આવતીકાલે પતંગોત્સવની સાથે રાજકોટમાં ક્રિકેટનો રોમાંચ જોવા મળશે, ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વન-ડે, ડે નાઈટ મેચ રમાવા જઈ રહી છે. જેને લઈને આજે સવારે ન્યુઝીલેન્ડની ટીમ ફોર્ચ્યયુન હોટેલથી સ્ટેડિયમે આવી પહોંચી હતી અને નેટ પ્રેક્ટિસ કરી પરસેવો પાડ્યો હતો. જેમાં માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, મિચેલ હે (વિકેટકીપર), ઝાકરી ફોલ્કેસ, ક્રિસ્ટિયન ક્લાર્ક, કાઇલ જેમીસન અને આદિત્ય અશોક સહિતના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા હતા.જયારે ભારતની ટીમ આજે બપોર બાદ સયાંજી હોટેલથી સ્ટેડિયમેં પહોંચી નેટ પ્રેક્ટિસ કરશે. આવતીકાલનો મુકાબલો ભારત માટે વન-ડે શ્રેણી જીતવાનો છે જયારે ન્યુઝીલેન્ડ શ્રેણી બચાવવા મેદાને ઉતરશે.
કિવી ટીમના અનુભવી બેટ્સમેન હેનરી નિકોલ્સે પત્રકાર પરિષદમાં મહત્વના નિવેદનો આપ્યા હતા. પ્રથમ મેચમાં મળેલી હાર બાદ પણ નિકોલ્સ આત્મવિશ્વાસથી ભરેલો જોવા મળ્યો હતો અને આગામી મેચો માટે ટીમની રણનીતિ સ્પષ્ટ કરી હતી.
અમારી ટીમમાં ઘણા નવા ખેલાડીઓ
નિકોલ્સે જણાવ્યું કે ટીમમાં ઘણા નવા ખેલાડીઓ છે અને ભારતના દિગ્ગજ ખેલાડીઓ (વિરાટ કોહલી અને રોહિત શર્મા) સામે રમવું એ તેમના માટે શીખવાની એક સુવર્ણ તક છે. ભારતીય પરિસ્થિતિઓમાં તેમની બેટિંગ શૈલીને જોવી અને તે મુજબ બોલિંગમાં ફેરફાર કરવા એ એક મોટો પડકાર છે. "ગ્લેન તેની રમત પર ખૂબ મહેનત કરે છે. તે એક 'એક્સ-ફેક્ટર' ખેલાડી છે. જો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ડાબા હાથે બેટિંગ કરતો જોવા મળે તો મને નવાઈ નહીં લાગે.

પ્રથમ વન-ડેમાં અમે ૨૦ રન ટૂંકા પડ્યા હતા
પ્રથમ વન-ડેમાં ૩૦૦ રન કરવા છતાં હાર મળી તે અંગે તેણે કબૂલાત કરી હતી કે, "અમે ૨૦ રન ટૂંકા પડ્યા હતા. જો ટોપ ઓર્ડરમાંથી કોઈ એક ખેલાડી લાંબી ઈનિંગ રમે અને ડેથ ઓવરમાં વિકેટ બચાવી રાખીએ તો અમે મોટો સ્કોર ઊભો કરી શકીએ છીએ. ૩૪મી ઓવર પછી જ્યારે બોલ બદલવામાં આવે છે અથવા સોફ્ટ થઈ જાય છે ત્યારે રન બનાવવા મુશ્કેલ બને છે. આ બાબતે કિવી ટીમ હવે નવી રણનીતિ બનાવશે જેથી મધ્ય ઓવરોમાં વધુ રન એકત્ર કરી શકાય. અમે પ્રથમ મેચની હારમાંથી ઘણું શીખ્યા છીએ. ખાસ કરીને બોલરોએ જે રીતે પુનરાગમન કર્યું તે પ્રશંસનીય છે. હવે અમારું ધ્યાન બીજી મેચમાં સીરીઝ જીતવા પર રહેશે.

રાજકોટની પીચ બેટીંગ હોવાથી રનનો વરસાદ જોવા મળશે
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે રમવામાં આવેલી મેચ તરફ નજર કરીએ તો ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં ચાર વનડે મેચ રમાઈ ચૂકી છે. જેમાં ટીમ ઈન્ડિયાની એકમાં જીત જ્યારે ત્રણમાં હાર થઈ છે. રાજકોટની પીચ બેટીંગ હોવાથી રનનો વરસાદ જોવા મળશે.

સાંજના 5.30 વાગ્યે ભારતની ટિમ નેટ પ્રેક્ટિસ કરશે
જ્યારે સાંજના 5.30 વાગ્યે ભારતની ટિમ નેટ પ્રેક્ટિસ કરવાની છે. જેમાં શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવીન્દ્રા જાડેજા, કુલદિપ યાદવ, અર્શદિપ સિંઘ, મોહમ્મદ સિરાજ, અને પ્રસિદ્ધ ક્રિષ્ના સહિતના ખેલાડીઓ નેટ પ્રેક્ટિસ કરવા મેદાન પર પહોંચશે. રિષભ પંત બાદ વોશિંગટન સુંદર પણ ઈજાગ્રસ્ત થતા તે પણ રાજકોટમાં આવતીકાલની મેચ રમી શકશે નહિ જયારે પંતની જગ્યાએ ધ્રુવ જુરેલને સ્થાન આપવામાં આવ્યું છે.
પતંગોત્સવની સાથે ક્રિકેટ ફીવર
આવતીકાલે પતંગોત્સવની સાથે ક્રિકેટ ફીવર હોવાથી લોકો સવારે પતંગની મજા માણસે અને બપોરે મેચની મજા માણતા જોવા મળશે. જેને લઈને ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.