કાલાવડ રોડ કણકોટ વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા મુકેશભાઈ ઉઘરેજા (ઉ.વ ૨૬) નામના યુવકનું ગઈ તા.7 ના સાંજે ખોખડદળ ગામ પાસેના મેલડી માતાના મંદિર નજીકથી ચાર અજાણ્યા શખસો છરી બતાવી કારમાં અપહરણ કરી ગયા હતા. બનાવને બે દિવસ વીત્યા બાદ પણ અપહ્યત યુવાનનો કોઈ પતો લાગ્યો નથી. ત્યારે આરોપીઓને શોધી કાઢવા અને યુવાનને મુક્ત કરાવવા આજીડેમ પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે
અપહરણના આ બનાવ અંગે કણકોટ કોળીવાસ એન્જિનીયરીંગ કોલેજ પાસે રહેતાં પૂજાબેન મુકેશભાઇ ઉધરેજા (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદી પૂજાબેન ઉઘરેજાએ જણાવ્યું હતું કે, તા. ૦૭/૦૨/૨૦૨૬ના રોજ બપોરે તેમના પતિ મુકેશભાઈ અને તેમના મિત્રો અરૂણભાઈ રાઠોડ, વિજયભાઈ ઉકેળીયા તથા વિજય મહતો પોતાની સ્વિફટ કાર જીજે૩૬આર-૭૯૪૮ લઈને શાપર ગયા હતા. સાંજે ચાર વાગ્યે મુકેશભાઈએ પત્નિને ફોન કરીને કહ્યું હતું કે આજે રસોઈ બનાવતી નહીં, આપણે બહાર જમવા જઈશું. જો કે સાડા સાત વાગ્યા બાદ મુકેશભાઈનો ફોન બંધ આવવા લાગતા પરિવાર ચિંતામાં મુકાયો હતો.
મુકેશભાઈના મિત્ર અરૂણ ઉર્ફે ગીડીએ પરિવારને આપેલી માહિતી મુજબ તેઓ શાપરથી પરત ફરતા હતા ત્યારે ખોખડદળ મેલડી માતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. આ સમયે સાંજના પોણા સાત વાગ્યાના અરસામાં એક સિલ્વર કલરની કારે તેમની ગાડી આંતરી હતી. કારમાંથી નીચે ઉતરેલા એક શખસે ઈશારાથી ગાડી ઉભી રખાવી હતી. ત્યારબાદ બીજી કારમાંથી અન્ય ત્રણ માણસો નીચે ઉતર્યા હતા. આરોપીઓએ ગાડીમાં સવાર મુકેશભાઈ અને તેના મિત્રોને નીચે ઉતારવા દબાણ કર્યું હતું. મુકેશભાઈ નીચે ન ઉતરતા એક શખસે છરી બતાવી ગાળો આપી તેમને ખેંચીને બહાર કાઢયા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. મુકેશભાઈના મિત્રો તેમને છોડાવવા વચ્ચે પડતા આરોપીઓએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પથ્થરમારો કર્યો હતો, જેના કારણે મિત્રો થોડે દૂર જતા રહ્યા હતા. તકનો લાભ લઈ ચારેય અજાણ્યા શખસો મુકેશભાઈને તેમની જ સ્વિફટ કારમાં બળજબરીથી બેસાડી, બંને કાર લઈ અંધારામાં ફરાર થઈ ગયા હતા.
આજીડેમ પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઅઇ એસ. એલ. ગોહિલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ ચકાસવા અને આરોપીને શોધી અપહૃતને મુક્ત કરાવવા તપાસ શરૂ કરી છે. પોલીસ અપહૃતના મિત્રોની પણ પુછતાછ કરી રહી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમના પતિને કોઈ સાથે માથાકૂટ હોય તેવું તેમને ધ્યાન આવતુ નથી.ત્યારે યુવાનનું અપહરણ કયા કારણસર અને કોણે કર્યું તે અંગે તપાસ હાથ ધરી યુવાનને મુક્ત કરાવવા પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે.
પૈસાની લેતીદેતીમાં યુવાનનું અપહરણ થયાની શંકા
અપહરણના આ બનાવ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, યુવાનનુ અપહરણ કરનાર કોણ અને તેનું અપહરણ કયા કારણોસર કરવામાં આવ્યું? તે અંગે પરિવારજનો અજાણ છે. પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં પૈસાની લેતીદેતીમાં યુવાનનું અપહરણ થયું હોવાની શંકા સેવાય રહી છે.