કુવાડવાની શાંતિ હોસ્પિટલમાં પ્રસુતિ બાદ માતાની તબીયત લથડતા મોત
કુવાડવાની શાંતિ હોસ્પિટલમાં પ્રસુતિ બાદ માતાની તબીયત લથડતા મોત
November 14, 2025 03:43 PM
નવાગામ રાણપુર નજીક ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતી સગર્ભાની તબિયત બગડતા કુવાડવાની શાંતિ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યાં બાળકીને જન્મ આપ્યા બાદ વધુ તબિયત બગડતા તબીબ દ્વારા ઝનાના હોસ્પિટલ ખાતે લઈ જવાનું કહેતા પ્રસુતાને ઝનાનામાં દાખલ કરવામાં આવતા તેણીએ દમ તોડી દીધો હતો. શાંતિ હોસ્પિટલમા પૂરતા સાધનો ન હોવાથી ઝનાનામાં મોકલી દીધાનો પરિવારે આક્ષેપ કરતા કુવાડવા પોલીસે હોસ્પિટલ દોડી ગઈ હતી. અને મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ નવાગામ રાણપુર પાસે ગુરૂ ઇન્ડસ્ટ્રીઝમાં રહેતા અને મજૂરીકામ કરતા દીપકભાઈ કામળિયાના પત્નિ ચીગુબેન (ઉ.વ.૨૫)ને બુધવારે સાંજે પ્રસુતિની પીડા ઉપડતા કુવાડવાની શાંતિ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી ત્યાં દિકરીને જન્મ આપ્યા બાદ તેણીને છાતીમાં દુઃખાવો ઉપડતાં સારવાર માટે દાખલ કરાઇ હતી. દરમિયાન વધુ તબીયત લથડતાં તેણીને ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ગઈકાલે દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતકના પરિવારજનોએ કુવાડવાની શાંતિ હોસ્પિટલમાં પુરતી સુવિધા ન હોવાનો આક્ષેપ કર્યો હતો. મૃતકના પતિ દીપકભાઈ મજૂરીકામ કરે છે અને તેઓને સંતાનમાં બે પુત્રી છે. તેમણે જણાવ્યું હતું કે પત્નિને પ્રસુતિની પીડા ઉપડતાં કુવાડવાની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતાં. જ્યાં તેણીએ પુત્રીને જન્મ આપ્યો હતો. એ પછી તેણીની તબીયત બગડતાં લોહી ચડાવાયુ હતું. પરંતુ બાદમાં વધુ તબીયત બગડતાં રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડાઇ હતી. સારવારના બીજા દિવસે મૃત્યુ થયું હતું. ખાનગી હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ થતાં કુવાડવા રોડ પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી મૃત્યુનું કારણ જાણવા રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.