ભારત સરકારે વીમા ક્ષેત્રમાં ૧૦૦ ટકા સીધા વિદેશી રોકાણ (FDI) ને મંજૂરી આપ્યા બાદ હવે વૈશ્વિક સ્તરે હલચલ તેજ થઈ છે. દક્ષિણ કોરિયાની અગ્રણી વીમા કંપનીઓ હવે ભારતના આશરે ૧૩૦ અબજ ડોલરના વિશાળ વીમા બજારમાં પ્રવેશવા માટે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સેમસંગ, હ્યુન્ડાઇ અને મિરાએ એસેટ જેવી દિગ્ગજ કંપનીઓ ભારતીય બજારમાં એન્ટ્રી કરવા માટે પ્રારંભિક સ્તરની મંત્રણા કરી રહી છે.
પ્રથમ વખત ભારતીય વીમા બજારમાં કોરિયન કંપનીઓનો પગપેસારો
દક્ષિણ કોરિયાની કંપનીઓ ભારતમાં ઓટોમોબાઈલ (Hyundai) અને ઈલેક્ટ્રોનિક્સ (Samsung) ક્ષેત્રે પહેલેથી જ મજબૂત પકડ ધરાવે છે. પરંતુ આ પ્રથમ વખત હશે જ્યારે આ દેશની વીમા કંપનીઓ સીધી રીતે ભારતીય વીમા ક્ષેત્રમાં ડગ માંડશે. તાજેતરના મહિનાઓમાં આ કંપનીઓના પ્રતિનિધિઓએ ભારતીય વીમા નિયામક IRDAI, બજાર સલાહકારો અને સ્થાનિક વીમા કંપનીઓ સાથે મુલાકાત કરી છે. આ કંપનીઓ ભારતમાં જોઈન્ટ વેન્ચર (JV), સીધું રોકાણ અથવા તો કોઈ સ્થાનિક કંપનીના અધિગ્રહણ દ્વારા પ્રવેશવાની યોજના બનાવી રહી છે.
કોણ કયા ક્ષેત્રમાં ઉતરશે?
દરેક કોરિયન કંપનીની નજર ભારતના અલગ-અલગ વીમા સેગમેન્ટ પર છે. આ કંપનીઓની મુખ્ય રુચિ નોન-લાઈફ ઈન્સ્યોરન્સ (સામાન્ય વીમો) માં છે. તેઓ વાહન વીમો, હેલ્થ ઈન્સ્યોરન્સ અને પ્રોપર્ટી વીમા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
મિરાએ એસેટ (Mirae Asset)
આ ગ્રુપ પહેલેથી જ ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં સફળ છે. હવે તેઓ લાઈફ ઈન્સ્યોરન્સ, રિટાયરમેન્ટ પ્લાન અને એન્યુટી પ્રોડક્ટ્સ પર ફોકસ કરવા ઈચ્છે છે.
શા માટે ભારત બની રહ્યું છે આકર્ષક કેન્દ્ર?
ભારતીય વીમા બજારમાં વૃદ્ધિની અપાર સંભાવનાઓ હોવાનું મુખ્ય કારણ વીમાની ઓછી પહોંચ છે. ૨૦૨૪ના આંકડા મુજબ, ભારતમાં કુલ વીમા પ્રીમિયમ જીડીપીના માત્ર ૩.૭ ટકા છે, જે વૈશ્વિક સરેરાશ કરતા ઘણું ઓછું છે. આ ગેપ વિદેશી કંપનીઓ માટે મોટી તક સમાન છે. વીમા ક્ષેત્રમાં લવાયેલા નવા કાયદાઓ અને પારદર્શિતાને કારણે વિદેશી રોકાણકારોનો ભરોસો વધ્યો છે.
પડકારો પણ ઓછા નથી
જોકે, ભારતીય બજારમાં પ્રવેશવું અને ટકી રહેવું કોરિયન કંપનીઓ માટે એટલું સરળ પણ નહીં હોય. ભારતીય વીમા બજારમાં એશિયાની અન્ય મલ્ટીનેશનલ કંપનીઓની સરખામણીએ માર્જિન ઓછું છે. અહીં એજન્ટોનું ઊંચું કમિશન અને સ્થાનિક કંપનીઓ (જેમ કે LIC, HDFC, ICICI) સાથેની તીવ્ર સ્પર્ધા મોટા પડકારો સાબિત થઈ શકે છે.