રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા ભરવા માટે સરકાર દ્વારા વ્યાપક પ્રમાણમાં ઝુંબેશ હાથ ધરીને કામગીરી કરવામાં આવી હોવા છતાં ધોરણ એક થી પાંચમાં 2,500 જેટલા શિક્ષકોની જગ્યા હજુ ખાલી છે. શિક્ષકોની ખાલી પડેલી મોટાભાગની જગ્યાઓ ભરાઈ જાય તે માટે વર્ષો પહેલાં પીટીસી પાસ કરનાર શિક્ષકોને પણ મોટા પ્રમાણમાં નોકરી આપવામાં આવી છે. પરંતુ આમ છતાં શિક્ષક બનવા માટેની પૂરતી લાયકાત ધરાવતા ઉમેદવારો ન મળતા 2,500 જેટલી જગ્યાઓ રાજ્યભરમાં ખાલી પડી છે.
પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકોની સૌથી વધુ ખાલી જગ્યા કચ્છ જિલ્લામાં હતી અને તે ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા માટે અલગથી ભરતી ઝુંબેશ હાથ કરવામાં આવી હતી. 2500 જેટલી ખાલી પડેલી જગ્યા માટે કચ્છમાં ભરતી કરવામાં આવી હતી. પરંતુ એકાદ હજાર શિક્ષકો માંડ મળ્યા અને બાકીની 1500 જેટલી જગ્યાઓ હજુ ખાલી પડી છે. કચ્છમાં ખાલી પડેલી 2,500 જેટલી ધોરણ 1 થી 5 ના શિક્ષકોની જગ્યા માટે 5800 જેટલી અરજીઓ આવી હતી પરંતુ તેમાંથી લાયકાતવાળા શિક્ષકો પૂરતા પ્રમાણમાં મળ્યાં ન હતા.
રાજ્યમાં 5000 જેટલા શિક્ષકોની પ્રાથમિક વિભાગમાં જગ્યાઓ ખાલી પડી હતી. તે માટે પણ સરકારે ભરતી મેળાઓ શરૂ કર્યા હતા અને તે પૈકી 800 જેટલી જગ્યાઓ ખાલી પડી છે. ધોરણ છ થી આઠમાં મોટી ભાગની જગ્યાઓ ભરાઈ ગઈ છે, પરંતુ ધોરણ એક થી પાંચમાં લાયકાત ધરાવતા શિક્ષકો પૂરતા પ્રમાણમાં મળ્યા ન હોવા છતાં નવું શૈક્ષણિક સત્ર શરૂ કરી દેવામાં આવ્યું છે. તેના કારણે અભ્યાસને પણ વિપરીત અસર પડશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં શિક્ષણના સ્તર બાબતે રાષ્ટ્રીય કક્ષાના સર્વેમાં ગંભીર આકરી ટીકા કરવામાં આવ્યા પછી સરકારે આગામી 10 વર્ષનું શૈક્ષણિક ભરતીનું કેલેન્ડર જાહેર કરી દીધું છે, ધોરણ 1 થી 12 માટે આગામી 10 વર્ષ દરમિયાન ૯૦૬૫૦ શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરી છે. આ 90,650 માંથી 63615 શિક્ષકો માત્ર ધોરણ 1 થી 5 માં જ ભરવામાં આવનાર છે અને આમ 70 ટકા જેટલી ભરતી પ્રાથમિક વિભાગમાં થવાની છે.
પીટીસી પાસ શિક્ષકોની ભરતી છેલ્લા ઘણા સમયથી બંધ હતી પરંતુ આ વખતે ભરતીમાં પીટીસી પાસ શિક્ષકોને વર્ષો પછી પ્રાયોરિટી આપવામાં આવતા ઘણા વર્ષો અગાઉ પાસ થયેલા શિક્ષકોને પણ સરકારી નોકરી મળી ગઈ છે, ભવિષ્યમાં પણ આવું ચાલુ રહેશે તેમ માનીને અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં પીટીસીમાં એડમિશનનો શરૂ થઈ ગયા છે. પીટીસીનું ભણાવતી અનેક શૈક્ષણિક સંસ્થાઓના પાટિયા પડી ગયા હતા પરંતુ હવે ફરી આવી સંસ્થાઓ ધમધમતી થઈ ગઈ છે.