BREAKING NEWS

જામનગરમાં બ્રાસની ભઠ્ઠીઓની ચિમનીઓમાં લાલિયાવાડી, બેફામ હવા પ્રદૂષણ..!

  • January 16, 2026 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના ઔધોગીક વિસ્તારોમાં બ્રાસની ભઠ્ઠીઓની ચિમનીઓમાં નિયમોનો સરેઆમ ઉલાળીયો કરી લાલિયાવાડી ચાલી રહી હોય હવા પ્રદૂષણમાં જેટ ગતિએ વધારો થતા જન અરોગ્ય ખતરમાં આવ્યું છે. ૩૦ ફુટના બદલે ૮ થી ૧૦ ફુટની ઉંચાઇએ ચિમનીઓથી ઝેરી અને કેમીકલયુકત ધુમાડાથી વાતાવરણમાં ભંયકર પ્રદૂષણ ફેલાઇ રહ્યું છે. નિયમોનો સરેઆમ ઉલાળીયો કરવામાં આવતો હોવા છતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ લાજ કાઢતા મસમોટા ભ્રષ્ટાચારની આંશકા  ની વચ્ચે આ અંગે તરેહ-તરેહની ચર્ચાઓ ખુદ કારખાનેદારોમાં જોરશોરથી થઇ રહી છે. ચિમનીઓના ધુમાડાના કારણે પ્રદૂષિત હવાથી શહેરીજનોનું આરોગ્ય ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. 


જામનગરના દરેડ જીઆઇડીસી ફેઝ ૧ અને ૨, શંકરટેકરી સહીતના ઔધોગીક વિસ્તારોમાં ઔધોગીક એકમો દ્રારા કેમીકલ અને ઝેરી પાણીના નિકાલનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમમાં જોગવાઇ છે. પરંતુ આજની તારીખે પણ મોટી સંખ્યામાં કારખાનેદારો દ્રારા કારખાનાના ઝેરી અને કેમીકલયુકત ગંદા પાણીનો જાહેરમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે. નવાઇની વાત તો એ છે કે, અન્ડરગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરમાં જોડાણ આપી આ પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો હોય જમીનના તળ પ્રદૂષિત થતા જન આરોગ્ય જોખમાયું છે. આટલું જ નહીં રંગમતી નદી પણ પ્રદૂષણથી ખદબદી રહી છે. નવાઇની વાત તો એ છે કે, આ ઔધોગીક ગંદા પાણીનો સરેઆમ નિકાલ થઇ રહ્યો હોવાની બાબતથી સારી રીતે વાકેફ હોવા છતાં અને નિયમોની અમલવારી જેમના શીરે છે તે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સ્થાનિક અધિકારીઓ ભેદી ચૂપકીદી સેવી રહ્યા છે. 


આટલું ઓછું હોય તેમ જામનગરના ઔધોગીક વિસ્તારોમાં આવેલી બ્રાસપાર્ટની ભઠ્ઠીઓની ચિમનીઓથી હવા પ્રદૂષણ જેટ ગતિએ વધી રહ્યું છે. કારણ કે, શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ૧૧૦૦ જેટલી ભઠ્ઠીઓ કાર્યરત છે. નિયમ મુજબ બ્રાસપાર્ટની ભઠ્ઠીઓની ચીમની ૩૦ ફુટ ઉંચી રાખવાની હોય છે. પરંતુ મોટાભાગની ભઠ્ઠીઓમાં ૮ થી ૧૦ ફુટ સુધી ઉંચાઇ સુધી ચીમની રાખી નિયમોના લીરા ઉડાવામાં આવી રહ્યા છે. આ માટે બે માળનું કારખાનું બનાવી તેમાં ૮ થી ૧૦ ફુટ ચીમની રાખવામાં આવી રહી છે.


 જેના કારણે ઝેરી અને કેમીકલયુકત ધુમાડો હવામાં ભળતા પ્રદૂષણે માઝા મૂકી છે. આ સમસ્યાથી પણ જીપીસીબીની સ્થાનિક અધિકારીઓ ખૂબજ સારી રીતે વાફેફ છે. કારણ કે, આ સમસ્યા મુદે પણ જાગૃત નાગરિકો અને કારખાનેદારો દ્રારા જીપીસીબીના અધિકારીઓને અનેક વખત મૌખીક ફરિયાદો કરવામાં આવે છે. પરંતુ નિયમોના પાલનમાં જાણે રસ ન હોય અને લાજ કાઢતા હોય તે રીતે જીપીસીબીના અધિકારીઓ લેખિત ફરિયાદ કરવા દબાણ કરી  ભાગલા પાડો અને રાજ કરોની નિતિ અપનાવી રહ્યાની ફરિયાદો પણ કારખાનેદારોમાં ઉઠી છે. બીજી બાજુ હવા પ્રદૂષણથી જન આરોગ્ય ખૂબજ જોખમાયું છે. આમ છતાં જીપીસીબીના અધિકારીઓ ભેદી મોન સેવતા એક પછી એક કામગીરી શંકાના દાયરામાં આવી રહી છે.


હવા પ્રદૂષણથી ફેફસાના રોગ થવાની શકયતા વધુ, શહેરીજનોમાં ભય સાથે ચિંતા

જામનગરના ઔધોગીક વિસ્તારોમાં બ્રાસપાર્ટની ભઠ્ઠીઓ તથા શહેરમાં વાહનોના કારણે હવા પ્રદૂષણે માઝા મૂકી છે. ત્યારે હવા પ્રદૂષણથી ફેફસાના રોગ થવાની શકયતા વધુ હોવાનું જી.જી.હોસ્પિટલના સીનીયર તબીબ એસ.એસ.ચેટરજીએ જણાવ્યું હતું. આટલું જ નહીં હવા પ્રદૂષણથી દમ,શ્ર્વાસની તફલીફ, શરદીની એલર્જી પણ થઇ શકે છે તેમ તેમણે ઉમેર્યું હતું. આમ છતાં જીપીસીબી દ્રાર આંખ આડા કાન કરવામાં આવતા શહેરીજનોનું આરોગ્ય ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. 


તોલમાપ ખાતું પણ નિષ્ક્રીય, કોઇ ચેકીંગ કરવામાં આવતું જ નથી

જામનગરના જુદા-જુદા વિસ્તારોમાં કાર્યતર ઔધોગીક એકમોમાં બનતા માલસામાન માટે વજનના કાંટા હોય છે. આ વજનના કાંટા માટે નિયત ફી ઉધોગકારો દ્વારા તોલમાપ ખાતામાં ભરવામાં આવે છે. પરંતુ તોલમાપ ખાતું તદન નિષ્ક્રીય હોય છેલ્લાં ઘણાં સમયથી ઔધોગીક એકમોમાં વજન કાંટાની કોઇ તપાસ ન કરવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી છે. આમ તોલમાપ ખાતાની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application