BREAKING NEWS

જામનગર : મશ્કરી..સરકારી શાળાઓમાં છાત્રાઓને અપાતા સેનેટરી પેડ નિમ્નકક્ષાના..!

  • December 29, 2025 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજયની સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરની કચેરી દ્વારા જામનગર સહીત રાજયભરમાં સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી ધો.૬ થી ૮ ની વિધાર્થીઓને દર મહીનાના ૧૦ લેખે સાત મહીનાના ૭૦ સેનેટરી પેડ આપવા આદેશ કરાયો છે. આ માટે જામનગર જિલ્લાની સરકારી શાળાઓને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. આ સેનેટરી પેડની ખરીદી જન ઔષધિ કેન્દ્વમાંથી કરવા સૂચના અપાઇ છે. ત્યારે આજકાલની ટીમ દ્વારા જન ઔષધિ કેન્દ્વોમાં તપાસ કરાતા મોટાભાગના કેન્દ્રમાં સેનેટરી પેડ હતા નહીં અને એક કેન્દ્રમાંથી ખરીદી કરાતા છાત્રાઓને જે સેનેટરી પેડ આપવાના છે તે નિમ્નકક્ષાના હોવાનું મહીલાઓએ જણાવ્યું છે. આટલું જ નહીં શાળાઓમાં સેનેટરી નેપકીન વિતરણનું રજીસ્ટર નિભાવવાના તથા બીઆરસી, સીઆરસી અને જિલ્લાકક્ષાએથી કામગીરીનું મોનીટરીંગ કરવા આદેશથી આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે.


રાજયની સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરની કચેરી દ્રારા જામનગર સહીત રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારી, શાસનાધિકારીને તા.૨૫-૯-૨૦૨૫ના કરાયેલા પરિપત્ર અનુસાર વર્ષ ૨૦૨૫-૨૬માં સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતી ધો.૬,૭ અને ૮ની વિધાર્થીનીઓને સપ્ટેમ્બર-૨૦૨૫ થી માર્ચ-૨૦૨૬ સુધી પ્રતિ માસ ૧૦ સેનેટરી નેપકીન ૭ મહીના માટે આપવા આયોજન કરવા આદેશ કરાયો છે. જે મુજબ આ માટે દરેક શાળામાં મહીલા નોડલ શિક્ષક નિયુકત કરવાના રહેશે. જે શાળામાં મહિલા શિક્ષક ન હોય તો નજીકની પ્રાથમિક, માઘ્યમિક, ઉચ્ચતર માઘ્યમિક શાળાના મહિલા શિક્ષકને નોડલ શિક્ષક તરીકે નિયુકત કરવાના રહેશે અથવા એસએમસી, એસએમડીસીના મહીલા સભ્ય, શાળાની ઉપલા ધોરણની બે દીકરીઓના જૂથને નિયુકત કરવાના રહેશે. વિધાર્થીની દીઠ એક સેનેટરી નેપકીન રૂ.૩ લેખે દીકરીને પ્રતિ માસ ૧૦ નેપકીન આપવાના થાય તે રીતે ૧૦ સેનેટરી નેપકીનના કુલ રૂ.૩૦ લેખે સપ્ટેમ્બર-૨૦૨૫ થી માર્ચ-૨૦૨૬ સુધી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. દર મહીનાની શરૂઆતમાં જ સેનેટરી નેપકીન પૂરા પાડવા તથા શાળા કક્ષાએથી પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાંથી ખરીદી કરવા સ્પષ્ટ જણાવાયું છે. આટલું જ નહીં શાળા કક્ષાએથી દરેક દીકરીઓને દર મહીને જેટલા જોઇએ તે પ્રમાણે એક સાથે નેપકીન આપવા તેમજ દીકરીઓને ઇમરજન્સીમાં પણ સેનેટરી નેપકીન મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવા આચાર્યને આદેશ કરાયો છે.


ત્યારે સરકારી શાળાઓમાં ધો.૬ થી ૮ની વિધાર્થીનીઓને જે સેનેટરી પેડ આપવાના છે તે અંગે આજકાલની ટીમ દ્રારા તપાસ કરવામાં આવી હતી. આ માટે શહેરના ચાર જન ઔષધિ કેન્દ્રમાં રૂબરૂ જઇ સરકારી શાળાની છાત્રાઓને આપવાના થતા સેનેટરી પેડની ખરીદી કરવામાં આવી હતી. પરંતુ ચારમાંથી ફકત એક જ જન ઔષધિ કેન્દ્રમાં આ સેનેટરી પેડનો જથ્થો ઉપલબ્ધ હતો. 


જયારે અન્ય ત્રણ કેન્દ્ર ધારકોએ ઉપરથી માલ ન આવતો હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું. આટલું જ નહીં, નવાઇની વાત તો એ છે કે, દીકરી દીઠ એક સેનેટરી નેપકીન રૂ.૩ લેખે ખરીદી કરવા આદેશ કરાયો છે. ત્યારે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાં રૂ.૧ ના એક લેખે ૧૦ સેનેટરી પેડ અને રૂ.૧૫ ના ચાર સેનેટરી પેડના પેકેટ હતાં. ત્યારે રૂ.૩ લેખે એક સેનેટરી પેડની ખરીદી સામે ગંભીર પ્રશ્ર્નો ઉભા થયા છે. આટલું જ નહીં આજકાલની ટીમ દ્રારા રૂ.૧ ના એક એવા ૧૦ સેનેટરી પેડના પેકેટની ખરીદી કરી આ અંગે મહીલાઓને પૂછતા મોટાભાગની મહીલાઓએ આ સેનેટરી પેડની ગુણવતા નબળી એટલે કે નિમ્નકક્ષાના હોવાનું જણાવ્યું હતું. ત્યારે મોટાભાગના પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોમાં સરકારી શાળાઓમાં વિધાર્થીઓને આપવાના સેનેટરી પેડનો જથ્થો ઉપલબ્ધ ન હોય શાળામાં છાત્રાઓને સેનેટરી પેડ જરૂરિયાતની સમયે મળે છે કે કે તે પણ સળગતા સવાલની સાથે તપાસનો વિષય બન્યો છે. 


ભ્રષ્ટાચારની બારી, રૂ.૩ નું એક સેનેટરી પેડની ખરીદીની સૂચના, જન ઔષધિ કેન્દ્રમાં રૂ.૧નું મળે છે..!

સરકારી શાળાઓમાં ધો.૬ થી ૮ ની વિધાર્થીનીઓને મહીનાના ૧૦ લેખે સાત મહીનના ૭૦ સનેટરી પેડ આપવાનો આદેશ કરાયો છે. આ માટે સરકારી શાળાઓને ગ્રાન્ટની ફાળવણી પણ કરવામાં આવી છે. પરંતુ સેનેટરી પેડની ખરીદી ભ્રષ્ટાચારની બારી સમાન છે. કારણ કે, પરિપત્ર અનુસાર એક સેનેટરી નેપકીન રૂ.૩ લેખે ૧૦ સેનેટરી નેપકીન કુલ રૂ.૩૦ લેખે ખરીદી કરવા જણાવ્યું છે. જયારે આ સેનેટરી  પેડની પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાંથી જ ખરીદ કરવા સૂચના અપાઇ છે. પરંતુ જન ઔષધિ કેન્દ્રમાં રૂ.૧નું એકના ૧૦ સેનેટરી પેડનું પેકેટ મળી રહ્યું છે. આથી રૂ.૧નું એક સેનેટરી પેડ ખરીદી કરી રૂ.૩ નું દર્શાવી ભ્રષ્ટાચાર થવાની પૂરેપૂરી શકયતા છે. આટલું જ નહીં જન ઔષધિ કેન્દ્રમાં બીજું પેકેટ રૂ.૧૫ ના ચાર સેનેટરી પેડનું મળે છે. જેની એકની કિંમત રૂ.૩.૭૫ થાય. એટલે આ પેકેટની ખરીદી સરકારી શાળા દ્રારા ન કરવામાં આવે તે સ્વાભાવિક છે. ​​​​​​​


શહેર-જિલ્લામાં સરકારી શાળામાં ધો.૬ થી ૮ માં ૧૫૪૭૦ વિધાર્થીનીઓ 

જામનગર શહેર અને જિલ્લાની સરકારી શાળાઓમાં ધો. ૬ થી ૮ માં કુલ ૧૫૪૭૦ વિધાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે. એક વિધાર્થીનીને મહીનાના ૧૦ લેખે સાત મહીનાના ૭૦ સેનેટરી પેડ આપવાના છે. ત્યારે શહેર-જિલ્લાની ૧૫૪૭૦ વિધાર્થીનીઓને કુલ ૧૫૪૭૦૦ સેનેટરી પેડ આપવાના થાય. આ માટે રૂ.૩ ના એક એવા સેનેટરી પેડની ખરીદી કરવાની હોય કુલ રૂ.૪,૬૪,૧૦૦ નો ખર્ચ થશે. પરંતુ આ ખર્ચ યોગ્ય રીતે થશે કે કે કેમ તે એક સવાલ છે.​​​​​​​


શહેરમાં ૪ માંથી ૩ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાં જથ્થો ન હતો, રીગની આશંકા 
શહેર-જિલ્લામાં સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી ધો.૬ થી ૮ની વિધાર્થીનીઓને સેનેટરી પેડ આપવાનો આદેશ કરાયો છે. જેની ખરીદી પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાંથી કરવા સૂચના અપાઇ છે. ત્યારે આજકાલની ટીમ દ્રારા ચાર  પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાં તપાસ કરતા ૩ કેન્દ્રમાં સેનેટરી પેડનો જથ્થો ન હતો. આટલું જ નહીં સંચાલકોએ ઉપરથી માલ આવતો ન હોવાનું જણાવ્યું હતું. ફકત એક જ કેન્દ્રમાં આ જથ્થો હતો. ત્યારે સેનેટરી પેડના વેંચાણમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોમાં પણ ઉપરથી સેટીંગ કે રીંગ ચાલતી હોવાની શકયતા નકારી શકાતી નથી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News