BREAKING NEWS

પ્લાસ્ટિક સર્જરીની અફવાઓથી ભડકી જાસ્મિન ભસીન

  • November 25, 2026 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)






ટેલિવિઝન અભિનેત્રી જાસ્મિન ભસીન પોતાની કેટલીક તસવીરોને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો જોઈને કેટલાક લોકોએ તેમણે પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાની ટિપ્પણી કરી હતી. હવે અભિનેત્રીએ આ અફવાઓ પર નારાજગી વ્યક્ત કરતાં પોતાનો જવાબ આપ્યો છે.



જાસ્મિન ભસીનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી. આ તસવીરોમાં તેમના દેખાવમાં ફેરફાર જોઈને લોકોએ તેમને બોટોક્સ અને ફિલર્સ કરાવ્યાં હોવાની અટકળો લગાવી હતી. હવે જાસ્મિને આ અંગે ખુલાસો કર્યો છે અને પોતાના દેખાવમાં ફેરફાર થવાનું કારણ પણ જણાવ્યું છે.



જાસ્મિને ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં લખ્યું હતું, ‘જ્યારે પણ મારો ચહેરો થોડો અલગ દેખાય છે ત્યારે લોકો માને છે કે મેં ફરીથી પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. મિત્રો, શાંતિ રાખો... મેં તાજેતરમાં મુસાફરી કરી છે અને મારી ઊંઘ પણ પૂરી થઈ નથી. હું અલગ-અલગ મેકઅપ કલાકારો સાથે કામ કરું છું. મારી સાઇનસની સમસ્યા પણ વધી ગઈ હતી. હું થાકી ગઈ હતી. મેં શક્તિ વધારવાની કસરત પણ શરૂ કરી છે અને મારું થોડું વજન પણ વધ્યું છે. મારો ચહેરો કોઈ કાયમી ઇન્સ્ટાગ્રામ ફિલ્ટર નથી.



જાસ્મિને આગળ લખ્યું હતું, ‘ક્યારેક મારો ચહેરો પાતળો દેખાય છે તો ક્યારેક ભરાવદાર. ક્યારેક ચહેરો થોડો થાકેલો દેખાય છે તો ક્યારેક મેકઅપ પણ બરાબર બેસતો નથી. રહી વાત પ્લાસ્ટિક સર્જરીની, તો મિત્રો, પ્લાસ્ટિક સર્જરી કરાવવા માટે પણ સમય જોઈએ.
અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું હતું, ‘હું પણ લોહી, માંસ અને હાડકાંથી બનેલી એક સામાન્ય વ્યક્તિ છું. મને દરેક સમયે અલગ દેખાવાની છૂટ આપો. સાચું કહું તો મને મારા ચહેરા, મારા શરીર અને મારી જાત સાથે ખૂબ પ્રેમ છે. મારે હંમેશાં સંપૂર્ણ દેખાવાની જરૂર નથી. મહેરબાની કરીને આ વ્યક્તિને શાંતિથી જીવવા દો.
જણાવી દઈએ કે જાસ્મિને રાઘવ શર્માના ભાઈના લગ્નની કેટલીક તસવીરો શેર કરી હતી. આ લગ્નમાં તેમની સાથે અલી ગોની પણ જોવા મળ્યા હતા. આ પ્રસંગે જાસ્મિને ગુલાબી રંગનો લહેંગો પહેર્યો હતો.


જાસ્મિને ટેલિવિઝન અભિનેત્રી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે, હવે તેઓ પંજાબી ફિલ્મોમાં પણ કામ કરી રહ્યાં છે. તેઓ છેલ્લે પંજાબી ફિલ્મ 'જુદા'માં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મમાં તેમની સાથે ગુલાબ સિદ્ધુ મુખ્ય ભૂમિકામાં હતા. આ એક પ્રેમકથા આધારિત ફિલ્મ હતી.
ટેલિવિઝનની વાત કરીએ તો તેઓ છેલ્લે રોહિત શેટ્ટીના કાર્યક્રમ 'ખતરોં કે ખિલાડી 15'માં જોવા મળ્યાં હતાં. હવે તેઓ પંજાબી ફિલ્મ 'કેરી ઓન જટ્ટિયે'માં જોવા મળશે.
જાસ્મિન લાંબા સમયથી અલી ગોની સાથે પ્રેમસંબંધમાં છે. બંનેનાં લગ્નને લઈને ઘણી વખત સમાચારો સામે આવ્યા છે. જોકે, બંને હંમેશાં કહેતા આવ્યા છે કે અત્યારે તેઓ લગ્ન કરવાના નથી. યોગ્ય સમય આવશે ત્યારે લગ્ન કરશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application