ગુજરાત હંમેશાથી ઉદ્યોગસાહસિકતાની ભૂમિ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે બે દાયકા પહેલા 'વાઇબ્રન્ટ ગુજરાત'નું બીજ રોપ્યું હતું, ત્યારે કદાચ કોઈએ કલ્પના નહીં કરી હોય કે આ મંચ એક દિવસ તાલુકા કક્ષાના ઉદ્યોગોને સાત સમંદર પાર ઓળખ અપાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ થી ‘લોકલ ટુ ગ્લોબલ’ ના સંકલ્પને સાકાર કરવા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના પરંપરાગત ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બનાવવાની દિશામાં રાજ્ય સરકાર એક ઐતિહાસિક કદમ ઉઠાવી રહી છે. રાજકોટના આંગણે આગામી ૧૦થી યોજાનારી ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ - VGRC’ માત્ર એક સંમેલન નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના ઔદ્યોગિક ઇતિહાસમાં એક નવું સુવર્ણ પ્રકરણ લખાવા જઈ રહ્યું છે. આ કોન્ફરન્સ માત્ર રોકાણો માટેનું મંચ નથી, પરંતુ રાજકોટના જેતપુર જેવા પરંપરાગત હબને 'ગ્લોબલ ટેક્સટાઇલ બ્રાન્ડ' બનાવવાનું મિશન છે.
જેતપુર: એશિયાનું ઉભરતું ‘મિની માન્ચેસ્ટર’ અને ઉત્પાદનનું પાવર હાઉસ
ભાદર નદીના કાંઠે વિકસેલું જેતપુર શહેર આજે પોતાની દાયકાઓ જૂની બ્લોક પ્રિન્ટિંગની કળાને આધુનિકતાના રંગે રંગીને ‘સાડીઓનું શહેર’ અને ‘મિની માન્ચેસ્ટર’ તરીકે ઉભરી આવ્યું છે. જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયા આ અંગે વાત કરતા જણાવે છે કે, જેતપુરમાં આજે ૧૫૦૦ થી ૧૬૦૦ જેટલા નાના-મોટા યુનિટો કાર્યરત છે. જે એક સમયે માત્ર હસ્તકલા પર નિર્ભર હતા, તે આજે અત્યાધુનિક ઓટોમેટિક ફ્લેટબેડ અને ડિજિટલ પ્રિન્ટિંગ ટેકનોલોજીથી સજ્જ છે. દરરોજ અંદાજે ૭ હજાર જેટલી સાડીઓ અને ૨૦ લાખ મીટરથી વધુ કાપડનું ઉત્પાદન જેતપુરને ભારતની ટેક્સટાઇલ સપ્લાય ચેઈનનું પાવર હાઉસ બનાવે છે. આજે અહીં સાડી અને ડ્રેસ મટીરીયલનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે.
‘ખાંગા’ અને ‘કીતાંગા’ ફેબ્રિક્સના ઉત્પાદનમાં જેતપુરનો આજે વૈશ્વિક દબદબો
જેતપુરની વિશેષતા એ છે કે, તેની બનાવટો માત્ર સ્થાનિક બજારો પૂરતી સીમિત નથી. પરંતુ સાત સમંદર પાર પણ પ્રખ્યાત છે. પશ્ચિમ અને પૂર્વ આફ્રિકાના દેશોના પરંપરાગત પહેરવેશ ગણાતા ‘ખાંગા’ અને ‘કીતાંગા’ ફેબ્રિક્સના ઉત્પાદનમાં જેતપુરનો આજે વૈશ્વિક દબદબો છે. દરરોજ અંદાજે ૫૦ લાખ મીટર જેટલું જંગી કીતાંગા ફેબ્રિક્સ અહીંથી નિકાસ થાય છે. વાર્ષિક રૂ. ૩૦૦૦ કરોડના ટર્નઓવર સાથે આ ઉદ્યોગ આજે વિદેશી હૂંડિયામણ કમાવવાનું મહત્વનું સાધન બન્યો છે.
ઉત્પાદન પ્રક્રિયા: કાચા કાપડથી રંગીન સાડી સુધીની સફર
જેતપુરની સાડી બનાવવાની પ્રક્રિયા પણ રસપ્રદ છે. મુંબઈના ભિવંડીથી મલમલ જેવું સફેદ કોટન કાપડ અહીં આવે છે. ત્યારબાદ ગ્રાહકોની પસંદગી મુજબ કોમ્પ્યુટરાઈઝ્ડ કે બ્લોક ડિઝાઇન તૈયાર થાય છે. અત્યાધુનિક મશીનો પર કાપડ રંગાય છે. પાણી અને ધોલાઈ પ્રક્રિયાથી સાડીમાં અનોખી ચમક આવે છે. ધોલાઈ બાદ ફરી તેનું ફિનિશિંગ કામ થાય. ફિનિશિંગ કામ પૂર્ણ થયા સાડીની ગડી, ઈસ્ત્રી, પેકિંગ કામ થાય. આખરી ઓપ આપી સાડીને દેશ-વિદેશના બજારોમાં મોકલવામાં આવે છે. આ ઉત્પાદનોનું ગુજરાત સિવાય કલકત્તા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડીસા જેવા રાજ્યોમાં પણ વેચાણ થાય છે.
પર્યાવરણ સુરક્ષા: વિકાસ સાથે હરિયાળી ક્રાંતિનો સમન્વય
ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણની જાળવણી એ ગુજરાત સરકાર અને જેતપુરના ઉદ્યોગકારોની પ્રાથમિકતા રહી છે. પ્રદૂષણ નિયંત્રણ માટે અહીં ત્રણ અત્યાધુનિક કોમન ઇફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ - CETP કાર્યરત કરવામાં આવ્યા છે. સાડીની ધોલાઈથી લઈને મોટા પ્રોસેસ હાઉસ સુધીના પાણીને શુદ્ધ કરી તેનો પુનઃઉપયોગ કરવામાં આવે છે. આ શુદ્ધ કરેલા પાણી દ્વારા ૧૦૦૦ વીઘા જેટલી જમીનમાં નીલગિરી અને લીમડાના હજારો વૃક્ષોનું વાવેતર કરી એક કૃત્રિમ જંગલ ઉભું કરવામાં આવ્યું છે. આ મોડેલ ‘વિકાસ સાથે પર્યાવરણ’ ના મંત્રને સાર્થક કરે છે.
જેતપુરનો ટેક્સટાઇલ ઉદ્યોગ સૌરાષ્ટ્રની આર્થિક કરોડરજ્જુ છે. આ ક્લસ્ટર દ્વારા ૧.૫ લાખથી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પ્રાપ્ત થાય છે. ખાસ કરીને સાડીના ફોલ્ડિંગ, પેકેજિંગ અને વેલ્યુ એડિશન જેવા કાર્યોમાં હજારો ગ્રામીણ મહિલાઓ જોડાયેલી છે, જે તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી રહી છે. આ ઉદ્યોગ સાથે જોડાયેલા અન્ય સહાયક ઉદ્યોગો જેવા કે કલર-કેમિકલ, પેકિંગ મટીરીયલ, લોજિસ્ટિક્સ અને ડિઝાઇનિંગ યુનિટ્સ પણ લાખો પરિવારોનું ગુજરાન ચલાવે છે.
રાજકોટમાં યોજાનારી રીજનલ કોન્ફરન્સ જેતપુરના MSME એકમો માટે નવી દિશા ખોલશે. જેમાં રિવર્સ બાયર-સેલર મીટ દ્વારા આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાની સુવર્ણ તક મળી રહેશે. વધુમાં, જેતપુર નજીક પીઠડીયા ખાતે સૂચિત નવો ટેક્સટાઇલ અને એપેરલ પાર્ક આંતરરાષ્ટ્રીય સ્તરનું ગારમેન્ટિંગ હબ બને તેવા પ્રયાસો એસોસિયેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે, જે ઉદ્યોગમાં નવા પ્રાણ ફૂંકશે.
રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓ, 'ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ' ZLD જેવી ટેકનોલોજી અને એસોસિએશનના મજબૂત નેતૃત્વ અને અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સથવારે જેતપુરનો આ પરંપરાગત ઉદ્યોગ હવે ‘ગ્લોબલ ટેક્સટાઇલ બ્રાન્ડ’ બનીને વિશ્વ ફલક પર ગુંજવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. આ કોન્ફરન્સ સૌરાષ્ટ્રના ઔદ્યોગિક ઉત્થાન માટે ખરેખર એક ઐતિહાસિક મંચ સાબિત થશે. જેતપુરનો ટેક્સટાઇલ ઉદ્યોગ આજે પરિવર્તનના ઉંબરે ઉભો છે. 'મેડ ઇન જેતપુર' હવે માત્ર સ્થાનિક ઓળખ નથી, પરંતુ વૈશ્વિક સ્તરે ગુણવત્તા અને કિફાયતી ભાવનો પર્યાય બની રહ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ દ્વારા જ્યારે વિશ્વભરના ઉદ્યોગપતિઓ સૌરાષ્ટ્રની મુલાકાત લેશે, ત્યારે જેતપુરની કળા અને સાહસિકતા તેમને ચોક્કસ આકર્ષશે.