમ તે અણિયારો સવાલ ઉઠ્યો છે. બીજી બાજુ ટ્રાફીકથી ધમધમતા માર્ગ પર ગતિ અવરોધક બનાવામાં પણ મામકાવાદથી અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે. સુભાષબ્રીજથી મહાપ્રભુજીની બેઠક સુધીનો માર્ગ કે જે પછી બન્યો હોવા છતાં ગેપ પાસે સ્પીડબ્રેકરો બનાવતા મનપાની ભેદભાવની નીતિની વધુ એક વખત પોલ ખુલી છે.
જામનગરમાં ટ્રાફીક સમસ્યા દીન-પ્રતિદિન કેન્સરની જેમ વકરી રહી છે. જેના કારણે શહેરનો વિકાસ રૂંધાઇ રહ્યો છે. આટલું જ નહીં આ સમસ્યાથી શહેરીજનો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. નવાઇની વાત તો એ છે કે, આ સમસ્યા એવી નથી કે ન ઉકેલી શકાય. પરંતુ મનપા સહીત તંત્રના અન્ય વિભાગને શહેરની શાખને બટ્ટો લગાડતી આ સમસ્યાના ઉકેલમાં કોઇ રસ ન હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. કારણ કે, આજકાલ દ્વારા શહેરના ટ્રાફીકથી અતિ વ્યસ્ત મુખ્ય માર્ગો પર કે જયાં કોઇ માપદંડ વગર ગેપ એટલે કે ક્રોસીંગની હારમાળા ખડકી દીધી છે. આથી દરરોજ ચકકાજામ થઇ રહ્યાની ઝુંબેશ શરૂ કરી છે. જેમાં પ્રથમ ખોડીયાર કોલોનીથી દીગ્જામ સર્કલ, ત્યારબાદ પીએન માર્ગમાં અંબર સર્કલથી સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ અને શરૂ સેકશન માર્ગ કે જેના પર જામસાહેબનો બંગલો, કલેકટર કચેરી, પોલીસ હેડકર્વાટર, મહેસૂલ સેવા સદન આવેલું છે તે માર્ગ પર ગેપના કારણે ટ્રાફીકની અંધાધૂધી સર્જાઇ રહી છે.
શહેરમાં ટ્રાફીક સમસ્યાના અજગરી ભરડા વચ્ચે વધુ એક મહત્વના માર્ગ પર ૮ ગેપ અને અપૂરતા ગતિ અવરોધકને કારણે ટ્રાફીકની સમસ્યાની સાથે અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે. શહેરના અતી વિકસિત લાલવાડી વિસ્તારમાં અન્નપૂર્ણા ચોકડીથી માર્કેટ યાર્ડ સુધીનો માર્ગ કે જેનું થોડા સમય પૂર્વે મનપા દ્રારા નવીનીકરણ કરાયું છે. જેમાં પોણો કીમીના માર્ગમાં અધધ ૮ ગેપ એટલે કે ક્રોસીંગ મૂકવામાં આવ્યા છે. પરંતુ તેમાં એક કે બે ક્રોસીંગ પાસે ગતિ અવરોધક મૂકાયા છે. ત્યારે આ માર્ગમાં ૮ ગેપથી માર્ગમાં ક્રોસીંગ મૂકવાના કોઇ માપદંડ છે કે રાજકીય કે બિલ્ડરોના દબાણ કે મનસ્વી રીતે ગેપ મૂકવામાં આવે છે તે સવાલ લોકોમાં ઉઠ્યો છે.
બીજી બાજુ આ માર્ગ પર અપૂરતા સ્પીડબ્રેકરના કારણે રોજ નાના અકસ્માતો થતા હોવાની ફરિયાદો જોરશોરથી ઉઠી છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે, આ માર્ગ પછી સુભાષબ્રીજથી મહાપ્રભુજી બેઠક સુધીના રસ્તાનું નવીનીકરણ મનપા દ્વારા કરાયું હતું. આમ છતાં આ માર્ગમાં ગેપ નજીક સ્પીડબ્રેકરો મૂકવામાં આવ્યા છે. ત્યારે શા માટે એકને ગોળ અને બીજાને ખોળ એટલે કે ભેદભાવની અને મામકાવાદની નીતિ મનપા દ્રારા અખત્યાર કરવામાં આવી રહી છે તે સળગતો સવાલ આ વિસ્તારના રહેવાસીઓ, દુકાનદારોમાં જોરશોરથી ઉઠ્યો છે.
સ્પીડબ્રેકર બનાવવાની રજૂઆતનો ઉલાળિયો
જામનગરમાં ટ્રાફીકથી ધમધમતા અન્નપૂર્ણા ચોકડીથી માર્કેટ યાર્ડ સુધીના પોણો કીમી અંતરના માર્ગમાં ૮ ગેપ બનાવામાં આવ્યા છે. પરંતુ પૂરતા સ્પીડબ્રેકરો મૂકવામાં આવ્યા નથી. ત્યારે આ વિસ્તારમાં રહેતા એક જાગૃત નાગરિક દ્રારા માર્ચ ૨૦૨૫માં વર્ધમાનનગર પાસે આવેલા ગેપ પાસે સ્પીડબ્રેકર બનાવવા માટે મનપામાં અરજી કરી હતી. આટલું જ નહીં આ અરજીના ઉનુસંધાને તા.૨૯ જુલાઇના ટ્રાફીક પીઆઇએ પોઝીટીવ રિપોર્ટ આપ્યો હતો. આમ છતાં અરજી કર્યાના નવ મહીના બાદ પણ વર્ધમાનનગરના ગેઇટ પાસેના ગેપમોં સ્પીડબ્રેકર બનાવામાં આવ્યો નથી. જે રજૂઆતના ઉલાળિયાનો બોલતો પુરાવો છે.
આ માર્ગ શા માટે મહત્વનો, આ રહ્યા કારણો, પરંતુ મહાનગરપાલીકા કુંભકર્ણની નિંદ્ગામાં...
જામનગરમાં અન્નપૂર્ણા ચોકડીથી માર્કેટ યાર્ડ સુધીનો માર્ગ અનેક દ્વષ્ટિએ મહત્વનો છે. જેમાં માર્કેટ યાર્ડમાં જણસ લઇને આવતા ખેડૂતો, સવારે શાકભાજીની લે-વેચ કરનાર વેપારીઓ, હાપા સ્ટેશને આવામગન કરતા મુસાફરો, રેલવે સ્ટેશનના કર્મચારીઓ, હાપા ઔધોગીક એકમોના કર્મચારીઓ માટે ખૂબજ ઉપયોગી છે. આટલું જ નહીં ઓવરબ્રીજના કારણે રાજકોટ તરફ જતા વાહનો પર આ માર્ગ પરથી પસાર થાય છે. આ વિસ્તાર વિકસીત હોય અનેક સોસાયટી બની છે અને કેટલીક હજુ બની રહી છે. જામ્યુકોના આરોગ્ય કેન્દ્રો, કચરાની ગાડીઓ અવરજવર ના કારણે ૨૪ કલાક ટ્રાફીકથી ધમધમતા આ માર્ગ પર ગેપની હારમાળા અને સ્પીડબ્રેકરના અભાવથી રહેવાસીઓ અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.