બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને પ્રખ્યાત નિર્દેશક રોહિત શેટ્ટીને ફરી એકવાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકી મળી હોવાના અહેવાલ છે. આ ઘટનાને પગલે મુંબઈ પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને બંને સેલિબ્રિટીઓની સુરક્ષા અંગે ચર્ચા તેજ બની છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવતા એક અજ્ઞાત વ્યક્તિએ વોટ્સએપ પર વોઈસ નોટ મોકલીને આ ધમકી આપી છે. આ વોઈસ નોટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, "લાઈન પર આવી જાવ, નહીં તો પછી જોઈ લેજો અમે શું કરીએ છીએ."
ધમકી આપનાર વ્યક્તિએ રણવીર સિંહનું નામ લઈને કહ્યું કે, "તું લોકોને કહી રહ્યો છે કે પોલીસમાં ફરિયાદ કરો અને તેં પોતે પણ ફરિયાદ કરી છે. કોઈ વાંધો નહીં, પણ અમારી પાસે તારા આખા સ્ટાફની માહિતી છે. અમે તને નહીં, પણ તારા સ્ટાફને નિશાન બનાવીશું, ત્યારે જ તને સમજાશે."
રોહિત શેટ્ટીને પણ નિશાન બનાવ્યા
આ શખ્સે માત્ર રણવીર જ નહીં, પરંતુ ડાયરેક્ટર રોહિત શેટ્ટીને પણ ધમકી આપી છે. તેણે આખા બોલિવૂડ માટે ચેતવણી આપતા કહ્યું કે જો તેઓ તેમની વાત નહીં માને તો પરિણામ ભોગવવા તૈયાર રહે.
અગાઉ પણ બની છે ઘટનાઓ
નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે આ બંનેને ધમકી મળી હોય. થોડા દિવસો પહેલા પણ રણવીર સિંહને આવી જ ધમકી મળી હતી. વધુમાં, અંદાજે બે અઠવાડિયા પહેલા રોહિત શેટ્ટીના મુંબઈ સ્થિત ઘર પર ગોળીબારની ઘટના પણ બની હતી. આ કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા શુભમ લોંકરને મુખ્ય આરોપી જાહેર કરવામાં આવ્યો છે, જે હાલ ફરાર છે. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે જેઓ શુભમના સંપર્કમાં હતા.