BREAKING NEWS

નવસારીમાં માતાની નજર સામેથી માસુમ પુત્રને દીપડો ઉઠાવી ગયોઃ અડધો કિમી દૂરથી ફાડી ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

  • October 06, 2026 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર ગઢડાની ઘટના બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ દીપડાનો ખૂંખાર આતંક સામે આવ્યો છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર ગામે શૌચક્રિયા માટે ગયેલા અઢી વર્ષના બાળકને તેની માતાની નજર સામે જ એક દીપડો જંગલમાં ખેંચી ગયો હતો. વન વિભાગ અને ગ્રામજનો દ્વારા તાત્કાલિક હાથ ધરાયેલી ભારે શોધખોળ બાદ આજે વહેલી સવારે ઘરથી માત્ર ૫૦૦ મીટર દૂર જંગલમાંથી બાળકનો ક્ષત-વિક્ષત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ હૃદયદ્રાવક ઘટનાને કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

ભીનાર ગામે રહેતા અરૂણ પટેલનો અઢી વર્ષનો પુત્ર આરવ પર આ ખૂંખાર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો અને પળભરમાં બાળકને ઉઠાવીને અંધારામાં જંગલ તરફ નાસી છૂટ્યો હતો. પોતાના જ બાળકને દીપડો લઈ ગયો હોવાની જાણ થતાં જ પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેમણે તાત્કાલિક બૂમાબૂમ કરી શોધખોળ શરૂ કરી દીધી હતી.

આ કરુણ ઘટનાની જાણ થતાં જ વાંસદા પૂર્વ અને પશ્ચિમ વન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો પણ એકઠા થઈ ગયા હતા. ગામના યુવાનો અને વનકર્મીઓએ હાથમાં મશાલ, ટોર્ચ અને લાકડા લઈને ભીનારના ગાઢ જંગલ વિસ્તારમાં બાળકની સઘન શોધખોળ આરંભી હતી. અંધારી રાતમાં જીવના જોખમે જંગલ ખૂંદવામાં આવ્યું હતું અને કલાકોની ભારે જહેમત બાદ આરવ પટેલનો મૃતદેહ તેના ઘરથી નજીકથી મળી આવ્યો હતો.

એકના એક પુત્રનું આ પ્રકારે મોત થવાથી પરિવારજનોનું હૈયાફાટ રૂદન જોઈને વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગે તાત્કાલિક જંગલ વિસ્તારમાં દીપડાને ઝડપી પાડવા માટે ૧૦ થી વધુ પાંજરાઓ ગોઠવી દીધા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application