દુષ્કર્મ સાથે જોડાયેલા 26 વર્ષ જૂના એક કેસમાં ઝારખંડ હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું કે માત્ર રાત્રિના સમયે કોઈ મહિલાના ઘરમાં પ્રવેશ કરવો અને તેના કપડાં ખેંચવા એ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) હેઠળ દુષ્કર્મ અથવા દુષ્કર્મના પ્રયાસનો ગુનો ગણાવી શકાય નહીં.
હાઈકોર્ટે દોષિતની અપીલ પર સુનાવણી દરમિયાન નીચલી અદાલતના નિર્ણયમાં ફેરફાર કર્યો. કોર્ટે આ કેસને દુષ્કર્મના પ્રયાસને બદલે મહિલાની ગરિમા ભંગ કરવા અને તેના પર ગુનાહિત બળનો ઉપયોગ કરવા સાથે જોડાયેલો ગુનો ગણાવ્યો.
જસ્ટિસ પ્રદીપ કુમાર શ્રીવાસ્તવે કહ્યું કે, દુષ્કર્મ કરવા તરફ આગળ વધતું કોઈ કૃત્ય માત્ર એટલા માટે દુષ્કર્મના પ્રયાસનો ગુનો બની જતું નથી કે તે ગુનો કરવાની દિશામાં નજીકનું પગલું હતું. પ્રત્યક્ષ કૃત્ય એટલે ગુનાની યોજના પૂર્ણ કરવા માટે લેવામાં આવેલું વાસ્તવિક અને નક્કર પગલું.
આ ચુકાદો 31 ઓગસ્ટે આપવામાં આવ્યો હતો અને સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. દોષિતે ઘાટશિલા સત્ર અદાલતે 25 જુલાઈ, 2006ના રોજ સંભળાવેલી ચાર વર્ષની સખત કેદની સજાને ઝારખંડ હાઈકોર્ટમાં પડકારી હતી.
હાઈકોર્ટે સજામાં ફેરફાર કરતા નોંધ્યું કે અપીલકર્તા ટ્રાયલ દરમિયાન અગાઉ જ લગભગ આઠ મહિના જેલમાં રહી ચૂક્યો છે. તેથી ન્યાયના હેતુની પૂર્તિ માટે આટલી જ કસ્ટડીનો સમયગાળો પૂરતો ગણાશે.
ચાકુલિયા પોલીસે 27 ડિસેમ્બર, 1999ના રોજ એફઆઈઆર નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરી હતી પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે આરોપી અગાઉની રાત્રે તેના ઘરમાં ઘૂસ્યો હતો અને દુષ્કર્મ કરવાના ઇરાદે તેના કપડાં ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.
ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપી સામે દુષ્કર્મના પ્રયાસનો ગુનો નોંધી ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ નીચલી અદાલતે આરોપીને દોષિત ઠેરવીને ચાર વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. જોકે, હવે ઝારખંડ હાઈકોર્ટે આ નિર્ણયમાં ફેરફાર કરીને કેસને દુષ્કર્મના પ્રયાસને બદલે મહિલાની ગરિમા ભંગ અને ગુનાહિત બળના ઉપયોગ સાથે જોડાયેલા ગુના તરીકે ગણાવ્યો છે.