BREAKING NEWS

કોટડા સાંગાણીના પીપલાણાની પરિણીતાને શંકાશીલ પતિ,નણંદ અને જેઠાણીનો ત્રાસ

  • February 09, 2026 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
હાલ જસદણના રાણીંગપર ગામે માવતરના ઘરે રહેતી પરિણીતાએ કોટડા સાંગાણીના પીપલાણા ગામે રહેતા પતિ અને બેડલા ગામે રહેતી નણંદ તથા જેઠાણી વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પરિણીતા અહીં માવતરના ઘરે આવી હતી. દરમિયાન ત્રણયે અહીં વાડીએ આવી પરિણીતાતાને મારમાર્યો હતો.


જસદણ તાલુકાના રાણીંગપર ગામે રહેતી નીતાબેન (ઉ.વ 32) નામની પરિણીતાએ ભાડલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ મહેશ રઘુભાઈ કુકડીયા તથા બેડલા ગામે રહેતા નણંદ દયાબેન વિશાલભાઈ સોરાણી અને જેઠાણી વસંતબેન સોરાણીના નામ આપ્યા છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ તા. 19/10/2019 ના કોટડા સાંગાણી તાલુકાના પીપલાણા ગામે રહેતા મહેશ કુકડીયા સાથે તેના લગ્ન થયા હતા.લગ્નજીવન થકી સંતાનમાં છ મહિનાનો પુત્ર શિવાન્સ છે. લગ્નના એકાદ વર્ષ સુધી પતિએ સારી રીતે રાખ્યા બાદ પતિ ચારિત્ર બાબતે શંકા કરી અને ઘરકામ બાબતે અવારનવાર કહેતો હતો કે તું ઘરનું કામ સરખું કરતી નથી તેમ કહી બોલાચાલી કરી માથાકૂટ કરતો હતો. નણંદ દયાબેન પણ ઘરે અવારનવાર આવતા અને પતિને કહેતા હતા કે આને ઘરનું કામ સરખું આવડતું નથી તેમ કહી પરિણીતા વિરુદ્ધ પતિની ચડામણી કરતી હતી. પતિ બોલાચાલી અને માથાકૂટ કરી ઢીકાપાટુનો માર મારતો હતો પરંતુ પરણીતાને ભવિષ્યમાં સારૂ થઈ જશે તેવું માની આ બધું સહન કર્યું હતું.


ત્રણેક મહિના પૂર્વે પરિણીતાથી દુઃખ ત્રાસ સહન ન થતાં પોતાના પુત્રને લઈ માવતરના ઘરે આવી ગઈ હતી. દરમિયાન પતિ અને નણંદ દયાબેન તથા જેઠાણી વસંતબેન બધા અહીં આવ્યા હતા અને કહ્યું હતું કે ક્યાં ગયો મારો છોકરો? તેમ કહી બોલાચાલી કરી ત્રણેય ઢીકાપાટુનો મારમાર્યો હતો. પરિણીતાએ બૂમાબૂમ કરતા તેની માતા તથા પિતા આવી જતા આ ત્રણે અહીંથી જતા રહ્યા હતા જેથી અંતે પરણીતાએ પતિ નણંદ અને જેઠાણી વિરુદ્ધ ભાડલા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application