26 જાન્યુઆરી અને મહા સુદ આઠમના પાવન દિવસે ખોડલધામ મંદિરે આઈશ્રી ખોડીયાર જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આઈશ્રી ખોડીયાર જયંતી નિમિત્તે ટ્રસ્ટી વિમલભાઈ
પાદરિયા દ્વારા મા ખોડલને વિવિધ મિઠાઈ, ફરસાણ, કેક, મિષ્ટાન સહિતની વાનગીઓનો 56 ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. મા ખોડલને આ દિવસે વિશિષ્ટ આભૂષણો અને ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. આ પાવન દિવસે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મા ખોડલના પાવન દર્શન અને અન્નકૂટ દર્શનનો અમૂલ્ય લ્હાવો લેવા પહોંચ્યા હતા.
આઈશ્રી ખોડિયાર જયંતીના પાવન દિવસે ટ્રસ્ટી વિમલભાઈ પાદરીયા અને તેમના પરિવાર દ્વારા ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા નિર્માણ પામી રહેલા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં 1,11,11,111 (એક કરોડ 11 લાખ 11 હજાર 111 રૂપિયા)નું ભૂમિદાન જાહેર કરવામાં આવ્યું હતું. તેઓએ પરિવાર સાથે ખોડલધામ મંદિરેમા ખોડલના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને આ ભૂમિદાનની જાહેરાત કરી હતી. વિમલભાઈ પાદરીયા અને તેઓના પરિવારના આ નિર્ણયની સમગ્ર ટ્રસ્ટી મંડળે સરાહના કરી હતી.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી
26મી જાન્યુઆરીના રોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખોડલધામ મંદિરે સ્ટાફગણ, શ્રદ્ધાળુઓ અને ટ્રસ્ટીઓની હાજરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે રાજકોટ શહેરના સરદાર પટેલ ભવન ખાતે પણ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. આ ઉપરાંત સોમનાથ સ્થિત શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન ખાતે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવીને હર્ષભેર 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો હતો.