BREAKING NEWS

કૃષિ મંત્રી વાઘાણી અને ઉર્જા મંત્રી વેકરીયાના હસ્તે કુંકાવાવ બસ સ્ટેશનનું લોકાર્પણ

  • December 27, 2025 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અમરેલી જિલ્લાના કુંકાવાવ મુકામે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિ.ના નવ્ય પ્રકલ્પ કુંકાવાવ બસ સ્ટેશનનું લોકાર્પણ અને ધારી તેમજ બગસરા ડેપોના વર્કશોપનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુંકાવાવ મુકામે યોજાયેલા સમારોહમાં મંત્રીઓએ કુંકાવાવ બસ સ્ટેશનનું લોકાર્પણ કરી નાગરિકોને જરૂરી એવી સુવિધા અર્પણ કરી હતી.


આ પ્રસંગે અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કુંકાવાવ જેવા નાના ગામમાં જે પ્રકારે અત્યાધુનિક બસડેપો તૈયાર થયો છે. આ પ્રકારના બસપોર્ટ, બસ સ્ટેશનની પરીકલ્પના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. આજે રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં લાઇટ,રોડ-રસ્તા, બ્લોક. નર્મદાના નીર સહિતની માળખાગત અને જરૂરી સુવિધાઓ પહોંચી છે.

તેમણે ઉમેર્યું કે, અત્યારસુધીમાં રાજ્ય સરકારે જાહેર કરેલી રૂ. ૧૦,૦૦૦ કરોડની રાહત સહાયમાંથી રૂ. ૮,૩૩૯ કરોડ રાજ્યના ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવ્યા છે. રૂ, ૧૫,૦૦૦ કરોડની ટેકાના ભાવની ખરીદીમાંથી રાજ્યના ૩,૮૦,૭૨૨ ખેડૂતોની રૂ. ૬,૦૧૨ કરોડની જણસોની ટેકાના ભાવે ખરીદી કરી લેવામાં આવી છે. ગત રવિ સિઝન કરતાં આ રવિ સિઝનમાં ૨૬,૦૦૦ મેટ્રીક ટન ડી.એ.પીની વધુ માંગ સૂચવે છે કે રાજ્યનો ખેડૂત સ્વમાનથી લડાયક મિજાજ સાથે ફરી બેઠો થઈ રહ્યો છે.


આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ કુંકાવાવની વિકાસયાત્રાનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લો, અમરેલી વિધાનસભા મતવિસ્તાર રાજ્ય સરકાર દ્વારા મોટાહાથે મંજૂર કરવામાં આવેલા કતારબદ્ધ વિકાસકાર્યોથી હરણફાળ ભરી રહ્યો છે. કુંકાવાવમાં પ્રાથમિક શાળાઓ, સી.સી. રોડ, સનાળામાં નર્મદાના નીર, અત્યાધુનિક બસ ડેપો, અમરેલીથી કુંકાવાવ માર્ગને પહોંળા કરવાના કામ જેવા માળખાકીય કામો થઈ રહ્યા છે. આગામી ૧૦મી જાન્યુઆરીએ રૂ. ૬૭ કરોડના ખર્ચે પહોળા થનારા કુંકાવાવ અમરેલી માર્ગનું ખાતમુહૂર્ત થશે.


રાજ્ય સરકાર દ્વારા કુંકાવાવ મુકામે રૂ. ૩૨૧.૭૨ લાખના ખર્ચે ૦૪ પ્લેટફોર્મ ધરાવતું મુસાફરો માટેની બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટીંગ હોલ, ટ્રાફીક કંટ્રોલર રૂમ, કેન્ટીન, વોટર રૂમ, પાર્સલ રૂમ, ઇલેક્ટ્રીક રૂમ, સ્ટોલ, રેસ્ટ રૂમ, લેડીઝ કંડક્ટર રૂમ, શૌચાલયની સુવિધા ધરાવતું બસ સ્ટેશન તૈયાર કર્યું છે.


આ સાથે બસના સમારકામ સહિતની જરૂરી સેવાઓ માટે મેઇન્ટેનન્સ માટે આવશ્યક એવા ધારી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ધારી મુકામે રૂ. ૬૫૮.૦૦ લાખના ખર્ચે અને બગસરા મુકામે અંદાજિત રૂ. ૬૪૮.૦૦ લાખના ખર્ચે આ બસ ડેપો વર્કશોપ તૈયાર થશે. જેમાં ટાયર રૂમ, બેટરી રૂમ, એડમીન રૂમ, સ્ટોર રૂમ, ઓઇલ રૂમ, ઇલેક્ટ્રીમ રૂમ, લોંગ પીટ, યુ પીટ, વોટર રુમ જેવી સુવિધાઓ હશે. આમ કેબિનેટ મંત્રીશ્રી વાઘાણી અને રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના વરદહસ્તે રૂ. ૧૬.૨૭ કરોડના વિકાસકાર્યોનુ એસ.ટી. વિભાગના માધ્યમથી ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application