વિદેશમાં મોટી સેલરીની નોકરી મેળવવાની ઘેલછા હવે ભારતીય યુવાનો માટે એક ભયાનક દલદલ સાબિત થઈ રહી છે. મ્યાનમાર, થાઈલેન્ડ અને લાઓસની સરહદો પર આવેલા હાઈ-સિક્યોરિટી અડ્ડાઓમાંથી માનવ તસ્કરી અને અત્યાચારની એવી કહાનીઓ સામે આવી રહી છે, જે ધ્રુજારી ઉપજાવી દે તેવી છે. તાજા અહેવાલો મુજબ, આશરે ૮૦૦ થી ૧૦૦૦ જેટલા ભારતીય યુવાનો મ્યાનમારમાં બંધક છે, જેમને બંદૂકની અણીએ સાયબર ફ્રોડ (ઓનલાઈન ઠગાઈ) ના કાળા ધંધામાં ધકેલી દેવાયા છે.
વીડિયો વાયરલ થતાં ખૌફનાક સત્ય આવ્યું સામે
આ આખા રેકેટનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે મહારાષ્ટ્રના નાસિકના ૩૦ વર્ષીય યુવાન કૌસ્તુભ શેજવાલે ત્યાંથી છૂપી રીતે એક વીડિયો જાહેર કરીને ભારત સરકાર પાસે મદદની ગુહાર લગાવી. કૌસ્તુભને બેંગકોકના કોલ સેન્ટરમાં મહિનાના રૂ. ૭૦,૦૦૦ ની નોકરીની લાલચ આપી બોલાવાયો હતો, પણ તેને મ્યાનમારના ઠગોના હવાલે કરી દેવાયો. હવે અપહરણકર્તાઓ તેને છોડવાના બદલામાં રૂ. ૮ લાખની ખંડણી માંગી રહ્યા છે. કૌસ્તુભની જેમ જ ઉત્તર પ્રદેશના મોહમ્મદ ઉસ્માન અંસારી, મોહમ્મદ હસન રઝા અને બિહારના અનુ રંજન કુમારે પણ વીડિયો દ્વારા પોતાની આપવીતી સંભળાવી છે.
ટાર્ગેટ પૂરો ન થાય તો ઢોર માર અને ઈલેક્ટ્રિક શોક
પીડિતોના જણાવ્યા અનુસાર આ સ્કેમ સેન્ટરો (સાયબર અડ્ડા) માં ભારતીયો પાસે બળજબરીપૂર્વક અન્ય દેશોના લોકોને ઠગવાનું કામ કરાવવામાં આવે છે. જો કોઈ યુવાન આપેલું 'ટાર્ગેટ' પૂરું ન કરી શકે, તો તેને રૂમમાં પૂરીને બેરહેમીથી માર મારવામાં આવે છે અને વીજળીના (કરંટના) ઝટકા આપવામાં આવે છે.
ચીની માફિયા અને આતંકીઓનું નેટવર્ક
આ સાયબર સેન્ટરો મ્યાનમાર અને થાઈલેન્ડની બોર્ડર પર આવેલા 'મ્યાવાડી' વિસ્તારના 'કેકે પાર્ક' અને 'શ્વે કોક્કો' જેવા અત્યંત કડક સુરક્ષાવાળા કમ્પાઉન્ડમાં ચાલે છે. તેને ચીની ક્રાઈમ સિન્ડિકેટ (માફિયા) ચલાવે છે અને મ્યાનમારના સ્થાનિક સશસ્ત્ર બાગી કે આતંકી જૂથો તેને સુરક્ષા આપે છે, જેના કારણે ત્યાં પોલીસ પણ પહોંચી શકતી નથી.
આ આંતરરાષ્ટ્રીય કૌભાંડ પર સંયુક્ત રાષ્ટ્ર (UN) ની નજર પડ્યા બાદ અને વૈશ્વિક દબાણ વધતાં મ્યાનમાર પ્રશાસને આ અબજો ડોલરના ગેરકાયદેસર કાળા સામ્રાજ્ય પર ત્રાટકવાનું શરૂ કર્યું છે. ભારત સરકારનું વિદેશ મંત્રાલય અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) પણ બાકીના ભારતીયોને હેમખેમ પાછા લાવવા માટે રાજદ્વારી સ્તરે યુદ્ધના ધોરણે પ્રયાસો કરી રહી છે. વહીવટી તંત્રે યુવાનોને વિદેશમાં નોકરી આપતી એજન્સીઓની પૂરેપૂરી તપાસ કરીને જ આગળ વધવા અપીલ કરી છે.