BREAKING NEWS

જામનગરમાં સોલાર પેનલ ઠગાઇમાં કાના બૈડીયાવદરાની ગેંગે દોઢ કરોડ ખંખેરી લીધા

  • January 21, 2026 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેર જિલ્લા સહિતના ૧૦૦ થી વધુ લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી સોલાર પેનલ કંપનીના નામે આકર્ષક જાહેરાત આપી નાણા પડાવી લઈ સોલાર પેનલ ફીટ નહીં કરી આપનાર એક ટોળકીના પાંચ સભ્યોને જામનગર સાઇબર સેલની ટુકડીએ ઝડપી લીધા બાદ પુછપરછમાં દોઢ કરોડ જેવી રકમ ખંખેરી લીધાની વિગતો ખુલવા પામી છે, દરમ્યાન પકડાયેલા પાંચેય સાગરીતોને જરૂરી કાર્યવાહી બાદ જેલ હવાલે કરાયા છે જયારે મુખ્ય સુત્રધાર ગણાતા કાના બૈડીયાવદરાની શોધખોળ આદરવામાં આવી છે. સાયબર પોલીસ દ્વારા ભોગ બનનાર લોકોને આગળ આવવા આહવાન કરાયું છે.


 સોલાર કંપનીની જાહેરાત આપનાર પાર્ટી કે જેઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સસ્તા ભાવે સોલાર પેનલ લગાવી આપવાનું પ્રલોભન આપી તેના માટે બેન્કમાંથી લોન કરાવી દીધા બાદ નાણા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી નાખતા હતા, અને સોલાર પેનલ ફીટ નહીં કરી આપી, છેતરપિંડી કરી હતી. જે પ્રકરણની ઊંડાણપૂર્વકની તપાસ બાદ પોલીસની ટીમે એક ટોળકીના પાંચ સાગરીતોને ઝડપી લીધા છે.


જે ટોળકીએ ઇન્ફીટી સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સોલાર પેનલની ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત આપી કંપનીના નામે  લોકો સાથે સાયબર ઠગાઈ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. અને વધુ તપાસ દરમ્યાન ખુલ્યું છે કે આરોપીઓએ આ રીતે ૧૦૦ કરતાં વધુ લોકો સાથે સાયબર ફ્રોડ આચરી, સોલાર પેનલ ખરીદવાના બહાને લોન અપાવી, તે રકમ પોતાના અંગત બેંક ખાતામાં મેળવી હતી. ત્યારબાદ સોલાર પેનલ સ્થાપિત ન કરી, છેતરપિંડીથી મેળવેલ નાણાં પોતાના અંગત લાભ માટે વાપર્યા હતા. ઉપરાંત, આ નાણાં ઠગાઈના હોવાની જાણ હોવા છતાં આરોપીઓએ એકબીજા સાથે સાંઠગાંઠ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખી હતી.


આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા - ૨૦૨૩ ની કલમ ૩૧૬(૫), ૩૧૮(૪), ૬૧(૨) તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ -૨૦૦૦ ની કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો, અને તે ગુન્હામાં (૧) હિરેનભાઈ નાથાલાલ લાઠીયા ઉ.વ.૩૭ રહે. તીરૂપતી પાર્ક ૭/બી ઢિંચડા રોડ મુળ રહે.કૃષ્ણકુંજ શેરી નં.૪ હિમાલય સોસયટી જામનગર, (૨) ચેતનભાઈ અશોકભાઈ પાણખાણીયા ઉ.વ.૩૬ રહે.નિલકમલ સોસાયટી શેરી નં.૫ ખોડીયાર કોલોની જામનગર, (૩) રાહુલભાઈ રાજેન્દ્રપ્રશાદ ભટ્ટ ઉ.વ.૫૨ રહે.૧/૨ મકવાણા સોસાયટી, શાંતિનગર પાછળ હરીયા સ્કૂલની સામે જામનગર (૪) અભયભાઈ જીતેન્દ્રભાઈ પરમાર ઉ.વ.ર૮ રહે. ખોડીયાર કોલોની ન્યુ આરામ કોલોની કોળીનો દંગો જામનગર, અને (૫) રામજી કમોદસિંઘ લોધી ઉ.વ.૨૫ નોકરી રહે જકાતનાકા પાસે પાર્થ એપાર્ટમેન્ટ ત્રીજો માળ જામનગરની અટકાયત કરી લીધી હતી, જેઓને અદાલત સમક્ષ રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ પર લેવાયા હતા.
 પોલીસની પૂછપરછ દરમિયાન તેઓએ જામનગર શહેર અને જિલ્લા ઉપરાંત રાજકોટ, મોરબી, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ- દ્વારકા સહિતના સ્થળોએ અંદાજે ૧૦૦ થી વધુ નાગરિકોને સોલાર પેનલ ફીટ કરવાના બહાને શિશામાં ઉતાર્યા હતા, અને બેંક લોન કરાવી આપવાના બહાને તેઓની અંદાજે દોઢ કરોડની રકમ તમામ આરોપીઓએ પડાવી લીધી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. 


 આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર જામનગરના વતની અને સોલાર પેનલની પેઢીના માલિક કાના બૈડીયાવદરાની પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે. અને પાંચેય આરોપીઓના રિમાન્ડ પુરા થતાં તેઓને જેલ હવાલે કરી દેવાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application