રાજકોટના ખોખડદડ પાસેથી યુવાનનું કારમાં અપહરણ થયાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. યુવાનનું અપહરણ કરી ચોટીલાના ઝીંઝુડાના જંગલામાં લઇ ગયા હતાં. અહીંથી યુવાનના પરિવાર પાસે ખંડણી મંગાઇ હતી. બાદમાં ખંડણીની રકમ લેવા માટે બે કારમાં અપહરણકારો મેટોડા આવતા હતા ત્યારે પોલીસ નજીક હોવાની ભનક લાગી જતા યુવાનને છરીનો ઘા ઝીંકી આરોપીઓ નાસી ગયા હતાં. યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસે અપહરણ મામલે એક આરોપીને સંકજામાં લીધો હોવાનું માલુમ પડયું છે.
કણકોટ કોળીવાસ એન્જિનીયરીંગ કોલેજ પાસે રહેતાં પૂજાબેન મુકેશભાઇ ઉધરેજા (ઉ.વ.૨૬) દ્વારા આ બનાવ અંગે નોંધવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. ૭ ના બપોરે તેમના પતિ મુકેશભાઈ અને તેમના મિત્રો અરૂણભાઈ રાઠોડ, વિજયભાઈ ઉકેળીયા તથા વિજય મહતો પોતાની સ્વિફટ કાર જીજે૩૬આર-૭૯૪૮ લઈને શાપર ગયા હતા.બાદમાં સાંજની તેનો ફોન સ્વીચઓફ થઇ ગયો હતો.
મુકેશભાઈના મિત્ર અરૂણ ઉર્ફે ગીડીએ જણાવ્યું હતું કે, શાપરથી પરત ફરતા હતા ત્યારે ખોખડદળ મેલડી માતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. આ સમયે સાંજના પોણા સાત વાગ્યાના અરસામાં એક સિલ્વર કલરની કારે તેમની ગાડી આંતરી હતી. કારમાંથી નીચે ઉતરેલા એક શખસે ઈશારાથી ગાડી ઉભી રખાવી હતી. ત્યારબાદ મુકેશભાઈ નીચે ન ઉતરતા એક શખ્સે છરી બતાવી ગાળો આપી તેમને ખેંચીને બહાર કાઢયા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો.બાદમાં ચારેય અજાણ્યા શખસો મુકેશભાઈને તેમની જ સ્વિફટ કારમાં બળજબરીથી બેસાડી, બંને કાર લઈ અંધારામાં ફરાર થઈ ગયા હતા.
અપહરણના આ ગંભીર બનાવને લઇ ડીસીપી ઝોન-૨ હેતલ પટેલના માર્ગદર્શન હેઠળ આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ. બી. જાડેજા અને એલસીબી ઝોન-૧ પીએસઆઈ એમ.કે મોવલિયાની રાહબરીમાં સીસીટીવી ફૂટેજ ચકાસવા અને આરોપીને શોધી અપહૃતને મુક્ત કરાવવા તપાસ શરૂ કરી હતી.
આરોપીઓ યુવકનું અપહરણ કરી ચોટીલા તરફ ગયાનું સામે આવતાં પોલીસની ટીમ ચોટીલા અને બાદમાં નજીકમાં આવેલ ઝીંઝુડાના જંગલમાં તપાસ શરૂ કરી હતી. જો કે, શાતીર આરોપીઓને પોલીસ પાછળ હોવાની ગંધ આવતાં તેઓએ ત્યાંથી જ અપહ્યત યુવકના પરિવારને ફોન કરી રૂ.૧૦ લાખની ખંડણી માંગી હતી. જેથી યુવકના પરિવારે હા પાડતાં મેટોડા જીઆઇડીસી નજીક ખંડણી લેવાનું નક્કી થયું હતું.
જે બાદ તે બાબબતની પોલીસને પણ જાણ થતાં એક ટીમ મેટોડા જીઆઈડીસી નજીક વોચમાં ગોઠવાઈ હતી, તે દરમિયાન ખંડણી લેવાં આવેલ આરોપીઓને પોલીસ પાછળ હોવાની ભનક લાગતા યુવકને છરીનો ઘા ઝીંકી બે કારમાં નાસી છૂટ્યા હતાં. જો કે, તેની પાછળ જ રહેલ પોલીસને માધાપર ચોકડી નજીકથી ગેંગના મુખ્ય સૂત્રધારને સકંજામાં લઈ કાર પણ કબજે કરી હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
કાલાવડમાં બનેલી ખૂની હુમલાની ઘટના અપહરણ માટે કારણભૂત હોવાની શંકા
છ મહિના પહેલાં કાલાવડ પંથકમાં ખૂની હુમલાની ઘટના બની હતી. જેમાં હાલ અપહરણ થયેલ યુવક અને આરોપીઓ સંડોવાયેલા હોવાનું પણ સામે આવ્યું હતું. જે હત્યાનો પ્રયાસનો બનાવ થયો હતો તેમાં આરોપીઓને યુવક પાસેથી રૂપીયા લેવાના નીકળતાં હોય જે રૂપીયા યુવક આપતો ન હોય જેથી અપહરણ કરી ખંડણી માંગી હોવાની શંકા સેવાઇ રહી છે. જેથી પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.