રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જરી વિભાગના તબીબ ઉપર દર્દીના પરિચિત શખસે વોર્ડમાં ઘુસી આડેધડ મારમારતા આ ગંભીર ઘટનાના ઘેર પ્રત્યાઘાતો ગાંધીનગર સુધી પડ્યા છે. આ સાથે જ ગત સાંજથી જ જુનિયર ડોક્ટર્સ એશોસિએશનના નેજા હેઠળ તમામ જુનિયર રેસિડેન્ટ, ઇન્ટર્ન સજ્જડ હડતાલ પાડી માત્ર ઇમર્જન્સી અને આઇસીયુ સેવામાં ફરજ ચાલુ રાખી છે. રેસિડેન્ટ ડોક્ટર્સની માગ છે કે, 72 કલાક વીતવા આવશે છતાં હુમલો કરનારને પોલીસ પકડી શકી નથી આ જોતા પોલીસ હુમલાખોરને કોઈ દબાણથી છાવરી રહી છે. પોલીસ આરોપીને તાકીદે પકડી પાડી રી-કન્ટ્રક્શન કરાવે તે બાદ જ હડતાલ સમેટવામાં આવશે તેમ રોષ પૂર્વક જેડીએનાં હોદેદારો દ્વારા જણાવાયું છે. જુનિયર રેસિડેન્ટની હડતાલના પગલે સિનિયર ડોક્ટર્સ અને એસો.પ્રોફેસરો તેમજ વિભાગના વડાઓ ઉપર સારવારનું ભારણ વધ્યું છે. જો કે સાંજ સુધીમાં સિનિયર ડોક્ટર્સ પણ હડતાલમાં જોડાઈ શકે છે. જો આ પરિસ્થિતિ સર્જાય તો દર્દીઓની હાલત પણ કફોડી બને શકે છે.
ઘટનાની વિગત જોઈએ તો, તા.29ના રોજ ન્યુરો સર્જરી વિભાગના રેસિડેન્ટ ડો.પાર્થ પંડ્યાને રાત્રીના ફરજ દરમિયાન પીએમએસએસવાય બ્લોકના ત્રીજા માળે જયદીપ ચાવડા નામના શખસે ટેબલ ઉપર પછાડી બેફામ મારમારવા આવ્યો હતો. આ બનાવમાં ખુદ ભોગબનાર તબીબ ડો.પાર્થ પંડ્યાએ જયદીપ ચાવડા સામે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે જયદીપ ચાવડા સામે સરકારી ફરજમાં રુકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેના અયોધ્યાચોક સ્થિત મકાને દરોડો પાડ્યો હતો પરંતુ જયદિપ હાજર મળી ન આવતા શોધખોળ શરૂ રાખી છે. આ ઘટનાને લઈને સિવિલના જુદા જુદા વિભાગના એચઓડી, એસો.પ્રોફેસરો, સિનિયર ડોક્ટર્સ, રેસિડેન્ટ ડોક્ટર્સ કોલેજ કેમ્પસમાં એકઠા થઈ વિરોધ નોંધાવી આરોપી સામે કડક કાર્યવાહી કરી ઉદાહરણ બેસાડવામાં આવે તેવી પોલીસ સમક્ષ માગ કરી સરકાર અને પોલીસ પ્રસાસન સામે તબીંબોની સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠાવ્યા હતા. બનાવમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનએ પણ મેડિકલ કોલેજના ડીન અને સુપ્રિટેન્ડેન્ટને આવેદન પાઠવી ઘટનાને વખોડી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.
તમામ બાબતોને લઈ કોઈ નક્કર કાર્યવાહી સરકાર કે પોલીસ પ્રસાસન દ્વારા કરવામાં ન આવતા અને ઘટનાને 72 કલાક જેટલો સમય વીતવા છતાં આરોપી જયદીપ ચાવડા પોલીસ પકડથી દૂર હોવાથી પીડીયુ મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોશિએશન (જેડીએ) દ્વારા ગઈકાલે મેડિકલ કોલેજના ડીનને મળી સ્ટ્રાઇક ઉપર ઉતરવાની જાણ કરી સાંજથી જ સજ્જડ હડતાલ જાહેર કરી હતી. માત્ર ઇમરજન્સી અને આઇસીયુ સેવામાં રેસિડેન્ટ ડોક્ટર પોતાની ડ્યુટી પ્રમાણે ફરજ બજાવશે. એ સિવાય ઓપીડી, વોર્ડ કે ઓપરેશન થિયેટરમાં ફરજ નહિ બજાવે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આજ સવારથી જ મેડિકલ કોલેજના કેમ્પસમાં રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા શાંતિ પૂર્વક વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. હાલમાં સિનિયર ડોક્ટર્સ અને એસો.પ્રોફેસરો દ્વારા ઓપીડી અને વોર્ડમાં સારવાર શરૂ રાખવામાં આવી છે.