જૂનાગઢ જિલ્લામાં આવેલ પવિત્ર ભવનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિના પાવન અવસર પર યોજાતા ભવ્ય મેળાના અંતિમ દિવસે એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. ભૂતકાળમાં અનેક વિવાદોમાં ઘેરાઈ ચૂકેલી અને જેલવાસ ભોગવી ચૂકેલી કીર્તિ પટેલે શાહી સ્નાન દરમિયાન મૃગીકુંડમાં પ્રવેશ કરી વિવાદ ઊભો કર્યો હતો. ઘટનાને પગલે સાધુ-સંતોમાં તેમજ ઉપસ્થિત ભક્તોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે સ્નાન કરતી નજરે પડી
મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે પરંપરાગત રવેડી પૂર્ણ થયા બાદ સાધુ-સંતો મૃગીકુંડ ખાતે શાહી સ્નાન માટે એકત્રિત થયા હતા. એ સમયે કીર્તિ પટેલ ભગવા વસ્ત્રોમાં ત્યાં પહોંચી હતી. સાધુઓની વચ્ચે પ્રવેશ કરીને તેણે મૃગીકુંડમાં ડૂબકી લગાવી અને ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે સ્નાન કરતી નજરે પડી હતી. સાધુઓ માટે આરક્ષિત માનવામાં આવતી શાહી સ્નાનવિધિ દરમિયાન એક સામાન્ય વ્યક્તિએ આ રીતે પ્રવેશ કરવાથી તંત્ર અને સંતસમાજમાં અસંતોષ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતા જ તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું
ઘટનાની જાણ થતા જ તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું હતું. સ્થળ પર હાજર અધિકારીઓએ કીર્તિ પટેલને મૃગીકુંડમાંથી બહાર કાઢી દૂર હટાવી હતી. ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા વધારાની તકેદારી પણ રાખવામાં આવી હતી.
દુઃખદ બાબત છે
મેંદરડા ખાખમઢીના સુખરામદાસ બાપુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રવેડી બાદ સાધુ-સંતો માટે શાહી સ્નાન એક પવિત્ર અને પરંપરાગત વિધિ છે. આવા પ્રસંગે સાધુવેશ ધારણ કરીને અન્ય લોકો સ્નાન કરે તે દુઃખદ બાબત છે. તેમણે કહ્યું કે પરંપરાની મર્યાદા જળવાઈ રહે તે જરૂરી છે.
તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે મીડિયાને જણાવ્યું હતું કે સમગ્ર મામલે સાધુ-સંતો સાથે ચર્ચા કરવામાં આવશે. શાહી સ્નાન સંબંધિત નીતિ-નિયમોની સમીક્ષા કરવામાં આવશે અને જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા ધાર્મિક લાગણી દુભાય તેવી ઘટના બની હોવાનું સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની
મહાશિવરાત્રિના પવિત્ર મેળામાં બનેલી આ ઘટના સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની છે. અનેક લોકોએ આ ઘટનાને પરંપરા વિરુદ્ધ ગણાવી છે, જ્યારે કેટલાક લોકો દ્વારા આ મુદ્દે અલગ-અલગ પ્રતિભાવ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. હાલ તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.