કૃષ્ણએ ક્રોધને પણ જીત્યો હતો

  • September 22, 2023 02:10 PM 

ભાગવદ્ ગીતામાં અનાસક્ત વ્યક્તિ માટે કહે છે, સમ: શત્રૌ ચ મિત્રે તથા માનાપમાનયો. શિતેષ્ણ સુખદુ:ખેષુ સમ: સંગ વિવર્જિત. જે શત્રુ અને મિત્રો પ્રત્યે સમાન ભાવ રાખે છે, માન અને અપમાનમાં સમાન ભાવે રહે છે, અપમાનથી વિચલિત ક્રોધિત નથી થતો અને માન મળવાથી ફુલાઇ નથી જતો, ઠંડા અને ગરમ, સુખ અને દુ:ખમાં જે સમાજ ભાવ જાળવી રાખે છે, આસકિત રહિત રહે છે. કૃષ્ણ આવું કહેતા માત્ર નથી, એને યથાતથ જીવીને, પોતાનાં જ જીવનમાં કસોટી પર કસી જોઇને પછી જ, અનુભવ્યા પછી જ બોલે છે. મહાભારતમાં યુધિષ્ઠિરે વિજય બાદ ભીષ્મ પિતામહ પાસેથી જ્ઞાન મેળવ્યું તે શાંતિપર્વના ચાર ભાગ અને અનુશાસન પર્વના બે ભાગ મળીને કુલ છ ભાગ, છ પુસ્તકોમાં પથરાયેલું છે. આ જ્ઞાનના અંત તરફ, અનુશાસન પર્વના અંતે ભીષ્મે વધુ એક પ્રશ્ર્ન કૃષ્ણને સોંપ્યો અને કૃષ્ણએ ઉત્તરમાં પોતાની સાથે બનેલી એક કથા કહી.


એક વખત દુર્વાસા મુનિ દ્વારકામાં આવ્યા. તેમનો વર્ણ લીલાશ પડતો, માંજરો, કંઇક અંશે પિંગળો હતો. એમણે ચિંથરાં પહેર્યા હતાં. હાથમાં બીલીના લાકડાંનો દંડ ધારણ કર્યો હતો. દાઢી, મૂછ અને નખ વધેલા હતાં. પૃથ્વીમાં લાંબામાં લાંબા માણસ કરતા તેઓ વધુ લાંબા હતાં. એ મુનિ દિવ્ય લોકથી માંડીને પૃથ્વીલોક સુધી વિચરતા રહેતા હતાં અને પોતાના માટે એવું ગાયા કરતા કે મારો ગુસ્સો ભયંકર છે, મને કોપાવવો નહીં, ગમે ત્યારે ભયંકર ક્રોધ કરનાર મને, દુર્વાસાને કોણ પોતાને ત્યાં આશરો આપશે ? ગુસ્સે થાય તો યજમાનનું ધનોત પનોત કાઢી નાખે એવી પ્રસિધ્ધિ એમની હતી એટલે તેમને સામેથી સત્કારીને પોતાને ત્યાં અતિથિ બનાવતાં દરેક અચકાતા. એમને કોઇ આદર સત્કાર આપતું નહોતું. કૃષ્ણએ તેમને યોગ્ય સન્માન કરીને પોતાને ત્યાં અતિથિ તરીકે સત્કાર્યા. દુર્વાસા મુનિ કયારેક હજારો મનુષ્ય જેટલું અન્ન આરોગી જતાં તો કયારેક સાવ અલ્પ ભોજન લેતાં. કયારેક બહાર જતા તો ઘરે પરત પણ ન આવતા અને તેમની રાહ જોવી પડતી જેથી તેઓ કોપાયમાન ન થાય. કયારેક તે મોટેથી હસવા માંડતા તો કયારેક રડવા માંડતા. તે સમયે તેમના જેટલી ઉંમરવાળો અન્ય કોઇ પુરુષ પૃથ્વી પર નહોતો. એકવાર અતિથિ દુર્વાસા કૃષ્ણના નિવાસખંડમાં આવી પહોંચ્યા. ત્યાં બિછાવેલી પથારીઓ, ચાદરો અને પૂતળાંઓને બાળી નાખ્યાં અને પછી ત્યાંથી ચાલ્યા ગયા.


એક દિવસ દુર્વાસાએ અચાનક જ ઉતાવળથી કહ્યું કે હે કૃષ્ણ મારે સત્વરે ખીર ખાવી છે. કૃષ્ણને જાણ હતી કે આ મુનિ ગમે ત્યારે ગમે તેવી માગણી કરશે એટલે તેઓ સંભવ હોય એટલી તમામ તૈયારીઓ અગાઉથી કરી રાખતા. દુર્વાસા જમે કે ન જમે, તેમના માટે પુષ્કળ ભોજન સતત તૈયાર રાખવામાં આવતું હતું. એટલે જેવી દુર્વાસાએ ખીર માગી કે તરત કૃષ્ણએ ગરમા ગરમ ખીર હાજર કરી દીધી. મુનિએ તો ખીર ખાઇને કૃષ્ણને કહ્યું કે આ વધેલી ખીરથી તું તારા સમગ્ર અંગોને લીંપી નાખ. કૃષ્ણએ કશો જ વિચાર કર્યા વગર દુર્વાસાની એંઠી ખીરથી આખાં શરીરે અને મસ્તક પર લેપ કરી દીધો. તે વખતે રૂકિમણી પણ ત્યાં જ ઉભી હતી એટલે મુનિએ તેને પણ આખાં શરીરે ખીરથી લીંપી દીધી અને ખીરથી લીંપાયેલી રાણીને દુર્વાસાએ એક રથમાં ઘોડાની જગ્યાએ જોડી દીધી અને પોતે રથમાં બેસીને બહાર નીકળી ગયા. કૃષ્ણ પણ રથની પાછળ ગયા. દુર્વાસા મુનિ જેમ સારથી ઘોડાને ચાબુક મારે તેમ ‚કિમણીને ચાબુકથી ફટકારવા માંડ્યા. કૃષ્ણના દેખતાં જ ઋષિ રથમાં જોતરાયેલી ‚કિમણીને સટાસટ ચાબુક મારવા માંડ્યા છતાં કૃષ્ણએ તેમના તરફ ગુસ્સે ન થયાં. રથને લઇને દુર્વાસા દ્વારકાની ઉભી બજારે નીકળ્યા. રૂકિમણીને રથમાં જોડાયેલી જોઇને યાદવો ગુસ્સે ભરાયા અને બોલવા માંડ્યા કે આ બ્રાહ્મણ કેવો ખરાબ છે. આ તો બ્રાહ્મણ છે એટલે બચી ગયો બાકી કૃષ્ણની પટરાણીને રથમાં જોડીને ચાબુક ફટકાર્યા બાદ જગતમાં કયો પુરુષ જીવતો રહી શકે, આપણે યાદવો એના ટૂકડે ટૂકડા કરી નાખીએ.


દુર્વાસાએ દ્વારકાની બહાર નીકળ્યા પછી પણ રથ આગળ જ ચલાવવા માંડ્યો. રથના બોજથી ‚કિમણી એક વાર લથડી પડી તો દુર્વાસા તેને વધુ ફટકારીને ઝડપથી હાંકવા માંડ્યા. ‚કિમણી લથડી પડતા દુર્વાસા ક્રોધ કરીને રથમાંથી ઉતરી પડ્યા અને દક્ષિણ દીશા તરફ દોડવા માંડ્યા. ઋષિ ગયા તે સારું કર્યું એમ વિચારવાને બદલે કૃષ્ણ તેમની પાછળ દોડ્યા અને તેમને અટકાવીને નમન કરીને પ્રસન્ન કરવા પ્રયત્ન કર્યો. દુર્વાસાએ ક્રોધ સમેટી લઇને કહ્યું કે હે કૃષ્ણ, તે ખરેખર જ ક્રોધને જીતી લીધો છે અક્રોધ તારા માટે બહુ જ સહજ બની ગયો છે, તારો સ્થાયીભાવ બની ગયો છે. હું આટલો સમય તારો અતિથિ બનીને રહ્યો અને તને નારાજ કરવા માટે અનેક પ્રયત્નો કર્યા પણ તેં તારા મન પરનો કાબૂ જરાપણ ગુમાવ્યો નહીં. હે ગોવિંદ, હું તારા પર પ્રસન્ન થયો છું, હું તને ત્રણ વરદાન આપું છું. એમ કહીને દુર્વાસાએ કૃષ્ણને બે અદ્ભૂત વચન આપ્યાં: પ્રથમ, મનુષ્યનો અન્નમાં જયાં સુધી ભાવ રહેશે ત્યાં સુધી તારામાં એવો જ ભાવ રહેશે. અર્થાત, જયાં સુધી માણસને જમવા તરફ પ્રીતિ રહેશે ત્યાં સુધી, સદાકાળ, એવી જ પ્રીતિ કૃષ્ણ તરફ રહેશે. દુર્વાસાનું આ વચન આજે પણ સાચું ઠરે છે અને જયાં સુધી આ પૃથ્વી પર માનવજાતનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી સાચું જ રહેવાનું છે. બીજું વચન, તારી કીર્તિ ત્રણે લોકમાં રહેશે અને તું જગતમાં હંમેશા વિશિષ્ટ રહીશ. સર્વ લોકોને તું અતિ પ્રિય થઇ પડીશ. તારા શરીરના જે ભાગમાં ખીરનું લીંપણ કર્યું છે ત્યાં કોઇ શસ્ત્ર પ્રહાર તેને ભેદી શકશે નહીં. તું ઇચ્છીશ ત્યાં સુધી અમર રહીશ. કોઇ પ્રહાર તારા શરીરને અડી શકશે નહીં. પણ, તે તારા પગના તળિયામાં ખીર લીંપી નથી તે મને ગમ્યું નથી. તારાં શરીરનો એટલો ભાગ વીંધી શકાય એવો રહી ગયો છે. તેમણે ‚કિમણીને પણ વરદાન આપ્યું કે સર્વ સ્ત્રીઓમાં તું ઉત્તમ યશ પામીશ અને લોકોમાં પણ તને સર્વોત્તમ કીર્તિ પ્રાપ્ત થશે. તને કયારેય વૃધ્ધાવસ્થા નહીં આવે, તું સદા યુવાન જ રહીશ. રોગ કે નિસ્તેજતા તારી નજીક પણ નહીં આવે. તારા શરીરમાંથી પવિત્ર સુગંધ હંમેશા આવ્યા કરશે અને તું કૃષ્ણની સતત આરાધના કરતી રહીશ. કેશવની સોળ હજાર પત્નીઓમાં તું જ સર્વ કરતા શ્રેષ્ઠ થઇશ અને કૃષ્ણ જેવું જ માન સન્માન તને મળશે. આમ કહીને દુર્વાસા મુનિ અંતર્ધાન થઇ ગયા. કૃષ્ણ પ્રસન્ન થઇને પોતાના ઘરે ગયા તો જોયું કે દુર્વાસાએ ચીજોની તોડફોડ કરી હતી તે તમામ નવી બની ગઇ હતી.


દુર્વાસા મુનિએ ભલે કૃષ્ણની કસોટી લેવા માટે આ બધું કર્યું પણ, કૃષ્ણ માટે આ કસોટી પોતાની જાતને ચકાસવાની હતી. કોઇ વ્યક્તિ આટ આટલું કરે તો પણ જેને ગુસ્સો ન જ આવે તે ખરા જિતેન્દ્રીય, ખરા અનાસક્ત, ખરા યોગી, ખરા મુક્ત પુરુષ કહેવાય. કૃષ્ણએ બહુ ઓછી વખત ક્રોધ કર્યો છે અને એમાં પણ, કૃષ્ણએ ક્રોધ કર્યો છે, કૃષ્ણને ક્રોધ આવ્યો નથી. ગીતામાં કૃષ્ણએ જ્ઞાની, અનાસક્ત, યોગી, ભકત વગરેના જે ગુણો વર્ણવ્યાં છે તે તમામને પોતાના જ જીવનમાં તપાસી જોયા છે. કૃષ્ણ શબરી છે, પોતે ગુણ‚પી બોરને ચાખ્યા પછી જ જગતને આપ્યાં છે એટલે કૃષ્ણના શબ્દો, ગીતા સદા પ્રસ્તુત રહે છે, દરેક કાળમાં, દરેક પરિસ્થિતિમાં પ્રસ્તુત રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application