BREAKING NEWS

96.30 લાખનો ચુનો ચોપડનાર જસદણના ભેજાબાજ ચીટરની ધરપકડ

  • December 22, 2025 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં છેતરપિંડીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા હોય થોડા સમય પૂર્વે રાજકોટના અયોધ્યા ચોક પાસે વન વર્લ્ડમાં ઓફિસ ધરાવતાં જસદણના હિરેન અકબરીએ નીલકંઠ પાર્કમાં રહેતાં મૂળ કચ્છના ખેડૂતને વિશ્વાસમાં લઈ શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી તેની પાસેથી રૂપીયા પડાવ્યાં બાદ સગા-સબંધીઓને પણ ફસાવી ૯૬.૩૦ લાખનો ચુનો ચોપડયા બાદ ઓફિસને તાળા મારી ભૂગર્ભમાં ઉતરી ગયા ની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ ચીટરને ઝડપી લેવામાં આવ્યો હતો.

પોલીસોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટના કાલાવડ રોડ પર નીલકંઠ પાર્કમાં રહેતાં મૂળ કચ્છમાં પોલડીયા ગામના વતની મહાવીરસિંહ પ્રતાપસિંહ જાડેજા ઉ.વ ૪૨ એ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરીયાદમાં આરોપી તરીકે હિરેન સુરેશ અકબરી રહે. ડોડીયાળા, જસદણનું નામ આપતા જણાવ્યું હતું કે, તેઓ ખેતી કામ કરે છે. વર્ષ ૨૦૨૪ માં મિત્ર કમલેશ પટેલ મારફતે મૂળ જસદણના વતની હિરેન અકબરી સાથે પરિચય થતા તેમની અયોધ્યા ચોક પાસે વન વર્લ્ડ-બી-૧૦૦૪ માં આવેલ હોપ સ્યોર કેપીટલ ઓફિસે ગયેલ અને તેઓએ જણાવેલ કે, હુ શેરબજારનું કામકાજ કરૂ છું, તેમાં સારૂ વળતર મળે છે, જો તમે મારા મારફતે શેરબજારમાં રોકાણ કરશો તો હું તમને શેરબજારના રોકાણ થકી સારૂ વળતર આપીશ એવું જણાવ્યું હતું.

જેથી તા.૦૨/૦૭/૨૦૨૪ ના ૨ લાખ હિરેનને શેરબજારમા રોકાણ માટે ટ્રાન્સફર કરેલ ત્યારબાદ અલગ અલગ સમયે મોબાઈલ એપ્લીકેશનમાં નેફ્ટ દ્વારા કુલ રૂ. ૧૦ લાખ શેરબજારમા રોકાણ માટે ટ્રાન્સફર કરેલ હતાં. હિરેનને શેરબજારમા રોકાણ કરવા અર્થે આપેલ રૂપીયાનુ વળતર દર મહીને આપતા હતા, જે વળતર આશરે પાંચ થી છ લાખ રૂપીયા રોકડા આપેલ હતાં.

જે બાદ તેમના સગા સંબંધીના મળી કુલ ૯૬,૩૦ લાખ હિરેન અકબરીને શેરબજારમા રોકાણ કરવા માટે આપેલ તે આરોપીએ શેરબજારમાં કરેલ રોકાણનુ વળતર ઓગસ્ટ-૨૦૨૫ સુધી આપેલ અને ત્યારબાદ વળતર આપવાનુ બંધ કરી દિધેલ હતું. જેથી કરેલ રોકાણનુ વળતર આપવાનુ કહેતા આજ આપુ છુ, હમણા ટ્રાન્સ્યુર કરાવી આપુ છુ, તેવા જવાબ છેલ્લા ચાર મહીનાથી આપતો અને બે મહીના પહેલા આરોપીએ પોતાની ઓફીસ તથા પોતાનો મોબાઈલ ફોન બંધ કરી ક્યાક જતો રહેલ છે.

જેથી ફરીયાદી અને તેના સગા સબંધીઓને શેરબજારમા ઉંચા વળતરની લાલચ આપી કુલ રૂ.૯૬.૩૦ લાખ પડાવી લીધા બાદ ઓળવી જઈ વિશ્વાસધાત કરતાં ફરીયાદ નોંધાવી હતી, બનાવ અંગેની ફરીયાદ પરથી પીઆઇ એચ એસ પટેલ અને ટીમે આરોપી હિરેન અકબરીને ઝડપી પાંચ દિવસના રિમાન્ડની મેળવવા અદાલતમાં રજૂ કર્યો હતો.

ચીટર હિરેનની જાળમાં ફસાયેલા રોકાણકારોની યાદી

96.30 લાખની છેતરપિંડીમાં ફરીયાદી મહાવીરસિંહના સાસુ મોહનબા ચૌહાણએ ૮ લાખનો ચેક, માસાજી કિશોરસિંહ પરમારના ૧૦ લાખ, સાળા ધરમરાજસિંહ પરમારએ આરટીજીએસ મારફતે૧૦ લાખ, કાકાના દિકરા દેવેન્દ્રસિંહ જાડેજા ના આરટીજીએસ મારફતે ૧૨ લાખ, કાકા રાજભા જાડેજાએ ૭.૫૦ લાખ, ભાભી હર્ષાબા જાડેજાના ૫ લાખ, મોટા બાપૂના દિકરા મહિપતસિંહ જાડેજાએ ૫ લાખ, પાડોશી રાજકુમાર ઝાના ૯ લાખ, સંબંધી ગીરીરાજસિંહ જાડેજાના ૫ લાખ, હકુમતસિંહ જાડેજાએ ૫.૮૦ લાખ, વિક્રમસિંહ પરમારના ૫ લાખ, મિત્ર દશરથદાન જીવરાજદાન ગઢવીના ૪ લાખની છેતરપિંડી હાજરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application