BREAKING NEWS

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દીકરી, સામાજિક ઉદ્યોગસાહસિક... જાણો ખોડલધામ સંગઠનના અધ્યક્ષ અનાર પટેલ વિશે બધું જ

  • January 21, 2026 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ 2026 દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે અનાર પટેલને ખોડલધામ સંગઠનનાં અધ્યક્ષ તરીકે જાહેર કર્યાં હતા. અનાર પટેલ છેલ્લા 34 વર્ષથી સેવા કાર્ય સાથે જોડાયેલા છે. તેઓ શિક્ષણ, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર કામ કરી રહ્યા છે. અનાર પટેલની ઓળખ સામાજિક ઉદ્યોગસાહસિક તરીકે થાય છે. તેઓ રિયલ એસ્ટેટ બિઝનેસમાં સક્રિય છે, પરંતુ તેઓ લાંબા સમયથી મહિલા સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છે.


પદ્મશ્રી ઈશ્વરભાઈ પટેલની પુત્રવધૂ

અનાર પટેલ જાણીતા સમાજસેવિકા, માનવ સાધના ટ્રસ્ટના સહ-સ્થાપિકા છે. તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અને પદ્મશ્રી ઈશ્વરભાઈ પટેલની પુત્રવધૂ છે. બી.એસસી. અને એમબીએ (નિરમા યુનિવર્સિટી) કર્યું છે. તેઓએ કુટુંબના સહયોગથી માનવ સાધના ટ્રસ્ટની સ્થાપના કરી, જે આજે 7000થી વધુ લાભાર્થીઓ સુધી સેવાઓ પહોંચાડી રહ્યું છે. હસ્તકલા અને મહિલા સશક્તિકરણ માટે "ગ્રામશ્રી" અને "ક્રાફ્ટરુટ્સ"ની સ્થાપના કરી, જે અત્યાર સુધીમાં દેશના 21 રાજ્યોના 35000થી વધુ કારીગરોને રોજગારી આપી ચૂક્યું છે.


2001ના ભૂકંપ પછી કચ્છના 5 ગામો દત્તક લઈ પુનઃનિર્માણ કર્યું

અનાર પટેલે 2001ના ભૂકંપ પછી કચ્છના 5 ગામો દત્તક લઈ પુનઃનિર્માણનું મહત્વપૂર્ણ કામ કર્યું હતું. આનંદીબેન પટેલનાં પુત્રી અનાર પટેલ લેઉવા પાટીદારોની ધાર્મિક સંસ્થા ખોડલધામનાં ટ્રસ્ટી પણ રહી ચૂક્યાં છે. ખોડલધામ પાટોત્સવના સમારોહમાં નવા બનાવાયેલા 43 ટ્રસ્ટી પૈકી અનાર પટેલનો સમાવેશ કરાયો હતો. અગાઉ અનાર પટેલ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે અને વિધાનસભાની ચૂંટણી લડશે એવી વહેતી થયેલી વાતો બાદ તેમણે ખોડલધામના રસ્તે સમાજકારણમાં પ્રવેશ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application