બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાન હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 માં ભાગ લઈ શકશે નહીં. બીસીસીઆઈ એ કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) ને બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને તેમની ટીમમાંથી મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. શાહરૂખ ખાનની ટીમ કેકેઆરમાં મુસ્તફિઝુર રહેમાનને લેવા બાબતે વિવાદ વધતા આ નિર્ણય લેવાયો છે.
દેવજીત સૈકિયાએ એ પણ સ્પષ્ટતા કરી કે જો કેકેઆર રીપ્લેસમેન્ટ માગશે તો બીસીસીઆઈ તેને મંજૂરી આપશે. આઈપીએલ 2026 ના મીની-ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઇડર્સ દ્વારા મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.
ડાબા હાથના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાં સામેલ કર્યા બાદ કેકેઆર ને સોશિયલ મીડિયા પર નોંધપાત્ર ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ચાહકો, તેમજ કેટલાક રાજકારણીઓ અને સંતોએ આઈપીએલ માં બાંગ્લાદેશી ખેલાડીઓના રમવા અંગે પ્રશ્નો ઉભા કર્યા હતા. ઓગસ્ટ 2024 માં શેખ હસીના સરકારના પતન પછી, બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વધી છે, જેના કારણે અનેક હિંસક ઘટનાઓ બની છે. તાજેતરમાં બે હિન્દુઓની ક્રૂર હત્યાથી બાંગ્લાદેશ વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે.
દરમિયાન, બીસીસીઆઈ ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશી ખેલાડીઓના વિઝા મુદ્દા અંગે ભારતીય વિદેશ મંત્રાલય સાથે સતત વાતચીત કરી રહ્યું છે. બાંગ્લાદેશની ટીમ કોલકાતા અને મુંબઈમાં તેના ગ્રુપ સ્ટેજ મેચ રમવાની છે. બોર્ડને વિશ્વાસ છે કે ખેલાડીઓ માટે કોઈ મોટી વિઝા અવરોધો નહીં આવે.
આઈપીએલ 2025 માટે મેગા હરાજીમાં બાંગ્લાદેશી ખેલાડીઓ માટે કોઈ ફ્રેન્ચાઇઝી બોલી લગાવવામાં આવી નથી. જોકે, આઈપીએલ 2026 માટે મીની હરાજીમાં, કોલકાતા નાઈટ રાઇડર્સે મુસ્તફિઝુર રહેમાન પર કરોડો રૂપિયા ખર્ચ્યા હતા. આ સાથે, મુસ્તફિઝુર આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો બાંગ્લાદેશી ખેલાડી બન્યો હતો.
મુસ્તફિઝુર રહેમાન આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ , મુંબઈ ઇન્ડિયન્સ , રાજસ્થાન રોયલ્સ , ચેન્નાઈ સુપર કિંગ્સ (અને દિલ્હી કેપિટલ્સ માટે રમ્યો છે. 30 વર્ષીય ખેલાડીએ અત્યાર સુધીમાં 60 આઈપીએલ મેચોમાં 28.44 ની સરેરાશ અને 8.13 ના ઇકોનોમી રેટથી 65 વિકેટ લીધી છે.