જામનગર જિલ્લાના ૫૭૨ શિક્ષકોનો જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવતા આનંદની લાગણી ફેલાઇ છે. જિલ્લા શિક્ષણ સમિતિની દરખાસ્ત અને નાણા વિભાગના ઠરાવને અનુલક્ષીને પ્રાથમિક શિક્ષણ નિયામકે આદેશ કર્યો છે. સરકારી શાળામાં ફરજ બજાવતા જામનગરના ૨૬૩, ધ્રોલના ૬૩, જોડિયાના ૨૮, કાલાવડના ૮૦, લાલપુરના ૫૯, જામજોધપુરના ૭૫ શિક્ષકને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે.
જામનગર જિલ્લા શિક્ષણ સમિતિ દ્રારા ગત તા.૧-૧૧-૨૦૨૫ના કેમ્પમાં સરકારી શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. જે અન્વયે રાજયના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્રારા જામનગર જિલ્લાની સરકારી શાળાઓમાં ફરજ બજાવતા ૫૭૨ શિક્ષકોનો જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવાનો આદેશ તા.૭ નવેમ્બરના કરવામાં આવ્યો છે. આ આદેશમાં જણાવ્યા અનુસાર નાણા વિભાગના ઠરાવથી તા.૧-૦૪-૨૦૨૫ પહેલા માન્ય ભરતી બોર્ડ દ્રારા સ્પર્ધાત્મક પરીક્ષા પઘ્ધતિ મારફત કોઇ સંવર્ગમાં ભરતી પ્રક્રીયા પૂર્ણ થઇ હોય પરંતુ તા.૧-૦૪-૨૦૦૫ પછી નિમણૂંક પામેલ હોય તેવા તેમજ તા.૧-૦૪-૨૦૦૫ પહેલા રાજયમાં વિવિધ વિભાગોમાં ફીકસ પગારની નીતિ હેઠળ નિમણૂંક પામી તા.૧-૦૪-૨૦૦૫ પહેલા નોકરીમાં જોડાયા હોય અને તા.૧-૦૪-૨૦૦૫ પછી ફીકસ પગારનો નિયત સમયગાળો પૂર્ણ કરી નિયમિત નિમણૂંક પામેલ હોય તેવા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે છે.
આ સંદર્ભમાં નાણા વિભાગના ઠરાવથી પાત્રતા ધરાવતા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. શિક્ષણ વિભાગના સંદર્ભ-૩થી મળેલ સૂચના અન્વયે આ કચેરીના સંદર્ભ-૪ના પત્રથી દરખાસ્ત રજૂ કરવા અંગે જરી સૂચના આપવામાં આવી હતી. આ મુજબ જામનગર જિલ્લા શિક્ષણ સમિતિ દ્રારા રજૂ કરેલી દરખાસ્ત ઘ્યાને લઇ અને નાણા વિભાગના ઠરાવની સૂચના અનુસાર જામનગર જિલ્લાની સરકારી શાળાઓમાં ફરજ બજાવતા ૫૭૨ શિક્ષકોનો જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરાયો છે. જેમાં સરકારી શાળામાં ફરજ બજાવતા જામનગરન તાલુકાના ૨૬૩, ધ્રોલના ૬૩, જોડિયાના ૨૮, કાલાવડના ૮૦, લાલપુરના ૫૯, જામજોધપુરના ૭૫ શિક્ષકનો સમાવેશ થાય છે.
જે શિક્ષકોનો જૂની પેન્શન યોજનામાં સમાવેશનો આદેશ કરાયો છે તેમાં શિક્ષકોની નિમણૂંક હુકમની તારીખ અને ખાતામાં દાખલ તારીખ દર્શાવામાં આવી છે. આટલું જ નહીં જૂની પેન્શન યોજનામાં સમાવેશની નોંધ શિક્ષકોની સેવાપોથીમાં કરવાનો આદેશ પણ કરાયો છે.
દસ્તાવેજો ખોટા કે બનાવટી સાબીત થશે તો હુકમ રદ ગણાશે, સંબંધિતો સામે નિયમોનુસાર કાર્યવાહી
રાજયના પ્રાથમિક શિક્ષણ નિયામકે જામનગર જિલ્લાના ૫૭૨ શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશના કરેલા આદેશમાં જણાવ્યાનુસાર કર્મચારીની અરજી અન્વયે જામનગર જિલ્લા શિક્ષણ સમિતિ દ્રારા ચકાસણી કરી રેકર્ડ આધારીત રજૂ થયેલી દરખાસ્તની વિગતો તેમજ લગત આધાર-પુરાવાને પ્રમાણીત કરેલ છે. જે ઘ્યાને લઇ આ હુકમ કરવામાં આવ્યો છે.
પરંતુ જો રજૂ કરેલા આધાર-પુરાવા ભવિષ્યમાં ખોટા કે બનાવટી પુરવાર થશે તો આ હુકમ આપોઆપ રદ થયેલો ગણાશે.આટલું જ નહીં સંબધિત સામે નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.