રાજયમાં જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીના ૨૨ અધિકારીની મહેસૂલ વિભાગ દ્રારા બઢતી સાથે બદલી કરવામાં આવી હતી. જેમાં એક અધિકારીને જામનગર પણ મૂકવામાં આવ્યા છે. પરંતુ તેઓએ હજુ ચાર્જ સંભાળ્યો નથી. બઢતીને ૨૩ દિવસના વ્હાણા વીતવા છતાં મૂળ જગ્યા પરથી અધિકારીઓને છૂટા કરવામાં ન આવતા આ સમસ્યા સર્જાઇ હોવાની ફરિયાદો ઉઠી છે. જામનગરમાં એસએલઆર એટલે કે સુપ્રિટેન્ડન્ટ લેન્ડ રેકર્ડ અધિકારી તરીકેની મહત્વની જગ્યા પર ચાર્જથી ગાડું ગબડાવામાં આવતા કામગીરીમાં ભારે વિલંબથી અરજદારો ત્રાહીમામ પોકારી ગયા છે.
રાજયના મહેસૂલ વિભાગ દ્વારા તા.૮-૧૨-૨૦૨૫ના સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામક કચેરી હેઠળના સામાન્ય રાજય સેવાના જિલ્લા નિરીક્ષક જમીન દફતર વર્ગ-૨ સંવર્ગમાં ફરજ બજાવતા ૨૨ અધિકારીની જમીન દફતર અધિક્ષક વર્ગ-૧ સંવર્ગમાં હંગામી ધોરણે બઢતી આપવામાં આવી હતી. જેમાં કચ્છમાં જિલ્લા નિરીક્ષક જમીન દફતર તરીકે ફરજ બજાવતા એચ.એસ.રબારીને બઢતી આપી બદલી કરી જામનગર સુપ્રિટેન્ડન્ટ લેન્ડ રેકર્ડ અધિકારી તરીકે મૂકાયા હતાં. આટલું જ નહીં તેઓને દેવભૂમિ દ્રારકા જિલ્લાનો વધારોનો હવાલો પણ સોંપાયો છે.
જે તે સમયે જામનગર એસએલઆરની જગ્યા ખાલી પડતા ચાર્જ શહેર પ્રાંત અધિકારીને સોંપાયો હતો. પરંતુ રાજયના જમીન દફતર નિયામક કચેરીના ૨૨ અધિકારીને બઢતી આપી બદલી કરવામાં આવ્યાને ૨૩ દિવસના વ્હાણા વીતી ગયા છે. આમ છતાં કચ્છથી જે અધિકારીને બઢતી આપી જામનગર બદલી કરવામાં આવી છે તેઓએ હજુ જામનગર એસએલઆરનો ચાર્જ સંભાળ્યો નથી. જો કે, જે અધિકારીને જામનગર મૂકવામાં આવ્યા છે તે તથા અન્ય અધિકારીઓની કે જેઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે તેઓને મૂળ જગ્યા પરથી છૂટા કરવામાં આવ્યા નથી.
આથી તેઓ બદલીના સ્થળે હાજર ન થયાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. હાલમાં જામનગરમાં એસએલઆરની મહત્વની જગ્યા પર ઇન્ચાર્જથી ગાડું ગબડાવામાં આવી રહ્યું છે. જેના કારણે જમીનની માપણી સહીતના કેસમાં વિલંબથી અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
જમીન રી-સર્વેમાં પ્રમોલગેશન પછી ક્ષતિ સુધારણા અરજીની સમયમર્યાદામાં એક વર્ષનો વધારો જામનગર સહીત રાજયના ૩૩ જિલ્લામાં ખેતીની જમીન રી-સર્વે માટે ડીઝીટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડઝ મોર્ડનાઇઝેશન કાર્યક્રમ હેઠળ ખેતીની જમીનની માપણી કરી પ્રમોલગેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રકીયામાં મહેસૂલ વિભાગ દ્વારા પ્રમોલગેશન પછી ક્ષતિ સુધારણાની અરજી પરત્વે અપીલ કરવાને બદલે સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકર્ડઝને સાદી અરજીના આધારે નિકાલ કરવાની સતા એનાયત કરવામાં આવી છે. આ પ્રમોલગેશન પછી ક્ષતિ સુધારવામાં હેરાનગતિ ન થાય અને વકીલ ફી ખર્ચ ન થાય તે હેતુથી ખાતેદારો તરફથી રજૂ થતી અરજીઓ માટે નિયત કરેલ સમયમર્યાદા વધારી તા.૩૧-૧૨-૨૦૨૬ સુધી મહેસૂલ વિભાગ દ્રારા લંબાવામાં આવી છે.