જામનગર મહાપાલીકા ૨૦૨૬-૨૭નું ડ્રાફટ અંદાજપત્ર આજે સાંજે ૫ વાગ્યે મ્યુ.કમિશ્નર સ્ટે.કમીટીમાં રજૂ કરશે, લગભગ બજેટનું કદ રૂ.૧૭૫૦ કરોડ આસપાસ રહેવાની શકયતા છે, ગયા વખતે રૂ.૧૫૬૮ કરોડનું બજેટ હતું, આ વર્ષે નવા પ્રોજેકટની પણ શકયતા છે, ગયા વર્ષે મ્યુ.કમિશ્નરે બજેટમાં રૂ.૧૧૮૪ કરોડના વેરા સુચવ્યા હતાં, ત્યારબાદ સ્ટે.કમીટીએ માત્ર રૂ.૪.૨૫ કરોડના કરવેરા મંજુર કર્યા હતાં.
આ વર્ષે પણ બજેટમાં મ્યુ.કમિશ્નર મિલ્કત વેરા, વોટર ચાર્જીસ, ભુગર્ભ ગટર કનેકશન ચાર્જ અને સોલીડ વેસ્ટ ચાર્જમાં થોડો વધારો કરશે, પરંતુ પાછળથી સ્ટે.કમીટી ચૂંટણીને ઘ્યાનમાં લઇને આ વેરા નાબુદ કરે અથવા સાવ ઓછા કરે તેવી પણ શકયતા છે.
આજે સાંજે મળનારી સ્ટે.કમીટીની બેઠકમાં ગયા વખત કરતા લગભગ ૧૩૦ કરોડથી વધુ રકમનું બજેટનું કદ વધશે એવું લાગે છે, લગભગ બે મહીના બાદ ચૂંટણી આવવાની શકયતા છે, ત્યારે અમુક ચાર્જીસ કમિશ્નર સુચવશે પાછળથી સ્ટે.કમીટી મોટાભાગના વેરા અને કર દર ચૂંટણીના હીસાબે નાબુદ કરી દેશે, ખાસ કરીને વોટર ચાર્જીસમાં રૂ.૫૦ અને ૧૦૦નો વધારો મંજુર કરાયો હતો, સોલીડ વેસ્ટ ચાર્જીસ, ભુગર્ભ ગટર કનેકશન ચાર્જીસ અને મિલ્કત વેરામાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો સુચવાય તેવી શકયતા છે.
ગયા વર્ષે વોટર વર્કસમાં રૂ.૧.૨૫ કરોડ, સોલીડ વેસ્ટમાં રૂ.૨.૫૦ કરોડ, ફાયર બ્રિગેડમાં ૦.૨૫ કરોડ અને એન્વાયરમેન્ટમાં રૂ.૦.૨૫ કરોડનો વધારો સુચવાયો હતો.
ગયા વર્ષે શહેરમાં નવા સ્મશાન અંગેની વાત કરવામાં આવી હતી, ગઇ સ્ટે.કમીટીમાં ચેલા નજીક નવું સ્મશાન બનાવવાનો સૈઘ્ધાંતિક સ્વીકાર કરી લેવામાં આવ્યો છે, આ ઉપરાંત ગયા વર્ષે પણ શહેરમાં નવી ૫૦ ઇલેકટ્રીક બસ સીટી બસ તરીકે મુકવા જાહેરાત કરવામાં આવી હતી, આ વર્ષે આ જાહેરાત પરીપુર્ણ થાય તેવી પુરી શકયતા છે.
આ બજેટમાં નવું સ્પોર્ટસ કોમ્પલેક્ષ, રમતગમત માટેનું મેદાન અને રિવરફ્રન્ટની ઝડપી કામગીરી અંગે પણ કેટલાક રૂપિયા સુચવાય તેવી પણ શકયતા જોવા મળે છે અને નલ સે જલ યોજના હેઠળ નવા શહેરી વિસ્તારમાં પાણી, ગટર સહિતની આનુસાંગીક સેવાઓ પણ સુચવાશે તેમજ નવું સાયન્સ નોલેજ પાર્ક ઝડપથી બનાવવા તેમજ ખોડીયાર કોલોનીનો સીકસ લેન માર્ગ અને સમર્પણ પાસે બ્રિજ, સૈનિક સ્કુલ અને ઠેબા ચોકડી પાસે તેમજ અન્ય નવા વિકાસના કામો ઝડપથી થાય તે સુચવવામાં આવશે.
કેટલાક કામો ધીમી ગતિએ ચાલી રહ્યા છે તેમાં પણ ઝડપ લાવવાની જરૂર છે ત્યારે આ બજેટમાં મ્યુ.કમિશ્નરની થોડા ઘણા વેરા નાખવાની દરખાસ્ત તો હશે જ પરંતુ પાછળથી આ વેરાને કાઢી નાખવામાં આવે તેવી પણ શકયતા દેખાઇ રહી છે. ટુંકમાં વોટર ચાર્જ, મિલ્કત વેરામાં ૧૦ થી ૧૫ ટકા વેરો સુચવાય તો સ્ટે.કમીટીમાં ચર્ચા કરાયા બાદ આ વખતે થોડા વેરા ક્ધર્ફમ કરાય તેવી પણ શકયતા છે, ગયા વખતે લગભગ રૂ.૭ કરોડના વેરા રદ કરી નાખવામાં આવ્યા હતાં, ટુંકમાં હવે મ્યુ.કમિશ્નરની દરખાસ્તમાં જામનગરના વિકાસના કામો શું થશે તે ઉપર તમામની નજર છે.