સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ મળેલી બેઠકમાં વરિષ્ઠ ન્યાયાધીશોની બદલીની ભલામણ કરી હતી. આ નિર્ણય હેઠળ ઓરિસ્સા હાઇકોર્ટના જસ્ટિસ માનશ રંજન પાઠકની ગુજરાત હાઇકોર્ટમાં અને જસ્ટિસ ક્રૃષ્ણા રામ મોહાપાત્રાની છત્તીસગઢ હાઇકોર્ટમાં બદલી કરવામાં આવી છે.
જસ્ટિસ માનશ રંજન પાઠકનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૯૬૫ના રોજ ગુવાહાટી ખાતે થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ હરિપ્રિયા વિદ્યાપીઠ (કુમારપારા, ગુવાહાટી) અને માધ્યમિક શિક્ષણ એમ.સી. એમ.ઈ. સ્કૂલ (ઉઝાનબજાર, ગુવાહાટી)માંથી મેળવ્યું હતું. ત્યારબાદ તેમણે કેન્દ્રીય વિદ્યાલય (અંબારી અને ખાનાપારા, ગુવાહાટી)માંથી ઉચ્ચ માધ્યમિક અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
તેમણે બેંગલોર યુનિવર્સિટી હેઠળ આવેલી સેન્ટ જોસેફ કોલેજ, બેંગલોરથી આર્ટસમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ ગૌહાટી યુનિવર્સિટી સંલગ્ન ગવર્નમેન્ટ લો કોલેજ (પાનબજાર, ગુવાહાટી)માંથી તેમણે એલ.એલ.બી. (LLB)ની ડિગ્રી મેળવી હતી.
અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશની બાર કાઉન્સિલમાં એડવોકેટ તરીકે પોતાની નોંધણી કરાવીને કાયદાકીય ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી હતી.