જૂનાગઢમાં સાયબર ગુનાઓનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે.ચણા મમરા ની જેમ બેંક ખાતામાં દૈનિક લાખો કરોડો રૂપિયાની હેરાફેરી થતી હોવાની વિગતો પ્રાપ્ત થતા પોલીસ
સાયબર ફ્રોડનો ગુનો નોંધી રહી છે. પરંતુ મુખ્ય આકા સુધી પહોંચશે કે કેમ તે પ્રશ્નાર્થ સર્જાયા છે. સાયબર ગઠિયાઓ સાથે સાઠગાંઠમાં સેવાભાવી સંસ્થાઓના સંચાલકોની પણ
મિલીભગત ખુલી રહી છે. મૂળ કેરાળામાં રહેતા અને ગૌશાળા નું સંચાલન કરતા કલ્યાણ ગીરી તથા તેના ગૌશાળા ના ટ્રસ્ટના ત્રણ મ્યુલ એકાઉન્ટો દ્વારા સાત લોકો પાસેથી ૪૦.૭૬
લાખની રકમ પડાવી હોવાનું તપાસમાં ખુલતા તાલુકા પોલીસે કલ્યાણ ગીરી સામે સાયબર ફ્રોડનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.
આ અંગે વિગત મુજબ કેરાળા ગામે રહેતા કલ્યાણ ગીરી વડાલમાં એસબીઆઇ તથા જૂનાગઢમાં દોલતપરામાં આવેલ આઇડીએફસી બે બેંકમાં ખાતું ધરાવે છે. પોલીસ વિભાગ દ્વારા
એનસીસીઆરટી પોર્ટલના માધ્યમથી સાયબર ફ્રોડ ના ગુનેગારોને ઝડપી લેવા તપાસ હાથ ધરી રહી છે. જેમાં કલ્યાણ ગીરીના બેંક ખાતા દ્વારા તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, બંગાળ,
મહારાષ્ટ્ર અને દિલ્હી પાંચ લોકો પાસેથી સાયબર ગઠિયાઓએ ૪૦.૭૬ લાખની રકમ પડાવી હોવાનું ખુલ્યું છે. આ રકમ સાયબર ગુનાની હોવા છતાં પણ કલ્યાણ ગીરી દ્વારા સગેવગે કરી
હોવાથી પોલીસ દ્વારા સાયબર માફિયાઓ સાથે મિલી ભગત મામલે કલ્યાણ ગીરી સામે ગુનો નોંધ્યો છે.
કલ્યાણ ગીરી જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલ અવધૂત આશ્રમ ના મહંત મહાદેવ ગીરીબાપુ ના શિષ્ય હોવાનું પણ સામે આવ્યું છે.એસ ઓ જી દ્વારા તેની અટકાયત કરી
પૂછપરછ પણ કરવામાં આવી હતી. તાલુકા પોલીસમાં કલ્યાણગીરીના ત્રણ અને બાલકૃષ્ણ ગીરી ગૌ સેવા ટ્રસ્ટના ચાર સહિત કુલ સાત એકાઉન્ટ દ્વારા લાખોની હેરાફેરીના બનાવ અંગે
પોલીસે કલ્યાણ ગીરી ની ધરપકડ ની તજવીજ હાથ ધરી છે.
બ્રાન્ડી વાઈન કંપનીમાં રોકાણ, ડિજિટલ એરેસ્ટ સહિતના ડર બતાવી નાણાંની હેરાફેરી
કલ્યાણ ગીરીના મ્યુલ બેંક ખાતાની તપાસ કરતા તેમાં તમિલનાડુના યુવકને બ્રાન્ડી વાઇન કંપનીમાં રોકાણ કરવાની લાલચ આપી સાયબર ગઠિયાઓએ ૧.૩૪ કરોડ પડાવ્યા હતા, આ
ઉપરાંત ડિજિટલ એરેસ્ટના માધ્યમથી ઉત્તર પ્રદેશના યુવકને ફસાવી તેની પાસેથી રૂ.૬.૮૮ લાખ પડાવ્યા, બંગાળના યુવકને ઇન્ટરનેટ બેન્કિંગ માધ્યમથી ફસાવી ૧.૩૪ લાખ, આ
ઉપરાંત મહારાષ્ટ્રના યુવકને ટ્રેડિંગ કરવાની લાલચ આપી બાલકૃષ્ણ ગીરી ગૌ સેવા ટ્રસ્ટના ખાતામાં ૭ લાખ પડાવ્યા, ઉત્તર પ્રદેશના યુવકને ડિજિટલ એરેસ્ટમાં ફસાવી બાલકૃષ્ણ ગીરી
ગૌ સેવા ટ્રસ્ટના ખાતામાં ૬ લાખ, દિલ્હીના યુવકને ટ્રેડિંગ કરવાની લાલચ આપી બાલકૃષ્ણ ગીરી ગૌસેવા ટ્રસ્ટના ખાતામાં ૫.૨૦ લાખની રકમ, કર્ણાટકના યુવક પાસેથી ટ્રેડિંગની લાલચ
આપી ૭ લાખ, સહિત કુલ ૪૦ લાખથી વધુ ની રકમ પડાવી હોવાનું સામે આવ્યું છે.
ભવનાથમાં ચાલતા અનેક આશ્રમોની પણ પૂછપરછની સંભાવના
કલ્યાણ ગીરી સન્યાસી થયા બાદ ભવનાથ અવધૂત આશ્રમ ના મહાદેવ ગીરી બાપુના શિષ્ય તરીકે પણ કાર્યરત હતા. આ ઉપરાંત સંતો મહંતો સાથે પણ સંકળાયેલા હતા જેથી પોલીસ
દ્વારા ભવનાથ વિસ્તાર તથા જુનાગઢ જિલ્લામાં આવેલ અનેક આશ્રમો અને સેવાભાવી ટ્રસ્ટ ની પણ તપાસ થાય તેવી સંભાવના સેવાઈ રહી છે.