મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે ભાણવડ તાલુકામાં અંદાજિત રૂ.૯૮ લાખથી વધુના ખાતમુહૂર્તનો કાર્યક્રમ સંપન્ન

  • April 28, 2025 10:07 AM 

મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે ભાણવડ તાલુકામાં અંદાજિત રૂ.૯૮ લાખથી વધુ રકમના આરોગ્ય વિભાગના વિકાસ પ્રકલ્પોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન


ભાણવડ તાલુકાના મોરઝર ખાતે રૂ.૩૨ લાખ, સેવક દેવળિયા ખાતે રૂ.૩૪ લાખ તથા રૂપામોરા ખાતે રૂ.૩૨ લાખના ખર્ચે નવનિર્મિત થનાર આયુષ્માન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરાયું


ગામડાઓમાં જ આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે : મંત્રી મુળુભાઇ બેરા


 
રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાના વરદહસ્તે આજરોજ ભાણવડ તાલુકાના મોરઝર ખાતે રૂ.૩૨ લાખ, સેવક દેવળિયા ખાતે રૂ.૩૪ લાખ તથા રૂપામોરા ખાતે રૂ.૩૨ લાખના ખર્ચે નિર્મિત થનાર આયુષ્માન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે,  છેવાડાના વિસ્તારો સુધી પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ સુદ્રઢ બનાવવા નેમ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી છે જેને વધુ ઉન્નત બનાવવાનો સંકલ્પ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે. ગામડાઓમાં જ પ્રાથમિક સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે જેનું ખરું ઉદાહરણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી રહ્યું છે. 

વધુમાં મંત્રીએ કહ્યું હતું કે,  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે શરૂ કરેલ પી.એમ.જે.વાય યોજના આશિર્વાદરૂપ બની છે.  ભૂતકાળમાં લોકો સામાન્ય બીમારીથી ગભરાઈ જતા હતા જ્યારે હવે મોટી મોટી બીમારીઓ પણ સારવાર ગ્રામ્ય વિસ્તારોમાં થઈ રહી છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિગની અસરને પરિણામે વાતાવરણમાં બદલાવો આવ્યા કરે છે. પર્યાવરણના સંરક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી જતન કરવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ"એક પેડ માઁ કે નામ અભિયાન" ને રાજ્ય સરકારે વેગવંતુ બનાવી સમગ્ર રાજ્યમાં ૧૭ કરોડ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે. મારો સૌ ગ્રામજનોને ખાસ અનુરોધ છે કે ઓછામાં ઓછું એક વૃક્ષ આપણા માતા નામે વાવી રાજ્યને હરિયાળું બનાવવામાં યોગદાન આપીએ. 

ઉલ્લેખનીય છે કે, ખાતમુહૂર્ત કરવામાં આવેલા આયુષ્માન આરોગ્ય મંદિરમાં ૧૨ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ થશે. જેમાં સગર્ભા ,ધાત્રી માતાની તપાસ , બાળકો અને માતાનું રસીકરણ, કિશોર કિશોરીની સેવાઓ, વૃદ્ધ લોકોની સેવાઓ, આંખ ,કાન, નાક ,ગળું,ઓરલ ,મેન્ટલ ,પ્રાથમિક તમામ સારવાર વગેરે આ સેન્ટર ખાતે ઉપલબ્ધ થશે. 

ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમમાં મંત્રી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 

આયુષ્માન આરોગ્ય મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી.બી.ચોબીસા, નાયબ કલેકટર રિધ્ધિ રાજ્યગુરુ, મામલતદાર અશ્વિન ચાવડા, તાલુકા આરોગ્ય અધિકારી ડો.પ્રકાશ ચાંડેગ્રા, અગ્રણી પ્રદીપભાઈ બગડા, વી.ડી.મોરી, દેવશીભાઇ કરમૂર, રામશીભાઈ મારુ, દામજીભાઈ શિહોરા, ગોવિંદભાઈ કનારા, અલ્પેશભાઈ પાથર તેમજ સરપંચઓ સહિત આરોગ્ય વિભાગ કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application